ગાજર એટલે ગાજર

22 November, 2019 03:41 PM IST  |  Mumbai | Darshini Vashi

ગાજર એટલે ગાજર

ગાજર

‘અ કૅરટ અ ડે કિપ્સ ધી ડૉક્ટર અવે’ વાળી વાત ગાજરને લાગુ પડી શકે છે. શિયાળામાં ખાસ ખવાતાં અને આંખોનું જતન કરવામાં અવ્વલ એવાં ગાજર દિલ્હીના પ્રદૂષણથી પણ રક્ષણ આપશે એવો બફાટ તાજેતરમાં એક નેતાએ કર્યો છે ત્યારે ગાજરની દુનિયામાં એક લટાર મારીએ અને જાણીએ તેની કેટલીક વિશેષતાઓ.

હેલ્ધી ફૂડ અને બેસ્ટ સૅલડ ગણાતાં ગાજર અનેક રીતે ફાયદાકારક છે તો સામે કેટલાક કેસમાં નુકસાનકારક પણ છે. ગુણોનો ભંડાર ગણાતાં ગાજર વિશે જાણીએ આજે અનેક રોચક વાતો.

દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણની વચ્ચે શરીરને સ્વસ્થ રાખવા માટે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને થોડા સમય પૂર્વે જ તેમના ટ્વિટર અકાઉન્ટ પર લોકોને વધુ ને વધુ ગાજર ખાવાની સલાહ આપી હતી જેના પર સોશ્યલ મીડિયામાં ઘણી ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે તેમની આ સલાહ બાદ કેટલા લોકોએ ગાજરને તેમના ડાયટમાં ઉમેર્યું છે તેમ જ પ્રદૂષણની સામે કેટલું રક્ષણ મળ્યું છે એ તો ખબર નથી, પરંતુ ગાજર ખાવાથી અઢળક ફાયદા થાય છે એ તો ચોક્કસ છે. 

ફળોનો રાજા કેરી છે તો શાકભાજીનો રાજા ગાજર છે. સૅલડનું અભિન્ન અંગ ગણાતું ગાજર ઔષધીય ગુણોનો ભંડાર છે. એટલે દરેક ડાયટ ચાર્ટમાં ગાજરને સ્થાન પણ આપવામાં આવતું હોય છે. તેમ છતાં કેટલાક કેસમાં ગાજરથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવે છે. ગાજરની અંદર અઢળક વિટામિન્સ અને મિનરલ્સ આવેલાં છે જે આંતરિક અને બાહ્ય તંદુરસ્તી તેમ જ સૌંદર્યમાં વધારો કરે છે. ગુણોની ખાણ એવાં ગાજર વિશે આજે અહીં જાણી-અજાણી વાતો કરવાના છીએ. 

ગાજરની ઓળખાણ

ગાજરની ગણતરી રૂટ વેજિટેબલમાં થાય છે. આપણે ત્યાં ગાજર કેસરી અને પિન્ક કલરનાં જોવા મળે છે, પરંતુ આ બે રંગ સિવાય પણ ગાજર અનેક રંગનાં આવે છે. પર્પલ, વાઇટ, રેડ અને યલો રંગનાં ગાજર પણ થાય છે. જેમ ગાજરના રંગ અલગ-અલગ હોય છે એમ એના સ્વાદમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. મૂળ તો ગાજર યુરોપ અને સાઉથ-વેસ્ટ એશિયા દેશોની પેદાશ છે, પરંતુ આજે અનેક જગ્યાએ ઉગાડવામાં આવે છે. અહીં ઉત્તર ભારતમાં ગાજર સૌથી વધુ લેવામાં આવે છે. ગાજરની અંદર વિટામિન્સ, પ્રોટીન, ચરબી, ગ્લુકોઝ ઉપરાંત ખનીજ તત્ત્વો પણ રહેલાં હોય છે. વિશ્વભરમાં ગાજરનો ઉપયોગ સૅલડ તરીકે વધુ થાય છે, પરંતુ ગાજર ભાગ્યે જ એવાં શાકમાંનું એક શાક હશે જેનો વિવિધ રીતે ખોરાકમાં ઉપયોગ થાય છે. ગાજર જ નહીં, એનાં પાન પણ એટલાં જ અસરકારક હોય છે. ગાજરનાં પાનમાં પ્રોટીન અને અન્ય વિટામિન્સ રહેલાં હોય છે જેનો પશુઆહારમાં પણ ઉપયોગ કરી શકાય છે.

