19 July, 2023 03:32 PM IST | Mumbai | Dr. Ravi Kothari
પ્રતીકાત્મક તસવીર
ઓરલ હાઇજીન શરીરના સ્વાસ્થ્યનો સૌથી મહત્ત્વનો ભાગ છે. એટલે જ સવારે ઊઠીને સૌથી પહેલાં બ્રશ કરવાની આપણે આદત કેળવી છે. જોકે સ્વસ્થ રહેવા માટે સવારે ઊઠીને નરણા કોઠે પાણી પીવાની આદત પણ બહુ જ જરૂરી છે. જોકે આજકાલ અનેક પેશન્ટ્સ પૂછતા આવ્યા છે કે ઊઠીને તરત પાણી પીવું કે બ્રશ કરીને મોં સાફ કર્યા પછી પાણી પીવું? જે પ્રમાણે આપણને છેલ્લાં થોડાંક વર્ષોમાં હાઇજીનના પાઠ ભણાવવામાં આવ્યા છે એ જોઈએ તો બ્રશ કરીને જ પાણી પીવાનું હોયને.
જોકે આયુર્વેદશાસ્ત્ર અહીં થોડુંક અલગ મંતવ્ય ધરાવે છે. મહર્ષિ વાગ્ભટે લખેલા શાસ્ત્રમાં માનવની વહેલી સવારની લાળને દિવસભરની લાળ કરતાં અનેકગણી ઉત્તમ ગુણવાળી ગણવામાં આવી છે. મતલબ કે તમે સૂતા હો ત્યારે મોંમાં જે લાળ જમા થાય છે એ ખૂબ હેલ્ધી અને પોષક બૅક્ટેરિયાવાળી હોય છે. લાળમાં બહુ જ ચમત્કારિક શક્તિ છે. અષ્ટાંગહૃદય નામના ગ્રંથમાં કહેવાયું છે કે સવારની પહેલી લાળ ત્વચાની બીમારીમાં લગાવવાથી ઇમ્યુનિટી સુધરે છે. જો મોંમાં પૂરતી લાળ પેદા થતી હોય તો એનાથી મોં ચોખ્ખું રહે છે. એ શ્વાસની દુર્ગંધ તેમ જ પેઢાં, ગલોફાં અને જીભની ક્લીનલીનેસ જાળવે છે. લાળના ગુણ માણસને કદી સમજાયા જ નથી. એ માત્ર માણસ માટે જ નહીં, પ્રાણીમાત્ર માટે મહત્ત્વની છે. તમે જોયું હોય તો પ્રાણીઓ પડે-આખડે કે ઘા-જખમ થાય તો તરત જ ચાટી-ચાટીને એને સાફ કરે છે. માણસ જ એક છે જે ઘા વાગે ત્યારે ડીસઇન્ફેક્ટન્ટ, ઍન્ટિ-બૅક્ટેરિયલ દવાઓ શોધે છે. પ્રાણીઓ તો તેમની પાસેની હાથવગી લાળનો જ ઉપયોગ કરે છે. શ્વાન, બિલાડી કે ગાય-ભેંસ જ નહીં, જંગલી પ્રાણીઓ પણ ત્વચા પરની તકલીફોને દૂર કરવા માટે પોતાની લાળનો જ ઉપયોગ કરે છે. એ વાત તો સૌ માને છે કે લાળ ભોજનનો સ્વાદ માણવાથી લઈને ભોજનના પાચન સુધીના કાર્યમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે મૉડર્ન સાયન્સ પણ માને છે કે લાળમાં લાઇસોઝોમ નામનું એન્ઝાઇમ હોય છે. આ એન્ઝાઇમ પાવરફુલ ડાયજેસ્ટિવ કૅપેસિટી ધરાવે છે. આ એન્ઝાઇમ શરીર માટે બિનજરૂરી તત્ત્વોને બહાર ફેંકી દેવાનું કામ કરે છે.
તમે જોયું હોય તો સવારે ઊઠો ત્યારે મોંમાં થૂંક ભરાયેલું જ હોય છે. એનું કારણ એ છે કે રાતના સમયે પેટના આંતરિક અવયવોની સાફસફાઈનું કામ ચાલતું હોય છે. બ્રાહ્મમૂહુર્ત પહેલાં અવયવોની સફાઈ થઈ ચૂકી હોય છે અને મોંમાં એ સમયે જમા થયેલું થૂંક સૌથી અસરકારક અને ફ્રેશ હોય છે. જોકે એ પછી પણ તમે સૂતા રહ્યા હો તો એ થૂંક મોંમાં પડી રહે છે. જો નરણા કોઠે થૂંક ગળ્યા વિના જ પાણી પીવું હોય તો બ્રાહ્મમુહૂર્તમાં પીવું. મતલબ કે સૂર્યોદયના જસ્ટ પહેલાંનો સમય હોય એ દરમ્યાન મોં સાફ કર્યા વિના પાણી પી શકાય. આ તો થઈ સવારે ઊઠીને થૂંક ગળ્યા વિના જ તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી પીવાના ફાયદાની વાત. જોકે આ આદત ત્યારે જ હેલ્ધી બને છે જ્યારે તમારી પાચન-વ્યવસ્થા સ્વસ્થ હોય, તમારું પેટ સાફ રહેતું હોય અને ઍસિડિટી, અપચો કે રિફ્લક્સની સમસ્યા તમને ન હોય.
જો તમને સવારે મોડે સુધી સૂતા રહેવાની આદત હોય તો મોં સાફ કર્યા વિના પાણી ન પીવું જોઈએ, કેમ કે લાંબો સમય મોંમાં ભરાઈ રહેલું થૂંક સ્વસ્થ નથી રહેતું. બીજું, તમે ઊઠો ત્યારે મોંમાં ભરાયેલું થૂંક વાસ મારતું હોય તો એ બતાવે છે કે તમને પેટમાં તકલીફ છે અથવા તો પેઢાં, ગલોફાં કે ઓરલ હાઇજીનની તકલીફ છે
કેમિકલયુકત ટૂથપેસ્ટથી મોં સાફ કરવાથી કદાચ મોંમાં પનપતા બૅક્ટેરિયા ખતમ થઈ જાય છે, પણ ટૂથપેસ્ટના રેસિડ્યુ મોંમાં રહી જાય એવું બની શકે છે.
ટૂંકમાં, આખીયે વાતનો સાર એટલો જ કે જો તમારી લાઇફસ્ટાઇલ હેલ્ધી હોય, તમે નિયમિત સમયે સૂતા હો અને સવારે વહેલા ઊઠતા હો, ઊઠ્યા પછી મોંમાંથી વાસ ન આવતી હોય, તમારું પેટ ખૂબ સરળતાથી સાફ રહેતું હોય તો અને તો જ તમારી મૉર્નિંગની ફર્સ્ટ લાળમાં હેલ્ધી તત્ત્વો ટકે છે. જો આવું હોય તો મોં સાફ કર્યા વિના પાણી પીવું વધુ લાભદાયી છે. બાકી હંમેશાં પાણીથી કોગળા કર્યા પછી જ પાણી પીવું.