કચ્છ : દેશવિદેશમાં લોકપ્રિય છે ભરતગૂંથણ કલા, કેવી રીતે પામે છે આકાર

29 March, 2019 06:30 PM IST  |  | શિલ્પા ભાનુશાલી

કચ્છ : દેશવિદેશમાં લોકપ્રિય છે ભરતગૂંથણ કલા, કેવી રીતે પામે છે આકાર

રાજાના વસ્ત્રો પર કરવામાં આવેલ ભરતગૂંથણનો નમૂનો

જુદી જુદી સંસ્કૃતિઓની સાથે સાથે કચ્છમાં હસ્તકળાનો વિકાસ થયો અને પછીથી એ કચ્છનો સાંસ્કૃતિક વારસો બની. હાથ દ્વારા અંતરમનને જાણે કે શબ્દો મળતાં હોય તેમ કલાકાર દ્વારા કળાનો જન્મ થાય છે આમ કચ્છમાં જુદી જુદી સંસ્કૃતિઓ દ્વારા જુદી જુદી કળાનો પગપેસારો કચ્છમાં થયો અને આ કળા કચ્છની મૂળ બની.

કચ્છમાં વિકસેલી હસ્તકળામાં કચ્છનું ભરતકામ, કચ્છનું બાંધણીકામ, કચ્છનું કટાવકામ (પેચવર્ક), કચ્છનું ગોદડીકામ (ક્વીલ્ટવર્ક), રંગીન સંઘાડાકામ (વાઢાઓ દ્વારા જુદી જુદી ભાતના લાકડાના વાસણો બનાવવાની કળા), નામદાકામ, રંગ-છાપની કળા, કળાત્મક પગરખું, માટીકામ, કળાત્મક લીંપણ-ગૂંથણ (મડવર્ક), હાથવણાટ વગેરે જેવી અનેક કળાઓ કચ્છની કળાકારીગરી તરીકે ઓળખાય છે.

હવે આપણે વાત કરીએ કચ્છના ભરતકામ વિશે. કચ્છમાં જુદા જુદા તાલુકા છે અને તે દરેક તાલુકામાં બોલી તેમજ રહેણીકરણી બદલાય છે અને તેને લીધે જ ત્યાંની કળાકસબીમાં પણ તફાવત જોવા મળે છે. આમ તો સમગ્ર કચ્છનું ભરતકામ વખણાય છે પણ તે છતાં ખાસ તો આહિર ભરત વધુ વખણાય છે આ આહિર ભરત એ ખાસ આહિર જાતિ દ્વારા ઝીણું ઝીણું ભરવામાં આવતું ભરત છે.

આહિર ભરત

કૃષક સમાજ 'આહિર'ની મહિલાઓ એટલે કે આહિરાણીઓ જે ભરતકામ કરે છે તેને 'આહિર ભરત' તરીકે ઓળખવામાં આવે છે. આહિરોનું ભરતકામ રબારીઓના ભરતકામને મળતું આવે છે. પણ આહિર ભરતમાં ફક્ત ગોળાકાર આભલાઓનો જ પ્રયોગ કરવામાં આવે છે અને તેને વિવિધ રંગના દોરા વડે ગૂંથવામાં આવે છે. આ ભરતકામમાં ભૌમિતિક આકારો તેમજ કુલ છોડ અને પશુ-પક્ષીઓના ચિત્રો ગૂંથવામાં આવે છે. બાળકોનાં પહેરણ, પાયજામા અને ટોપી ઉપર આ પ્રકારનું ભરતકામ ખાસ કરવામાં આવે છે. અન્ય વસ્તુઓ જેમ કે ચાકળા, તકિયાંનાં કવર, થેલી-થેલા, પર્સ વગેરે પણ ભરતકામ દ્વારા બનાવવામાં આવે છે. ધાણેટી, ડગાળા, પંદ્ધર, લોડાઈ, કોટાય, ઢોરી, ધ્રંગ નળિયા વગેરે વિસ્તારો આ કળાના મુખ્ય કેન્દ્રો છે.

આ પણ વાંચો : પોશાક પર જીવંત થઈ ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિ

ઉલ્લેખનીય છે કે કચ્છની હસ્તકળા વિશ્વવિખ્યાત છે અને અહીં લોકો વિદેશમાંથી આ કળાની નોંધ લેતાં પુસ્તકો અને ચિત્રો વિશે લખે છે ત્યારે આજે પણ આ કલાને કચ્છમાં તેટલું જ મહત્વ અપાઈ રહ્યું છે તેમજ જો આ ભરત વિશે જાણીને તમને પણ ઈચ્છા થઈ આવી હોય તો કચ્છના જુદા જુદા વિસ્તારોમાં તમને કચ્છી ભરતકામ કરેલી વસ્તુઓ મળી રહેશે. તેમજ હવે તે કચ્છ ગુજરાત પૂરતું સિમિત ન રહેતા ભારતના અનેક ગુજરાતી વિસ્તાર ધરાવતા રાષ્ટ્રોમાં પણ મળી રહે છે.

kutch bhuj