આંખ માટે સંજીવની

ગાજરમાં અઢળક વિટામિન્સ અને મિનરલ રહેલાં હોય છે, પરંતુ સૌથી મુખ્ય વસ્તુ બીટા કૅરોટિન હોય છે જે એમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. એ શરીરની અંદર જઈને વિટામિન Aનું નિર્માણ કરે છે. માત્ર એક ગાજર ખાવાથી દિવસ દરમિયાનની વિટામિન Aની જરૂરિયાત સંતોષાઈ જાય છે. રતાંધળાપણું એટલે કે સૂર્યાસ્ત પછી જેને જોવામાં તકલીફ પડતી હોય તેવા માટે ગાજર સંજીવનીની ગરજ સારે છે. આવી બીમારીથી પીડાતા લોકોને ડૉક્ટર કાચાં ગાજર ખાવાની સલાહ આપે છે. મોતિયાના ઑપરેશન વખતે પણ ઘણા ડૉક્ટરો ગાજરના જૂસનું સેવન કરવાની સલાહ આપે છે. આ બાબતે ડાયટિશ્યન ડૉ. ભારતી ગડા કહે છે, ‘બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સૈનિકોને ગાજર ખાવાનું ફરમાન કરવામાં આવ્યું હતું જેથી તેઓ રાતના સમયે યુદ્ધ કરી શકવા સમર્થ રહે. એનો અર્થ વર્ષો અગાઉથી ગાજરને લઈને લોકો કેટલા બધા સતર્ક છે અને એ સાચું પણ છે. ગાજરમાંથી જે બીટા કૅરાટિન મળે છે એનાથી આંખની રોશની તેજ બને છે. આ કૅરાેટિન પરથી જ એનું નામ કૅરટ પડ્યું હતું.’

ગાજર બારેમાસ

સામાન્ય રીતે ભારતીયો એમાં પણ ગુજરાતીઓ માત્ર શિયાળામાં મળતા ગુલાબી ગાજરને જ ખાવાલાયક સમજે છે. જોકે એ તેમની સૌથી મોટી ભૂલ છે. ડૉ. ભારતી કહે છે, ‘ગાજરની અંદર ફાઇબર અને વિટામિન પ્રચુર માત્રામાં હોય છે. એટલે દરેક સીઝનમાં મળતાં ગાજર ખાઈ શકાય છે. ઘણા લોકો માત્ર સીઝનલ ગાજર ખાવાનું પસંદ કરે છે એ ખોટું છે, કેમ કે દરેક ગાજરની ગુણવત્તા સરખી જ હોય છે. હા, જેમ સીઝનમાં મળતી વસ્તુ બેસ્ટ જ હોય છે એમ શિયાળામાં મળતાં ગાજર બેસ્ટ જ હોય છે, પરંતુ અન્ય સીઝનમાં મળતાં ગાજર પણ સારાં જ હોય છે.’

કાંદિવલીનાં હોમિયોપથી ડૉ. શિલ્પા ગોરડિયા કહે છે, ‘ઘણી વખત એવું જોવા અને સાંભળવા મળ્યું છે કે સીઝન ન હોય ત્યારે ઘણા આર્ટિફિશ્યલ રીતે ગાજર ઉગાડે છે જે હેલ્થ માટે ખતરા સમાન છે. એટલે ગાજર બારેમાસ સારાં છે પરંતુ સીઝન સિવાય મળતાં ગાજર ઘણી વખત નુકસાનકારક બની જતાં હોય છે. આ સિવાય રેડ ગાજરમાં કૅરોટિન પણ વધારે હોવાનું નોંધાયું છે. આ કૅરોટિન આંખને તાજીમાજી રાખે છે.’

ગાજર કોને નહીં ચાલે?

ગાજરમાં શુગરનું લેવલ વધારે હોય છે એટલે ડાયાબિટીઝના પેશન્ટને ન આપી શકાય. એમ જણાવીને ડૉ. ભારતી કહે છે, ‘ગાજરની અંદર વિટામિન A ખૂબ હોય છે એટલે જો ડાયાબિટીઝના પેશન્ટને ગાજર આપવું હોય તો રૉ ફૉર્મમાં આપી શકાય છે અને એ પણ અન્યની સાથે કૉમ્બિનેશનમાં આપી શકાય. એટલે કે બીજા કોઈ વેજિટેબલ્સ અથવા ફ્રૂટની સાથે મિક્સ કરીને આપી શકાય છે. ગાજરને કુક કરવામાં આવે તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઘટી જાય છે, જેથી એમાંથી ગ્લુકોઝ ઝડપી માત્રામાં છૂટવા માંડે છે જે શરીરને નુકસાન કરે છે. ત્યાં સુધી કે ગાજરનું જૂસ પણ અવૉઇડ કરવું જોઈએ, જેનું કારણ છે હાઈ કૅલરી અને સ્વીટનેસ. ગાજરના જૂસમાં હાઈ કૅલરી હોય છે. એટલે જેઓ વજન ઘટાડવા માગતા હોય તેઓ માટે પણ ગાજરનું જૂસ ખોટી ચૉઇસ છે. રૉ ગાજરમાં ફાઇબર વધુ હોય છે એટલે જો એને ખાવામાં આવે તો એટલી શુગર તમારા પેટમાં નથી જતી, પરંતુ એ જ ગાજરનું જો જૂસ કાઢવામાં આવે તો એમાં ગાજરનું માત્ર ગ્લુકોઝ કન્ટેન્ટ જ આવે છે, જે હેલ્થ માટે નુકસાનકારક છે.’ 

