05 November, 2019 05:25 PM IST | Mumbai | Varsha Chitaliya
હિસ્ટરેક્ટ્મી
કૅન્સરના જોખમને ટાળવા યુનાઇટેડ સ્ટેટ્સમાં દર વર્ષે ચાર લાખ મહિલાઓ હિસ્ટરેક્ટ્મી એટલે કે ગર્ભાશય દૂર કરવાની સર્જરી કરાવે છે. જેમાંથી ત્રીજા ભાગની મહિલાઓ ઓવરી પણ કઢાવી નાખે છે એવો સર્વે સામે આવ્યો છે. હિસ્ટરેક્ટ્મીની સારવાર તરફ હવે ભારતીય મહિલાઓનો ઝુકાવ વધ્યો છે એવું જાણવા મળ્યું છે ત્યારે આ સર્જરી ક્યારે કરાય, રિસ્ક, રિકવરી તેમ જ હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપી શું છે એ જાણી લો
પિરિયડ્સ શરૂ થતાં જ મહિલાઓના શરીરમાં સતત પરિવર્તન ચાલ્યા કરે છે. સેક્સુઅલ ડિઝાયર અને પ્રેગ્નન્સી, પેઢુ અને કમરનો દુખાવો, અતિશય અથવા ખૂબ જ ઓછો રક્તસ્ત્રાવ, પિરિયડ્સમાં અનિયમિતતા, મેનોપૉઝ અને શ્વેતપ્રદર જેવી અનેક સમસ્યાઓનો સામનો કર્યા બાદ પણ મહિલાઓ એના શરીરના પ્રજનન અંગને દૂર કરવાનું કલ્પી ન શકે. તાજેતરમાં ઇન્ટરનેશનલ મ્યુઝિશ્યન અનુષ્કા શંકરે હિસ્ટરેક્ટ્મીની (ગર્ભાશય દૂર કરવાની સર્જરી) ડબલ સર્જરી કરાવી હતી. પોતાની આ પીડાદાયક સફર વિશે સોશ્યલ મીડિયા પર તેણે બે પાનાં જેટલી લાંબી પોસ્ટ શેર કરી છે. અનુષ્કાનું કહેવું છે કે હવે હું માતા નહીં બની શકું એ વિચારવું પણ ભયાનક હોય છે.
કેટલાક સંજોગોમાં ડૉક્ટર દ્વારા આપવામાં આવતી હિસ્ટરેક્ટ્મીની સલાહ કોઈપણ મહિલાને ડિપ્રેશનમાં ધકેલી દે છે. સર્જરીની શારિરીક પીડા શરૂ થાય એ પહેલાં જ માનસિક પીડા વધી જતી હોય છે. એવામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં હિસ્ટરેક્ટ્મીની સારવાર લેનારી મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે એવા સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં અંદાજે ચાર લાખ મહિલાઓ દર વર્ષે આ ટ્રીટમેન્ટ કરાવે છે જેમાંથી ત્રીજા ભાગની મહિલાઓ ઓવરી (અંડાશય) પણ કઢાવી નાખે છે. ઓવરી અને બ્રેસ્ટ કેન્સરના જોખમને ટાળવા મહિલાઓ હિસ્ટરેક્ટ્મીની સારવાર કરાવતી થઈ છે એવું તારણ નીકળ્યું છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારની સર્જરી બાદ એસ્ટ્રોજન અને હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપી લેવાથી ફાયદો થાય છે, પરંતુ ૪૫ વર્ષથી નાની ઉંમરમાં કરવામાં આવેલી સર્જરીથી હાર્ટ સંબંધિત રોગનું જોખમ વધી જાય છે. કેવા સંજોગોમાં ગર્ભાશય કઢાવી શકાય? અંડાશય દૂર કરવામાં હિત છે? નાની ઉંમરે હિસ્ટરેક્ટ્મીની સારવારની શરીર પર શું અસર થાય? સારવાર બાદ કેન્સરનું જોખમ ઘટે ખરું? રિસ્ક, પોસ્ટ કૅર, સાઇડ ઇફેક્ટ વગેરે જેવા અનેક પ્રશ્નોના જવાબ નિષ્ણાત પાસેથી મેળવીએ.
શું છે આ?
