22 August, 2019 02:57 PM IST | મુંબઈ | રોજેરોજ યોગ - રુચિતા શાહ
રોજેરોજ યોગ
આ વર્ષે ભારતનાં મોટા ભાગનાં રાજ્યોએ ભારે વરસાદ ભોગવ્યો છે અને હવે વરસાદ ગયા પછી મચ્છરો અને મચ્છરોની સાથે વાઇરલ ઇન્ફેક્શનના વધી રહેલા કેસ ચિંતાનું કારણ બન્યા છે. મોટા ભાગે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે જ કોઈ પણ જાતના વાઇરસ શરીર પર અટૅક કરીને એની સ્થિતિ બદતર કરતા હોય છે. જોકે યોગિક ક્રિયાઓ, આસનો અને પ્રાણાયામ દ્વારા જો શરીરને તૈયાર કર્યું હોય તો કદાચ કોઈ પણ વિકટ પરિસ્થિતિ સાથે ટકરાવાની શરીરની ક્ષમતા વધારી શકાય છે.
ઉદાહરણ જોઈ લો
લોનાવલામાં યોગની યાત્રા શરૂ કરનારા સુશાંત ભારત સિંહનો આ જાતઅનુભવ છે. સુશાંત કહે છે, ‘મેં જેમને મનોમન ગુરુ માન્યા છે એ કુવલયાનંદજી કહેતા કે શરીરમાં જેટલી વધુ માત્રામાં ઍન્ટિબાયોટિક્સ નાખશો એટલું શરીર નબળું પડતું જશે. એક સમય એવો આવશે કે ઍન્ટિબાયોટિક્સની અકસીરતા ઓછી થશે અને ડોઝ વધારતા જવો પડશે અને શરીરની નબળાઈમાં પણ ઉમેરો થતો જશે. આજે આપણે એ જોઈ જ રહ્યા છીએ. ઍન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે. બૅક્ટેરિયા હવે ઍન્ટિબાયોટિક્સને ગણકારતા જ નથી એટલા સ્ટ્રૉન્ગ થઈ ગયા છે અને શરીર પોતાની રીતે આ બૅક્ટેરિયાનો ખાત્મો બોલાવવાની ક્ષમતા ખોઈ બેઠું છે. આ પરિસ્થિતિ ન જોઈતી હોય તો દવાને સમર્પિત થવાને બદલે યોગને સમર્પિત થઈ જાઓ, તમારે દવાની જરૂર જ નહીં પડે. હું એનું જીવતુંજાગતું ઉદાહરણ છું. લોનાવલામાં જ ઊછર્યો છું અને નાનપણમાં દર વખતે વાઇરલ ઇન્ફેક્શન થાય ત્યારે હૉસ્પિટલાઇઝ થયા વિના છૂટકો નહોતો. જોકે યોગ શરૂ કર્યા પછી મારા શરીરનો રેઝિસ્ટન્સ પાવર બૅક્ટેરિયા કરતાં મોટો થઈ ગયો અને છેલ્લાં દસ વર્ષમાં એકેય દવા લેવાનો વારો નથી આવ્યો. યોગ તમારા શરીરને સક્ષમ બનાવે છે એટલે હું યોગને થેરપી તરીકે નથી જોતો, પણ યોગ બૉડી બૂસ્ટર છે. તમારું શરીર જ કોઈ પણ રોગને દૂર કરી દે એ પ્રકારની નક્કરતા યોગ દ્વારા તમારા શરીરને પ્રાપ્ત થાય છે.’
અઢળક સર્વેક્ષણો
યોગાસનો અને પ્રાણાયામમાં તમારા શરીરના ડીએનએને બદલવાથી અને વારસાગત ડિફેક્ટને સુધારવાની ક્ષમતા યોગમાં છે એવું લંડનની કોવેન્ટ્રી યુનિવર્સિટીના રિસર્ચરો કહી ચૂક્યા છે. લૉજિક એ છે કે યોગને કારણે તમારા શરીરમાં પેદા થતાં સ્ટ્રેસ-હૉર્મોન્સને કન્ટ્રોલ કરે છે. આજે કોઈ પણ રોગો આપણા શરીરમાં પગપેસારો કરવાની હિંમત કરી શકે છે એનો પહેલો ધક્કો આ સ્ટ્રેસ-હૉર્મોન્સ જ આપે છે. ઈરાનની ઇસ્લામિક આઝાદ ઇન્સ્ટિટ્યુટે કરેલો સર્વે કહે છે કે યોગથી ઍન્ગ્ઝાયટી લેવલ ઘટે છે. લગભગ દરેકે દરેક રોગ અને હેલ્થ કન્ડિશન પર યોગની પૉઝિટિવ ઇફેક્ટના સેંકડો સર્વે દુનિયાભરની સંસ્થાઓ દ્વારા થયા છે. યોગના પ્રભાવને સમજ્યા પછી યોગને જ પોતાનું જીવન સમર્પિત કરનારો અને અનેક પ્રકારે યોગનો અભ્યાસ કરનારો સુશાંત કહે છે, ‘યોગ આપણા શરીરના સૌથી નાના ઘટક ગણાતા કોષ પર કામ કરે છે. તમારા શરીરથી તમને અવેર કરે છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયાઓ શરીરના કોષોને સુદૃઢ કરે છે. સ્ટ્રેચિંગ રક્તપરિભ્રમણ વધારે છે. રિલૅક્સેશન યોગનું અભિન્ન અંગ છે, જેને અન્ય કસરતોમાં એટલું મહત્વ નથી અપાયું. એટલે શરીરને સતત રિજુવિનેટ થવાની તક શવાસન અને અન્ય રિલૅક્સેશન ટેક્નિક દ્વારા આપવામાં આવતી જ રહે છે જે ટૂંકમાં બૉડીની અંદરનું તંત્ર ખોરવવા નથી દેતી. શરીરને સપોર્ટ કરતા કેમિકલનું ઉત્સર્જન વધારે છે અને ટેન્શન અને આપાત્કાલીન સ્થિતિમાં ઉત્પન્ન થતાં સ્પેસિફિક હૉર્મોન્સને કાબૂમાં રાખે છે. અંદરથી સ્ટ્રૉન્ગ હો તો બહારનું એન્વાયર્નમેન્ટ ગમે તેવા કૂદકા મારે તોય તમારા પર ઝડપથી પોતાનો પ્રભાવ ન જ પાડી શકે. દેખીતી વાત છેને!’