ગાજરનો કોઈ ભાગ નકામો નથી

ઘણાં ઘરોમાં સૅલડ કરતી વખતે અથવા તો ગાજર સમારતી વખતે એની અંદર આવેલા સફેદ ભાગને કાઢી નાખવામાં આવે છે એ ખોટું છે, કેમ કે એની અંદર ફાઇબર હોય છે. આ સ્પષ્ટતાં સાથે ડૉ. ભારતી કહે છે, ‘જો સ્વાદના લીધે તમે કાઢી નાખતા હો તો ઠીક છે બાકી હેલ્થની દૃષ્ટિએ આ ભાગ ફેંકી દેવા માટે નથી. ગાજરના રેડ, યલો, ગ્રીન અને ઑરેન્જ ભાગમાં વિટામિન્સ હોય છે; જ્યારે કલર વગરના ભાગમાં વિટામિન હોતાં નથી એટલે અંદર રહેલા સફેદ ભાગમાં વિટામિન્સ નથી, પરંતુ માત્ર ફાઇબર જ હોય છે. અંદરનો સફેદ હિસ્સો જ નહીં પણ ગાજરનો બહારનો ભાગ જેના પર રેસા હોય છે એને પણ કાઢવાની જરૂર નથી. આ રેસા એટલે ફાઇબર જ છે. ગાજરને ધોયા બાદ એની છાલ કાઢવાની જરૂર નથી, એને સીધું આરોગી શકાય છે. જો કોઈને આ સાથે ખાવાની તકલીફ પડતી હોય તો તે કાઢી શકે છે, પરંતુ બને તો ન જ કાઢવું.’

આ બાબતે ડૉ. શિલ્પા ગોરડિયા પણ સંમતિ પુરાવતાં કહે છે, ‘જેમ માણસના શરીરમાં નાભિનો ભાગ સૌથી મહત્ત્વનો હોય છે એમ ગાજરમાં પણ સફેદ ભાગ એટલો જ મહત્ત્વનો છે. ઘણા નેચરોપથી ડૉક્ટરો ગાજરને કટ કરવાની પણ ના પાડે છે. એને કટ કર્યા વગર જ સીધેસીધું ખાવાની સલાહ આપે છે. ગાજર જ નહીં, કોઈ પણ ખાદ્ય પદાર્થને કટ કરો કે તરત જ એનું ઑક્સિડેશન થવાની શરૂઆત થઈ જાય છે અને ખોરાકનાં મૂળભૂત તત્ત્વો ઓછાં થવા લાગે છે.’

ગાજરના ફાયદાઓ

- ગાજર અશક્તિ દૂર કરે છે. શરીરમાં ગરમી, પોષણ અને શક્તિ પૂરે છે.

-  પાચનશક્તિ સુધરે છે.

- દરાજ, ખરજવું જેવા ચામડીના રોગમાં ઉત્તમ ટૉનિકનું કામ કરે છે.

- પચવામાં હલકાં હોવાથી કબજિયાતની તકલીફ દૂર રાખે છે.

- ત્વચાને સુંવાળી અને લીસી બનાવે છે.

- માસિક ધર્મ નિયમિત બનાવે છે. ગર્ભાશયને સ્વસ્થ રાખે છે.

- ભૂખ ઉઘાડે છે અને ઇમ્યુનિટી વધારે છે એટલે નાનાં બાળકોને માટે પણ લાભદાયક છે.

- કેટલાક કેસમાં કૅન્સરના સેલને તોડી પાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

- ગાજરની અંદર આવેલાં કેટલાંક તત્ત્વો કૉલેસ્ટરોલને કાબૂમાં રાખવામાં સહાયરૂપ બને છે.

આ જાણો છો?

- સર્વપ્રથમ ગાજર અફઘાનિસ્તાનમાં ઊગ્યું હતું.

- કહેવાય છે કે ગાજરનો લગભગ ૮૦ ટકા જેટલો હિસ્સો પાણીનો બનેલો હોય છે.

- ગાજરની અંદર પ્રાકૃતિક રીતે સાકર રહેલી હોય છે.

- ગાજરનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે.

- એવું કહેવાય છે કે ગાજર જેટલાં ડાર્ક રંગનાં હોય એટલો એનો સ્વાદ મીઠો લાગે છે.

- ગાજર બિયાં ધરાવે છે, જે એના ટોચકા પર હોય છે

- અમેરિકનો દર વર્ષે સરેરાશ ૧૦.૬ પાઉન્ડ ગાજર આરોગે છે.

- ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ મુજબ અત્યાર સુધીમાં સૌથી લાંબું ૨૦ ફુટનું ગાજર નોંધાયું છે.

health tips