હિસ્ટરેક્ટ્મી એવી સર્જરી છે જેમાં શરીરમાંથી ગર્ભાશય (યુટ્રસ)ને કાઢી નાખવામાં આવે છે. મેડિકેશન અને અન્ય નૉન-સર્જકલ ઉપાયોથી રાહત ન થાય ત્યારે ડૉક્ટર હિસ્ટરેક્ટ્મીની સલાહ આપે છે. આ સંદર્ભે વિસ્તારપૂર્વક માહિતી આપતાં જસલોક હૉસ્પિટલના ગાયનેકૉલોજિસ્ટ ડૉ. શિલ્પા અગ્રવાલ કહે છે, ‘મહિલાની ઉંમર, શારિરીક વ્યાધિ, મેનોપૉઝ પિરિયડ અને ફેમીલી હિસ્ટ્રીની તપાસ કર્યા પછી હિસ્ટરેક્ટ્મી સર્જરી વિશે વિચારી શકાય. સામાન્ય સંજોગોમાં માત્ર યુટ્રસ રિમુવ કરવામાં આવે છે. મેનોપૉઝ પિરિયડમાં માસિક સ્ત્રાવ ખૂબ વધી જાય તો અમે તેમને સમજાવીએ કે થોડા સમયમાં કુદરતી રીતે જ તમારી માસિક સાઇકલ બંધ થવાની છે તો થોડી વહેલી ભલે થતી, યુટ્રસ કઢાવી નાખો. ગર્ભાશય કઢાવી નાખ્યા બાદ પ્રેગનન્સી શક્ય નથી તેથી એવી જ મહિલાઓને સલાહ આપીએ છીએ જેમને હવે માતા બનવું નથી. ગર્ભાશયની બિમારીથી જીવનું જોખમ હોય ત્યારે પણ સર્જરી કરવી પડે. આ સિવાય જરૂર નથી.’
કૅન્સરનો ડર
ઇન્ટરનેટ રિસર્ચના પ્રભાવમાં આવીને આજકાલ આપણા દેશમાં પણ કૅન્સરના ડરથી નાની ઉંમરની મહિલાઓમાં ઓવરી દૂર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, પરંતુ હું ચોખ્ખી ના પાડું છું. એમ જણાવીને ડૉ. શિલ્પા કહે છે, ‘સાઠ વર્ષની ઉંમર પહેલાં ઓવરી દૂર કરાય જ નહીં. અંડાશયમાં ફાઇબ્રોઇડ બનતું હોય કે ફેલોપિયન ટ્યુબમાં તકલીફ ઊભી થાય એવા સંજોગોમાં નાની ઉંમરમાં ઓવરી કાઢી નાખવાની સલાહ આપવી પડે છે. આવા કેસમાં મહિલાને પ્રિ-મેનોપૉઝ આવી ગયું હોય છે. નાની ઉંમરમાં જેમની ઓવરી દૂર કરવામાં આવે છે તેમને અમે પહેલાં જ કહી દઈએ કે તમારા શરીરમાં હૉર્મોનની ઉથલપાથલ વહેલી જોવા મળશે. પરિણામે સેક્સ્યુઅલ ઍક્ટિવિટીમાં રસ ઓછો થઈ જાય એવું બને. શરીરના અન્ય પાર્ટના ફંક્શન પર પણ એની અસર થશે. ટૂંકમાં જે સમસ્યા મેનોપૉઝમાં થાય છે એ તમારી લાઇફમાં પાંચ વર્ષ વહેલી થશે. ઓવરી દૂર કરતાં પહેલાં આખો કેસ સ્ટડી કરવો પડે. મહિલાના ફૅમિલીમાં ઓવરી કૅન્સરના કેસ બન્યા હોય એટલે કે જિનેટિક પ્રોબ્લેમ હોય ત્યારે પણ ઓવરી દૂર કરવી પડે છે. હિસ્ટરેક્ટ્મીની કોઈપણ સર્જરીમાં પેશન્ટનું કાઉન્સેલિંગ અનિવાર્ય છે જેથી એ આગળની લાઇફ માટે માનસિક તૈયારી રાખે.’
