ભૂલતા નહીં, ઉતાવળે બનતું ફૂડ પણ ટેસ્ટી જ હોઈ શકે છે

05 June, 2023 03:54 PM IST  |  Mumbai | Rashmin Shah

મમ્મી પાસેથી એની ટ્રિક શીખેલો ક્રિષ્ણા કૌલ ઉતાવળો હોવા છતાં પણ પોતાને સારો કુક ગણે છે

ક્રિષ્ણા કૌલ

મમ્મી પાસેથી એની ટ્રિક શીખેલો ક્રિષ્ણા કૌલ ઉતાવળો હોવા છતાં પણ પોતાને સારો કુક ગણે છે. ‘પંચબીટ’ નામની વેબસિરીઝથી કરીઅરની શરૂઆત કરીને અત્યારે ઝી ટીવીની પૉપ્યુલર સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળતો આ સ્ટાર માને છે કે ભોજનને પણ મેડિટેશનની જેમ જ માણવું જોઈએ

યસ, હું મહા ફૂડી છું એવો ખિતાબ મારી જાતે જ મારી જાતને આપવામાં મને કોઈ વાંધો નથી, કારણ કે હું ફૂડનો સાચો કદરદાન છું. તમે માનશો નહીં, પણ હું જ્યારે પણ સારું ફૂડ મળે ત્યારે મેડિટેશન કરતો હોઉં એ રીતે ફૂડને એન્જૉય કરતો હોઉં છું. ખાવાનું પ્લેટમાં આવે એટલે સીધા તૂટી પડવું એ મારી રીત નથી. હું પ્લેટમાં આવેલા ફૂડને પહેલાં એકદમ ધ્યાનથી ઑબ્ઝર્વ કરું, પછી એની સુગંધ મારી અંદર લઉં અને પછી એ ધીમે-ધીમે ખાવાનું શરૂ કરીને પેટમાં ઉતારું. સ્વાદને માણીને ખાવું જોઈએ એવું હું નાનપણથી શીખ્યો છું.

જો જમવામાં ઉતાવળ કરો તો બેસ્ટ ફૂડ પણ તમને નૉર્મલ કે પછી ઍબ્નૉર્મલ લાગી શકે છે અને એટલે જ કહું છું કે જમવું એ મારા માટે સૌથી મોટું મેડિટેશન છે. હું મારી પ્લેટનું બરાબર ધ્યાન રાખું છું. દરેક કોળિયો મારા માટે મહત્ત્વનો હોય છે. હું માનું છું કે ઉતાવળે ભોજન બનાવી શકાય, પણ ખાવાનું કામ તો આરામથી જ થાય. મોટા ભાગના લોકો આનાથી ઊંધું કરતા હોય છે. તેઓ બનાવે ધીમે અને ખાવાનું કામ સુપરસ્પીડથી કરે.

