19 July, 2023 03:42 PM IST | Mumbai | Yogita Goradia
પ્રતીકાત્મક તસવીર
મારા પપ્પાની ઉંમર ૬૨ વર્ષ છે. તેમને છેલ્લાં બે-ત્રણ વરસથી પેટમાં દુખાવો, વારંવાર ડાયેરિયા અને કબજિયાતની તકલીફ રહેતી હતી. એક વરસ સુધી તો ખબર જ ન પડી, પણ છેલ્લે પેટમાં દૂરબીન નાખીને પરીક્ષણ કર્યું તો ખબર પડી કે અલ્સરેટિવ કૉલાઇટિસ છે. ઉંમરને કારણે આમેય ખોરાકનું પાચન ઘટી ગયું છે. ડૉક્ટરે તેમને પચવામાં ખૂબ હલકું હોય એવું જ ખાવાનું કહ્યું છે, કેમ કે તેમને જરાક પણ આડુંઅવળું ખવાઈ જાય તો ડાયેરિયા થઈ જાય છે. એને કારણે વજન પણ ઘટી રહ્યું છે.
અલ્સરેટિવ કૉલાઇટિસમાં ડાયટમાં ખૂબ કાળજી રાખવી પડે છે. પાચનશક્તિ નબળી છે એટલે ભલે પચવામાં હલકી ચીજો જ આપીએ, પરંતુ એ બળપ્રદ હોવી જોઈએ. શરીરને આધાર અને બળ મળે એ માટે પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે, પરંતુ એ સરળતાથી પચે એવું હોવું જરૂરી છે. કોઈ પણ પ્રકારનાં કઠોળ કે ચણાનો લોટ આપી ન શકાય. ચણાનો લોટ લેવો જ હોય તો શેકીને થોડીક માત્રામાં આપી શકાય. માત્ર મગની દાળ કે તુવેરની પાતળી દાળ આપી શકાય. પ્રોટીન માટે દહીં કે પનીર લઈ શકાય. જો શુગરનો પ્રૉબ્લેમ ન હોય તો રસગુલ્લામાંથી સાકરવાળું પાણી નિચોવીને આપી શકાય.
આવા દરદીઓ માટે ભૂખ્યા રહેવું ખૂબ હાનિકારક હોય છે. ભૂખ્યા રહેવાથી ઍસિડિટી વધશે અને એનાથી આંતરડાં અને જઠરમાં વધુ તકલીફ થશે. દર અઢીથી ત્રણ કલાકે કંઈક પેટમાં નાખવું જ જોઈએ. ભૂખ્યા પેટે એકલું લિક્વિડ કદી ન આપવું. કંઈક સૉલિડ મિક્સ કરીને આપવું. જેમ કે દૂધ એકલું નહીં, પણ ફ્રૂટ નાખીને મિલ્કશેક આપી શકાય.
રેસાવાળાં વેજિટેબલ્સ એટલે કે પાલક જેવી ભાજી, કોબી, ફ્લાવર ન આપવાં. ગાજર, કાકડી કે કોઈ પણ સૅલડ કાચું ન ખાવું. પપૈયું અવૉઇડ કરવું. આદું-મરચાં કે તેજાનાવાળું ન ખાવું.
રાતે સાડાસાત કે આઠ વાગ્યા પહેલાં જમી લેવું. રાતે સૂતાં પહેલાં કંઈક હળવું ખાવું હોય તો લઈ શકાય. સવારે ઊઠીને પહેલી ૪૫ મિનિટમાં જ કંઈક ખાઈ લેવું, જેથી પેટમાં ઍસિડ બનવાનો શરૂ થાય એ પહેલાં જ ખોરાક મળી જતાં તકલીફો ઘટે. ધાન્યમાં જુવાર, ચોખા લઈ શકાય. ઘઉં, નાચણી કે મકાઈ ન લેવી.
માત્ર ખીચડી કે દાળ-ભાત જેવી સાદી જ ચીજો ખાઈ શકાય એવું નથી. સ્વાદ માટે ઇડલી, ઢોકળાં, મગની દાળના પૂડલા લઈ શકાય.