✕

આજની દીકરીઓ મા-બાપની મજબૂરી નહીં, મજબૂતી છે

27 September, 2026 02:32 PM IST  |  Mumbai | Jigisha Jain

આજની પેઢીની દીકરીઓની કઈ બાબતો ખરેખર વખાણવાલાયક છે એના પર એક નજર કરીએ અને તેમના ઉછેરમાં કઈ બાબતોનો ધ્યાનપૂર્વક સમાવેશ કરવો જોઈએ એ આજે ઇન્ટરનૅશનલ ડાૅટર્સ  ડે પર સમજીએ

પ્રતીકાત્મક તસવીર

આ વિચારને આપણો સમાજ હવે ઘણા અંશે સ્વીકારવા લાગ્યો છે. આ વિચારને સાકાર કરવા માટે પેરન્ટ્સે જૂની માનસિકતાને તોડવાની બહુ લાંબી મજલ કાપી છે. દીકરીઓને હવે સ્વતંત્રતા, સન્માન, સમાનતા મળી રહ્યાં છે અને દીકરીઓ એને કારણે સપનાં જોઈ પણ રહી છે અને એ સપનાંઓને સાર્થક પણ કરી રહી છે.  દરેક પેઢીની દીકરી ખાસ છે ત્યારે આજની પેઢીની દીકરીઓની કઈ બાબતો ખરેખર વખાણવાલાયક છે એના પર એક નજર કરીએ અને તેમના ઉછેરમાં કઈ બાબતોનો ધ્યાનપૂર્વક સમાવેશ કરવો જોઈએ એ આજે ઇન્ટરનૅશનલ ડાૅટર્સ  ડે પર સમજીએ

આજની દીકરીઓ પાસે માહિતી નહીં હોય તો ચાલશે, એ કામ ગૂગલ કરી લેશે; પણ માનવીય મૂલ્યો ભરપૂર હોવાં જરૂરી : માનસી પારેખ, અભિનેત્રી

દરેક પેઢીની દીકરીઓ પોતાની મા, દાદી, નાની એટલે કે તેની આગળની જનરેશનની દીકરીઓની મદદ અને પ્રયાસોથી વધુ ને વધુ સારો ઉછેર અને વિકાસ પામી શકી છે. મારી દીકરી નિર્વિ ૧૦ વર્ષની છે અને મને જે બાળપણ મળ્યું એના કરતાં તેનું બાળપણ ઘણું જુદું છે. તે ઘણી હોશિયાર છે. ખૂબબધી મજા કરે છે અને ઘણી જાગૃત પણ છે. તેને જોઉં ત્યારે મને એ વાત સમજાય છે કે તે જેટલા મોકળા મને પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે છે કદાચ હું નાની હતી ત્યારે નહોતી કરી શકતી. મારી મમ્મી તો હંમેશાં તેને જોઈને કહેતી હોય છે કે આને કેટલી ખબર પડે છે, અમને તો કશું ખબર જ નહોતી. જોકે મને ક્યારેક એમ પણ લાગે છે કે આજની નવી જનરેશનની દીકરીઓને જરા વધુપડતું જ ખબર છે. આટલું બધું જ્ઞાન પણ આટલી નાની ઉંમરે પચાવવું અઘરું છે. કોઈ પણ મુદ્દો હોય તેઓ આપણી સાથે ચર્ચા કરી શકે છે. વળી તેમની બધી દલીલોમાં બિંદુ હોય જ છે એટલે તર્કશક્તિ તેમની સારી ખીલેલી છે. 