હું અને મારી ખોજ
હું સારી રેસ્ટોરાં શોધવાની બાબતમાં કોલંબસ છું. હા, ખરેખર. મારા ઘણા ફ્રેન્ડ્સ માને છે કે ક્યાં ખાવા જવું કે પછી નક્કી કરી હોય એ જગ્યાએ ફૂડ કેવું છે એ નક્કી કરતાં પહેલાં મને ફોન કરે અને મારો રિવ્યુ લે. ઇન ફૅક્ટ, હું પોતે જ દર અઠવાડિયે સારાં ફૂડ-જૉઇન્ટ્સ એક્સપ્લોર કરવા નીકળી પડું છું. આ મારી મોસ્ટ ફેવરિટ ઍક્ટિવિટી છે. 
મને સારું હોય એવું બધું જ ખાવાનું ભાવે. એમ નથી કહેતો કે જન્ક એટલે ખરાબ ફૂડ જ. ના, હું માનું છું કે હાઇજીનિક રીતે બન્યું હોય અને સ્વાદિષ્ટ હોય એવું ફૂડ મારું ફેવરિટ છે. ઇન ફૅક્ટ, હું તો એવું માનું છું કે હેલ્ધી ફૂડ ખાવાની દોડમાં સતત મનને માર્યા કરવું અને પછી એક દિવસ અનહેલ્ધી કહેવાય એવા ફૂડ પર તૂટી પડવું એના કરતાં બહેતર છે કે દરરોજ થોડી માત્રામાં અનહેલ્ધી ખાવું, જેથી તમે જાતને કન્ટ્રોલ કરતાં શીખી જાઓ. મારા પર્સનલ ફેવરિટ ફૂડની વાત કરું તો જૅપનીઝ સુશી મને ખૂબ ભાવે છે. ઇન્ડિયન ડેલિકસી પણ મારી પ્રિય છે. હા, ગુજરાતી ફૂડમાં કહીશ કે બહુ જ અનઅપેક્ષિત હોય છે. ઊંધિયું અને ફાફડા-જલેબી મારાં ફેવરિટ; પણ ગુજરાતી ફૂડમાં શું મીઠું હશે, શું તીખું હશે એ તમે કહી ન શકો. જોકે મારા મતે તો એ વાત પણ ઇન્ટરેસ્ટિંગ છે.

સિમ્પ્લી, આઇ લવ કુકિંગ
અત્યારે તો સમયનો અભાવ છે. દરરોજ શૂટ હોય એટલે રસોઈ બનાવવાનો મોકો નથી મળતો, પરંતુ નાનપણથી હું કુકિંગ કરતો આવ્યો છું. મને યાદ છે મારો પહેલો અખતરો. અફકોર્સ એ બહુ જ મોટું ડિઝૅસ્ટર હતું.

મારી એક ફ્રેન્ડનાં મમ્મી મીઠા પનીરની એક સબ્ઝી બનાવતાં. એ સબ્ઝી મારી ખૂબ જ પ્રિય. એક દિવસ મારા ઘરે કોઈ નહોતું એટલે મારા એ ફ્રેન્ડનાં મમ્મીને મેં ફોન કર્યો અને તેમની પાસેથી આખી રેસિપી લખી નાખી. તેમણે લખાવ્યું હતું એ મુજબ પછી મેં બનાવવાનું શરૂ કર્યું. જોકે જ્યારે રેસિપી મુજબનું બધું કામ પત્યું ત્યારે ન તો એવો રંગ આવ્યો કે ન તો એવો સ્વાદ.

ઍક્ચ્યુઅલી હું કાંદા સાંતળવાનું જ ભૂલી ગયો હતો. મસાલા બરાબર નહોતા પડ્યા. મીઠા પનીરની આ રેસિપી જો પેલાં આન્ટીએ ચાખી હોત તો ચોક્કસ તેમને શૉક લાગ્યો હોત. જોકે એટલું કહીશ કે એ દિવસ પછી જે પણ બનાવ્યું એ બધું જ સારું બન્યું છે. હા, મારા હાથનાં દાલ-ચાવલ પણ બહુ જ સારાં બને છે.

મોટા ભાગે લોકો કહે છે કે ધીમે-ધીમે બનતું ફૂડ સ્વાદિષ્ટ હોય, પણ મારો અનુભવ જરા જુદો છે. ઘણી વરાઇટી એવી છે જે મારાં મમ્મી ઉતાવળે બનાવે અને પોતાની પાસે જેટલી સામગ્રીઓ હોય એટલી જ સામગ્રીમાંથી એ બનાવે. એમ છતાં પણ તે એટલી સરસ એ આઇટમ બનાવે કે તમે માની પણ ન શકો કે ઉતાવળે બનેલી વરાઇટીનો સ્વાદ પણ આટલો અદ્ભુત હોઈ શકે. હું મમ્મી પાસેથી શીખ્યો છું કે જલદી બનતું ખાવાનું પણ જો પૂરતા ધ્યાનથી અને લગનથી બનાવવામાં આવે તો એ અવ્વલ દરજ્જાનું બને જ બને.

life and style Rashmin Shah