આટલું તો કરી જ શકાય
જો યોગ્ય પદ્ધતિથી નિયમિત યોગ કરો તો તમને તમારા શરીર પર એનું પરિણામ દેખાવાનું શરૂ થઈ જ જાય છે. સુશાંત કહે છે, ‘યોગશિક્ષક તરીકે મેં એવા લોકો જોયા છે જેઓ પહેલાં દર ત્રીજા દિવસે ડૉક્ટર પાસે કોઈ ને કોઈ ઇન્ફેક્શનને કારણે જતા. યોગ શરૂ કર્યા પછી ત્રણ મહિનામાં શરીરની ક્ષમતા એટલી વધી હોય કે પાંચ-પાંચ વર્ષ સુધી તેમણે એક ગોળી ન લેવી પડી હોય. આવા ઘણા લોકો મારી આસપાસ છે. યોગ તમને ઓછામાં ઓછું એક દિવસ અને વધુમાં વધુ ત્રણ મહિનામાં પૉઝિટિવ રિઝલ્ટ આપે જ છે. ઘેરણ્ડ સંહિતા નામના ગ્રંથમાં આ ઋતુકાળમાં કપાલભાતિ, જલનેતિ અને સૂત્રનેતિ જેવી શુદ્ધિક્રિયાઓ કરવા માટે શ્રેષ્ઠ મનાય છે. રોજ તમે વધુ કંઈ ન કરી શકો તો રક્ત સંચાલન વધારવા અને તમારા સાંધાઓને લુબ્રિકેટેડ રાખવા માટે સૂક્ષ્મ વ્યાયામ કરો, પ્રાણાયામ કરો, હેલ્થ કન્ડિશનને ધ્યાનમાં રાખીને સ્નાયુઓની સ્ટ્રેન્ગ્થ વધારે એવા થોડાંક આસનો કરો અને ઓમકાર ચૅન્ટિંગ કરો. આટલું જ રૂટીન રોજ અડધો કલાક માટે પણ ફૉલો કરવાથી કોઈ પણ જાતના રોગ તમારા તરફ આવતાં સો વાર વિચારશે. ધારો કે ક્યારેક કોઈ રોગ આવ્યોને તો પણ એની સારવાર ઝડપથી થશે, કારણ કે તમે અંદરથી સ્ટ્રૉન્ગ હશો એટલે દવાઓની અસર પણ વહેલી થશે.’
નાનપણમાં દર વખતે વાઇરલ ઇન્ફેક્શન થાય ત્યારે હૉસ્પિટલાઇઝ થયા વિના છૂટકો નહોતો. જોકે યોગ શરૂ કર્યા પછી મારા શરીરનો રેઝિસ્ટન્સ પાવર બૅક્ટેરિયા કરતાં મોટો થઈ ગયો અને છેલ્લાં દસ વર્ષમાં એકેય દવા લેવાનો વારો નથી આવ્યો. યોગ તમારા શરીરને સક્ષમ બનાવે છે એટલે હું યોગને થેરપી તરીકે નથી જોતો, પણ યોગ બૉડી બૂસ્ટર છે.
- સુશાંત ભારત સિંહ, યોગ-શિક્ષક
આ પણ વાંચો : આર્થ્રાઇટિસની પીડાથી બચવું હોય તો રોજ લીંબુવાળું હૂંફાળું પાણી પીઓ
પાવર ઑફ યોગ
તમને ખબર છે જ્યારે પણ તમે કોઈ સારું કામ કરો કે સફળતા મેળવો તો તમારી છાતી ગજ-ગજ ફૂલી થઈ જાય. ગર્વ સે સીના ચૌડા હો ગયાવાળી કહેવત સાંભળી છે? તમે સાઇકોલૉજિકલી ખૂબ સૅટિસફાય અને પ્રાઉડ ફીલ કરો ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી છાતી ફૂલી જાય. કહેવાય છે કે આ જ વાત ઊંધી પણ લાગું પડે. માનો કે તમે ક્યારેક ડલ ફીલ કરતા હો, હતાશ હો, હીણપતની લાગણી અનુભવતા હો ત્યારે જો તમે જો ચેસ્ટ ઓપનિંગ આસનો કરો એટલે કે ધનુરાસન, ઉષ્ટ્રાસન વગેરે કરો તો તમારી એ નકારાત્મક લાગણીઓનું બાષ્પીભવન થઈ જાય અને તમારા મગજમાં પાછા હકારાત્મક વિચારો આવવાના શરૂ થઈ શકે. આને કહેવાય શરીરથી મનને કાબૂમાં લેવું.