જ્યારે નિર્વિ જન્મી ત્યારે અમે અમુક વસ્તુ નક્કી કરેલી જેમાંની એક એ કે હું અને પાર્થિવ અમે બન્ને કલાકારો છીએ તો નિર્વિને પણ અમે કલાનો વારસો આપીશું; ફક્ત ગીત-સંગીત જ નહીં, લેખન અને પુસ્તકોની દુનિયાથી પણ તેને પરિચિત કરાવીશું. એ ઘણું મહત્ત્વનું છે. બીજું એ કે સધ્ધર ઘરની દીકરી ભલે હોય, તો પણ તેને જમીન સાથે જોડાયેલી બનાવવી. તે દરેક વ્યક્તિ માટે સહિષ્ણુ બને એનું ધ્યાન રાખવું. આજની દીકરીઓને સોશ્યલ મીડિયાથી નાની ઉંમરમાં દૂર જ રાખી શકાય તો સારું, કારણ કે ડિજિટલ દુનિયા એટલી બધી આકર્ષક છે કે ક્યારેક રિયલ દુનિયાથી તેઓ દૂર થઈ જઈ શકે છે. પ્રયાસ એવો કરવો જરૂરી છે કે તે રિયલ લાઇફ ઇશ્યુઝને સમજે અને ભવિષ્યમાં જ્યારે તેણે એનો સામનો કરવો પડે ત્યારે તે તૈયાર રહે. દીકરીઓને દયા અને કરુણા જેવા માનવીય ગુણો વારસામાં આપવા જોઈએ. આ એક પ્રકારના સંસ્કાર છે. તેની પાસે માહિતીઓ નહીં હોય તો ચાલશે, એ કામ ગૂગલ કરી આપશે; પણ માનવીય મૂલ્યો નહીં હોય તો નહીં ચાલે. 

સમાજે શું કરવું જરૂરી છે? : દીકરીઓની જ વાત કરતા હોઈએ તો આજે આપણે જોઈએ છીએ કે સોશ્યલ મીડિયા પર બૉડી-ઇમેજને લઈને કેટલીયે છોકરીઓ નાની ઉંમરમાં કેટકેટલું સહન કરી રહી છે. તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે. આપણે આપણી દીકરીઓને એવો ઉછેર આપવાનો છે જેથી તેમને આવી તકલીફો સહન ન કરવી પડે. કોઈ બે અજાણી વ્યક્તિની કમેન્ટ તેમને દુખી ન કરી શકે. વધી ગયેલું બે કિલો વજન તેને ડરાવે નહીં અને ઘટી ગયેલા ફૉલોઅર્સ તેને ઇનસિક્યૉર ન કરી જાય. સારું છે કે ઘણા દેશોમાં ૧૬ વર્ષથી નાની ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા બૅન છે. એની સાથે-સાથે આજની દીકરીઓને એ પણ શીખવવાનું છે કે તારે મૂંગા મોઢે સહન કરવાની જરૂર નથી. ગયા એ દિવસો જ્યારે સહનશીલતાને ગુણ માનવામાં આવતો. કંઈ પણ તકલીફ હોય તો તે પોતાના ઘરના લોકોને ખુલ્લા મને વાત કરી શકે એટલી મોકળાશ હોવી જરૂરી છે. 

 

દીકરીના સારા-નરસા દરેક પ્રકારના સમયમાં માતા-પિતાએ તેને સાથ આપવો જોઈએ : કેતકી દવે, અભિનેત્રી

