અસાંજો કચ્છઃ અહીં સચવાઈ છે ખુશ્બુ ગુજરાતની

15 August, 2019 12:14 PM IST  |  કચ્છ

અસાંજો કચ્છઃ અહીં સચવાઈ છે ખુશ્બુ ગુજરાતની

તસવીર સૌજન્યઃ ગુજરાતટુરિઝમ

દેશના પશ્ચિમ ભાગનો છેડો એટલે કચ્છ જિલ્લો. જેનું મુખ્ય મથક ભુજ છે. કચ્છ જિલ્લો ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. સાથે જ તે ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. જેની ઉત્તર દિશામાં પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે. આ એક એવું સ્થળ છે કે જ્યાં રણ, જમીન અને દરિયો એમ ત્રણેય સીમાઓ આવેલી છે. કચ્છના ઉત્તર અને પૂર્વ ભાગમાં કચ્છનું નાનું અને મોટું રણ આવેલું છે.

કચ્છ જિલ્લામાં 10 તાલુકા, 10 શહેરો અને 950 ગામડાઓ છે. કચ્છની મુખ્ય ભાષા કચ્છી છે. જ્યાં ગુજરાતી પણ બોલવામાં આવે છે.

પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો એક ભાગ કચ્છ હોવાનું માનવામાં આવે છે. છેક પ્રાગૈતિહાસિક કાળથી કચ્છનો ઉલ્લેખ મળી આવે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ મળી આવી છે. સિકંદરના સમયના ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. જેના પર અલગ અલગ રાજવીઓએ રાજ કર્યું છે.

આઝાદી બાદ કચ્છ ભારત સાથે જોડાયું અને તેને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો. 1956માં તેને મુંબઈમાં વિલિન કરી દેવામાં આવ્યું. 1960માં જ્યારે ભાષાના આધારે વિભાજન કરવામાં આવ્યું ત્યારે કચ્છ ગુજરાતનો ભાગ બન્યું. જેનું મુખ્ય મથક ભૂજ છે.

તસવીર સૌજન્યઃ ગુજરાતટુરિઝમ

કચ્છે ભાતીગળ સંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં જાવ એટલે તેમને પરંપરાગત ઘરો એટલે કે ભુંગા જોવા મળે. ત્યા રહેતા લોકો આજે પણ પરંપરાગત વેશભૂષામાં જોવા મળે છે. કચ્છનું ભરતકામ, કપડું વિશ્વભરમાં વખણાય છે. સાથે જ વખણાય છે તેનો રણોત્સવ. સફેદ રણમાં દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે. જ્યાં દેશ વિદેશથી લોકો આવે છે. સાથે જ અહીં માંડવી બીચ, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ જેવા જોવાલાયક સ્થળો પણ આવેલ છે.

આ પણ જુઓઃ કચ્છમાં આ જગ્યાઓ નથી જોઈ તો કાંઈ જ નથી જોયું..ફરી આવો કચ્છમાં...

પડી અને ફરી બેઠ થવું કચ્છની પ્રકૃતિ રહી છે. 1956માં કચ્છે વિનાશક ભૂકંપનો સામનો કર્યો હતો. અને ફરી બેઠું થયું હતું. 2001માં પણ કચ્છમાં ભૂકંપ આવ્યો હતો અને કચ્છે ભારે વિનાશ જોયો હતો. જો કે આ વિનાશક ભૂકંપ બાદ પણ કચ્છ બેઠું થયું અને અકલ્પનીય પ્રગતિ કરી. કચ્છ એક એવો જિલ્લો છે કે જેણે પોતાની ઓળખ જાળવી રાખી છે. અને ખરેખર ગુજરાતની ખુશ્બુ ફેલાવી રહ્યું છે.

kutch gujarat