સર્જરી પછીની વાત
ગર્ભાશય કઢાવી નાખ્યા બાદ એચઆરટી (હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપી)થી લાભ થશે એ મનનો વહેમ છે. ડૉ. શિલ્પા કહે છે, ‘એચઆરટીના ઘણા પ્રકાર છે. બોન ડેન્સિટી બની રહે, સેક્સ્યુઅલ લાઇફ વ્યવસ્થિત ચાલે એ માટે લોકો લેતાં હોય છે પણ એની સાઇડ ઇફેક્ટ ઘણી છે તેથી અમે રેકમેન્ડ નથી કરતાં. એચઆરટી અને એસ્ટ્રોજન થેરપી બાદ લીવરને અસર થવાની શક્યતા વધી જાય છે. પેટને લગતી અનેક સમસ્યા ઊભી થાય છે. માઇગ્રેનની તકલીફ હોય તો એમાં વધારો થાય.’
ઘણી મહિલાઓ ગર્ભાશય દૂર કરવાના નામથી જ ડરી જાય છે. મેનોપૉઝની શરૂઆતથી જ ડિપ્રેશન, વજાઇનલ ડ્રાયનેસ, યુરિનરી કમ્પ્લેઇન્ટ, મૂડ સ્વિંગ્સ, બોન વીક થઈ જવા, હૉર્મોન ચેન્જિસ, વજન વધી જવું, બ્લડ-પ્રેશર, થાઇરોઇડ વગેરે સમસ્યાઓ ઊભી થવાની શક્યતા રહેલી છે. સર્જરી કરાવી હોય કે ન કરાવી હોય મેનોપૉઝના લક્ષણો એકસરખા જ રહેવાના છે. ઘણાંને એમ લાગે છે કે સર્જરીથી આ સમસ્યા ઊભી થઈ તો એ માન્યતા ખોટી છે. મેનોપૉઝમાં તમારું વજન ખૂબ વધી જાય તો હાર્ટ પર પ્રેશર આવવાનું જ છે. આ લક્ષણોને હિસ્ટરેક્ટ્મી સાથે કંઈ લાગતું વળગતું નથી. સર્જરી બાદ ઘણી મહિલાઓ ખુશખુશાલ જોવા મળે છે. તેમનું કહેવું છે કે હાશ, દર મહિનાની ઝંઝટથી છૂટકારો મળ્યો. આ હૅપીનેસ માટે મારું કહેવું છે કે એમાં ખુશ થવા જેવું કંઈ નથી. તમારા શરીરમાંથી કોઈપણ કારણસર એક અંગ ચાલ્યું ગયું છે અને શરીરને આવશ્યક હૉર્મોન બનવાના બંધ થઈ ગયા છે એ વાસ્તવિકતા છે. આમ કેટલીક મહિલાઓ ભયભીત થઈ જાય છે તો કેટલીક ખુશ થાય છે. હિસ્ટરેક્ટ્મીની સર્જરીને સ્વીકારવાનો દરેક મહિલાઓનો અપ્રોચ અને ફીલિંગ્સ જુદા હોય છે પણ જ્યાં અનિવાર્ય છે સર્જરી કરવી તો પડે છે.
કેટલા પ્રકારની સર્જરી થાય છે એ જાણી લો
ટોટલ હિસ્ટરેક્ટ્મી : આ સર્જરીમાં સર્વિક્સ (ગર્ભાશયનું મુખ) સહિત આખા ગર્ભાશયને કાઢી નાખવામાં આવે છે.
ટોટલ હિસ્ટરેક્ટ્મી સૌથી વધુ પ્રચલિત સારવાર છે.
સબ ટોટલ હિસ્ટરેક્ટ્મી : આ સર્જરીમાં સર્વિક્સને છંછેડ્યા વગર માત્ર યુટ્રસના પ્રમુખ ભાગને દૂર કરવામાં આવે છે.
ટોટલ હિસ્ટરેક્ટ્મી એન્ડ સેલ્પિંગો-યુફોરેક્ટ્મી: આ પ્રક્રિયામાં ગર્ભાશય અને સર્વિક્સની સાથે ગર્ભનાળ અને અંડાશય પણ કાઢી નાખવામાં આવે છે.
રેડિકલ હિસ્ટરેક્ટ્મી : આ પ્રક્રિયામાં ગર્ભાશય અને એની આસપાસની કોશિકાઓ, ગર્ભનાળ, અંડાશય તેમ જ યોનિનો કેટલોક ભાગ કાઢી નાખવામાં આવે છે. કેન્સરનું જોખમ હોય ત્યારે જ રેડિકલ હિસ્ટરેક્ટ્મીની સલાહ આપવામાં આવે છે.