આજની દીકરીઓની વખાણવાલાયક બાબત કહું તો તેઓ ખાસ્સી આત્મનિર્ભર છે. અમે લોકો નાનાં હતાં ત્યારે આવાં નહોતાં. તેઓ ખૂબ મહેનતુ છે અને આગળ વધવાની ઇચ્છા પણ તેમને ખૂબ વધુ છે. અમે નાનાં હતાં ત્યારે અમારામાં હોતા હૈ-ચલતા હૈ પ્રકારનો ઍટિટ્યુડ જોવા મળતો. આ જનરેશનની દીકરીઓ ચલાવવામાં માનતી નથી. તેમને જે જોઈએ છે એ ખંતથી તેઓ મેળવી લે છે જેનું કારણ એ છે કે તેઓ પોતાના નિર્ણયો બાબતે એકદમ સ્પષ્ટ છે. જે કરવું છે એના માટે તેમનું બધું રેડીને મહેનત કરી શકે છે, જે બિરદાવી શકાય. 
હું ફક્ત ૨૪ વર્ષની હતી ત્યારે મા બની. પહેલું બાળક એટલે મારી દીકરી રિદ્ધિ. એટલે તેની જગ્યા ખૂબ ખાસ હોય જ જીવનમાં. મા અને દીકરીનો બૉન્ડ ખરેખર ખૂબ મીઠો હોય છે. સમય જતાં જ્યારે દીકરી મોટી થાય ત્યારે એ રોલ રિવર્સ પણ થઈ જતો હોય છે. આજે ઘણી જગ્યાએ મને લાગે છે કે તે મારી મા બની જાય છે. મારા પતિનું મૃત્યુ થયું ત્યારે તેણે મને ખૂબ સંભાળી. જ્યારે તેઓ હતા અને અમે બન્ને પતિ-પત્ની ઝઘડતાં તો રિદ્ધિ અમને કહેતી કે મમ્મી, આ જગ્યાએ તારો વાંક છે, તારે આમ ન કરવું જોઈએ. ઘણી વાર તો પ્રોફેશનલ નિર્ણયો લેવામાં પણ તે ઘણી મદદ કરે છે. મને ખૂબ હકથી કહી દે કે મમ્મી આવું ન બોલાય, આમ ન કરાય કે તારે લોકોને ‘ના’ બોલતાં શીખવું જોઈએ. આવું ઘણુંબધું તે મને શીખવે. એક ઉંમર પછી મા-દીકરી મિત્રો બની જતાં હોય છે. એ મિત્રતા હું ભરપૂર માણું છું. વળી મને તેના પર ખૂબ ગર્વ પણ છે. તે બહારથી જેટલી સુંદર છે એટલી જ વ્યક્તિ તરીકે મનથી પણ સુંદર છે. જે પણ વ્યક્તિઓને તે મળે છે તેઓ બધા જ જ્યારે મને કહે કે કેતકી તારી દીકરી ખૂબ ગુણવાન છે કે અમને તેને મળીને ખૂબ મજા આવી ત્યારે મને મા તરીકે એ વાતનો ખૂબ આનંદ થાય છે.

સમાજે શું કરવું જરૂરી છે? : આજની દીકરીઓના ઉછેરમાં મને મહત્ત્વનું એ લાગે છે કે માતા-પિતાએ દીકરીને પૂરેપૂરો સાથ આપવો જોઈએ. તેને ભણવું હોય, આગળ વધવું હોય, કશું શીખવું હોય, કશે જવું હોય કે ઇચ્છા મુજબ સપનાં જોવાં હોય કે સપનાં પૂરાં કરવા માટેના પ્રયાસો કરવા હોય... બધી જ જગ્યાએ માતા-પિતાએ એક સ્ટ્રૉન્ગ સ્તંભની જેમ દીકરી સાથે ઊભા રહેવું જરૂરી છે, તેની પસંદગીઓનું સન્માન કરવું જરૂરી છે તો એની સામે જ્યારે તેને જરૂર હોય છે ત્યારે તેના પડખે ઊભા રહેવું પણ જરૂરી છે. આ બધાની સાથે દીકરીને સારા-નરસાની સમજ આપવી પણ જરૂરી છે અને એક નિયમબદ્ધ અનુશાસન સાથે જીવી શકાય એવું જીવન જીવતાં શીખવવું જરૂરી છે. મારું એમ માનવું છે કે દીકરી હોય કે દીકરી, તે તમને કઈ રીતે કામ લાગશે એવા સ્વાર્થ સાથે તેમનો ઉછેર ન કરો. આજે હું ઘણાં ઘરોમાં જોઉં છું કે તેમને તેમની દીકરી એટલે વહાલી છે કારણ કે તે તેમના વૃદ્ધત્વનો સહારો છે. આવું ન હોવું જોઈએ. તે તમારી દીકરી છે એટલે તે તમને વહાલી હોવી જોઈએ. 

આજની દીકરીઓ પોતાના ભવિષ્યનું નિર્માણ જાતમહેનતે ખુદ કરવા માગે છે તો એમાં ખોટું શું છે? : વિભૂતિ પટેલ, ઇકૉનૉમિસ્ટ અને સમાજસેવિકા

