26 November, 2019 03:29 PM IST | Mumbai | Dharmin Lathia
મોતીચૂર લાડુ
સામગ્રી
☞ પ૦૦ ગ્રામ ચણાનો લોટ
☞ બે કપ પાણી (લગભગ)
☞ ૧ ટેબલસ્પૂન ઘી (નવશેકું)
☞ ૧ કિલો ખાંડ
☞ પ૦૦ ગ્રામ ઘી
☞ પાણી (ખાંડ પલળે એટલું)
☞ બે ટેબલસ્પૂન દૂધ
☞ બે ટીસ્પૂન કેસરની પેસ્ટ અથવા ખોરાકનો પીળો રંગ (મરજિયાત)
☞ ૮-૧૦ ઇલાયચી
☞ રપ બદામ (કતરેલી)
☞ રપ પિસ્તાં (કતરેલાં)
રીત
ચણાનો લોટ અને પાણીનું મિશ્રણ કરી જાડું ખીરું કરવું. ગઠ્ઠા ન પડવા જોઈએ. બુંદી પાડતાં પહેલાં ૧ ટેબલસ્પૂન ગરમ ઘી નાખી સરખું હલાવવું.
તપેલામાં પાણી અને ખાંડને ગરમ કરવાં. પાણી ઊકળે એટલે દૂધ નાખવું. ૩-૪ મિનિટ સુધી હલાવવું નહીં. ખાંડનો મેલ ઉપર આવશે. તાવેથાથી અથવા ઝારાથી મેલ કાઢવો. દોઢ તારની ચાસણી થાય ત્યાં સુધી ગરમ થવા દેવું. કેસરની પેસ્ટ નાખવી. ચાસણી બાજુમાં રાખવી.
પહોળી કડાઈમાં ઘી ગરમ કરવું. બુંદીનો ઝારો કડાઈ પર રાખી ખીરું ઝારા પર રેડવું. હાથથી અથવા વાટકીથી ખીરું દબાવીને ઝારા પર ઘસવું. લાંબી બુંદી ઘીમાં પડશે. ૧ મિનિટ સુધી બુંદીને તળી ઝારાથી બહાર કાઢવી. ઘી નિતારી ચાસણીમાં નાખવી. આવી જ રીતે બધી બુંદી તૈયાર કરી ચાસણીમાં નાખવી. ચાસણી અને બુંદી હલકા હાથે હલાવવાં.
જો બધી જ ચાસણી શોષાઈ જાય તો ૪-પ ટેબલસ્પૂન ગરમ પાણી અને દૂધ નાખવું. હલાવી બે મિનિટ સુધી ગરમ કરી લઈ લેવું. ઇલાયચીનો ભૂકો ભભરાવવો.
બુંદીને તાવેથા અથવા ઝારાથી હળવેથી દબાવવી. આ જ વાસણમાં અડધા કલાક સુધી બુંદી ઠરવા દેવી. ચાસણી બધી જ શોષાઈ જશે.
૧ર ઇંચની ગોળાકાર થાળીમાં ઘી લગાવી બુંદીને વાટકીથી એકસરખી થેપવી. એના પર બદામ, પિસ્તાં, ઇલાયચી ભભરાવવાં. ૧૦-૧ર કલાક પછી થેપેલી બુંદીના છરીથી કાપા કરી ચોરસ ટુકડા કરવા. તાવેથાથી ધીમેથી ઉખાડી ડબ્બામાં ભરવા અથવા ચાસણી શોષાઈ જાય એટલે લાડુ વાળવા.