મારી દીકરી લારા જેસાણી વકીલ છે. તે ઘણા જ સ્વતંત્ર વિચારો ધરાવતી આધુનિક સ્ત્રી છે. એક મા તરીકે મેં તેને શીખવ્યું હશે, પણ ઊલટું તેની પાસેથી આજની તારીખે હું ઘણું શીખું છું. દુનિયાભરની સ્ત્રીઓના હક અને સન્માન માટે હું લડી છું, પણ મારા હકની વાત મારી દીકરી કરતી હોય છે. તે મને ખુદ માટે જીવવાનું શીખવે છે. મને હંમેશાંથી લાગે કે આપણે ભોળાભાવે માની જવું જોઈએ; પણ તે હંમેશાં કહે છે કે આ મૃદુતા નથી, લોકો તમારો ફાયદો ઉઠાવે એ યોગ્ય નથી. આ સ્પષ્ટતા જે આજની પેઢીમાં છે એ અમારામાં અત્યારે પણ નથી એટલે તેમની પાસેથી શીખવી પડે છે. 
આજની દીકરીઓની સૌથી સુંદર બાબત એ છે કે તેઓ પોતાના ભવિષ્યનું નિર્માણ ખુદ કરવા માગે છે, પગભર થવા માગે છે. તેમની ઇચ્છા હોય છે એટલું જ નહીં, એ ઇચ્છાને પૂરી કરવાની હિંમત પણ તેમનામાં છે. પોતાના જીવનના નિર્ણયો સમાજ પ્રમાણે કે બીજી વ્યક્તિઓ મુજબ તેને લેવા નથી. પોતાના માટે શું સારું અને શું ખરાબ એ ખુદ સમજી શકે છે. એ કોઠાસૂઝ તેમનામાં છે. વર્ષો પહેલાં જ્યારે SNDTમાં ભણાવવાનું શરૂ કર્યું હતું ત્યારે છોકરીઓ ત્યાં એટલે ભણતી કે છોકરો હજી મળ્યો નથી તો ઘેરબેઠાં શું કરે? તો ટાઇમપાસ કરવા યુનિવર્સિટી આવતી. આજે છોકરીઓ પહેલા વર્ષમાં હોય તો કહે છે કે ‘મૅડમ ફાઇનૅન્સ શીખવું છે મારે. કઈ રીતે પૈસા ક્યાં રોકવા એ સમજવું છે. નાનું મોટું કામ કરતાં-કરતાં વધુ નહીં તો એકાદ નાનકડું ઘર વસાવવું છે મારે જેથી ભવિષ્યમાં મારે કોઈના પર આશ્રિત ન થવું પડે. પતિ નપાવટ નીકળ્યો તો હું એ સમયે બેસહારા થવા નથી માગતી.’ આ એક મોટો બદલાવ છે સમાજમાં જેને બિરદાવવો પડે. એક સમય હતો જ્યારે દીકરીનાં માતા-પિતાનું ઘર અને પતિનું ઘર હતું, પણ આજે તે પોતાના ઘર વિશે વિચારી રહી છે. ઘણી દીકરીઓ તો એવી પણ છે જેમણે પોતાના સમગ્ર પરિવારને પોતાની કમાણીથી બેઠો કર્યો છે, નાનાં ભાઈ-બહેનને ભણાવ્યાં છે, માતા-પિતાનો ઇલાજ કરાવ્યો છે. ઘણીબધી છોકરીઓ એવી છે જે લગ્ન કર્યા પછી પતિના અને માતા-પિતાના બન્નેના ઘરનું ધ્યાન રાખે છે.
એની સામે અમુક દીકરીઓ એવી પણ મને મળે છે જેમને લગ્ન કરવાં જ નથી. એનું કારણ એ છે કે તેમણે જોયું છે કે સ્ત્રીઓને લગ્નમાં જે સન્માન અને સમાનતાની અપેક્ષા છે એ મળતી નથી. કેટલીક છોકરીઓએ મને કહ્યું છે કે ‘બેન, ઘરમાં પગલુછણિયાની જેમ મને રાખવામાં આવે છે.’ આવી પરિસ્થિતિમાં આજની ઘણી દીકરીઓ નથી રહેવા માગતી. તેઓ માગણી કરે છે કે તેમને યોગ્ય જીવનસાથી મળે જે તેમનાં સપનાઓને સમજે. જે ફક્ત પોતાના પરિવાર અને પોતાની સેવા માટે તેની સાથે લગ્ન કરવા નથી માગતો પણ ખરેખર તે પોતે પણ દીકરીના જીવનમાં, તેના કામમાં મદદરૂપ થઈને તેનો સંપૂર્ણ રીતે સાથ આપવા માગે છે. એવા છોકરાને જ છોકરીઓ પરણવા માગે છે. જો એવું ન હોય તો આજની છોકરીઓ સંબંધ તોડવામાં પણ ખચકાતી નથી. 

સમાજે શું કરવું જરૂરી છે? : આજનાં માતા-પિતાએ પોતાની દીકરીને સમજાવવું જરૂરી છે કે તેણે અન્યાય કરવો નહીં અને અન્યાય સહેવો પણ નહીં. દીકરીઓને ઘરમાં એવો માહોલ આપવો જોઈએ કે તે દરેક વાત ઘરમાં આવીને કરે. નાનકડી દીકરીઓના અપહરણના કિસ્સાઓ પહેલાં કરતાં અત્યારે ઘણા વધુ છે જેને રોકી શકવાનો પ્રયાસ આપણે કરવો જોઈએ. એક સમાજ તરીકે એની ખૂબ તાતી જરૂર છે.

દીકરીને દીકરાની જેમ નહીં, દીકરીની  જેમ જ ઉછેરવાની છે : સાંઈરામ દવે, લેખક, વક્તા, લોકકલાકાર અને શિક્ષણવિદ

મારે બે દીકરાઓ છે. ભગવાને મને દીકરી નથી આપી એની પીડા જુદી છે, પણ અઢળક દીકરીઓને હું મારી ધરમની દીકરીઓ ગણીને ઉછેરી રહ્યો છું. સમાજજીવનમાં મને ઘણા લોકો મળે છે જેમને દીકરીઓનું વરદાન મળ્યું છે. તેઓ મને કહે છે કે અમે તો દીકરા-દીકરીનો કોઈ ભેદ રાખ્યો નથી, અમે અમારી દીકરીને એકદમ દીકરાની જેમ જ ઉછેરી રહ્યા છીએ. મને આ વાત માટે અઢળક વાંધો છે. જો તમે તમારી દીકરીને દીકરાની જેમ ઉછેરો છો તો એનો અર્થ એમ છે કે તમને જોઈએ તો છે દીકરો જ, તે નથી તો તમે દીકરીને દીકરો બનાવી રહ્યા છો. દીકરા જેવા વાળ, તેના જેવાં પાટલૂન અને દીકરા જેવા શોખ હોય એટલે એ ઉછેર શ્રેષ્ઠ કહેવાય? દીકરી અને દીકરાને પ્રેમ સરખો કરવાનો છે, તેમને તક સરખી દેવાની છે; પણ દીકરીને દીકરો નથી બનાવવાનો, દીકરીને દીકરી જ રહેવા દેવાની છે. એ લજ્જા, એ લાવણ્ય, એ કલાત્મકતા, એ સૌમ્ય અને કોમળતા જો તેનામાં હોય તો એ મરી પરવારે એવો ઉછેર નથી આપવાનો તેને. એ ટકી રહે એવો ઉછેર દીકરીઓને મળે એ ધ્યાન રાખવાનું છે. દીકરીઓને 
દીકરા-સમોવડી બનાવવાના ચક્કરમાં તેને અને તેના જીવનને બન્નેને બગાડી રહ્યા છીએ. આપણે તેનો ઉછેર કરવામાં એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે દીકરીને દીકરા જેવો ઉછેર આપવાના ચક્કરમાં તેની મૃદુતા તેની પાસેથી છીનવવાની નથી. 
એક બીજી વાત મારે એ પણ કરવી છે કે આજે માતા-પિતા ખુદ કહે છે કે મારી દીકરી રસોઈ નહીં બનાવે. મારી આવાં માતા-પિતાને નમ્ર વિનંતી છે કે આ રીતે જીવનમાંથી રસોડાનું કે રસોઈનું મૂલ્ય ઓછું ન કરો. રસોડામાં ગોંધાઈ ન જાય દીકરી અને તેનાં સપનાં જીવે એ જોવું જરૂરી છે એ જ રીતે એ પણ જોવું જરૂરી છે કે તે ભવિષ્યમાં મા બનશે. પોતાના બાળકને એક મા જે પ્રેમથી બનાવે અને એ ખવડાવે એ અન્નનું મહત્ત્વ અમૃત સમાન છે. આ પરમ સુખ એ દીકરી અને તેના બાળક પાસેથી ન છીનવો. આજના સમયમાં આ બાબતોમાં બૅલૅન્સ જાળવવું જરૂરી છે. ભારતની દીકરીનો આવો ઉછેર યોગ્ય નથી કે તે દીકરા-સમોવડી બનવાના ચક્કરમાં સિગારેટ કે દારૂના ગ્લાસ પકડીને ઊભી હોય. આ આદત ખોટી છે. દીકરામાં પણ ન હોવી જોઈએ, પણ એ આદતો દીકરીમાં હતી જ નહીં તો તેને આ બદીઓથી બચાવીને રાખો. 
લોકો ભારતીય સંસ્કૃતિ અને એની સ્ત્રીઓને પછાત ગણે છે, પણ અહીં દીકરીઓને પહેલેથી સન્માનપૂર્વક જ ઉછેર મળ્યો છે - પછી તે જનક માટે સીતા હોય કે દ્રુપદ માટે દ્રૌપદી. હું આજકાલ એક નાટક લખી રહ્યો છું - વીરાંગનાઓને વીરાંજલિ. એમાં ભારતીય નારીઓ વિશેની વાત છે. આપણે બધા ઝાંસીની રાણીને ઓળખીએ છીએ, પણ અંગ્રેજો સામે લડનાર રાની ચેન્નમા વિશે કેટલા જાણે છે? તેમની વીરતાનું બ્રૅન્ડિંગ થયું નહીં એટલે ‘મિર્ઝાપુર’ જેવી ફિલ્મોનાં સ્ત્રીપાત્રો આપણને આકર્ષે છે. હકીકતમાં ભારતીય નારીઓ આવી નહોતી કે અત્યારે પણ નથી. આપણે દીકરીઓની સુંદરતાનું બ્રૅન્ડિંગ એટલું બધું કર્યું કે ગાર્ગી, મૈત્રેયી કે લોપામુદ્રાના જ્ઞાન વિશેની વાત ઝાંખી થઈ ગઈ છે. આપણે આપણી દીકરીઓની સામે આ આદર્શો મૂકવાના છે. ક્યાંક એ આદર્શ વ્યક્તિત્વો તેમની નજર સામે હશે તો તેમનો વિકાસ સાચી દિશામાં થશે. 

સમાજે શું કરવું જરૂરી છે? આપણી દીકરીઓ ભવિષ્યમાં સમાજનો મજબૂત ભાગ બની શકે એ માટે શું કરવું એ પ્રશ્નના જવાબમાં મારે કહેવું છે કે તેઓ સમાજનો મજબૂત ભાગ છે જ, આપણે ફક્ત માનવાનું છે કે તેઓ સમાજનો મજબૂત ભાગ છે. આજની દીકરીઓની કામ માટેની ધગશ એટલી સુંદર છે કે એ બાબતને બિરદાવવાનું મન થાય. આજની દીકરી પગભર તો છે જ, સાથે પોતાના પરિવારનો આર્થિક ભાર ખુશીથી ઉઠાવે છે. પહેલાં તે સામાજિક રીતે અને ભાવનાત્મક રીતે પરિવારનો ભાર ઉપાડતી હતી, આજે તે આર્થિક ભાર પણ વહોરતી થઈ છે ત્યારે તે ખરેખર પરિવાર માટેનો એક આધારસ્તંભ બની ગઈ છે. 

 

ઇન્ટરનૅશનલ ડૉટર્સ ડે ક્યારથી ઊજવાય છે?
ગ્રીટિંગ કાર્ડ કંપની આર્ચીઝ લિમિટેડ દ્વારા ૨૦૦૭માં પહેલી વાર ઇન્ટરનૅશનલ ડૉટર્સ ડે ઊજવવાની શરૂઆત થઈ હતી. કેટલીક સામાજિક સંસ્થાઓએ ગર્લ ચાઇલ્ડ પ્રત્યે થતા ભેદભાવ સામે જાગૃતિ અભિયાન તરીકે આ પહેલને વધાવી લીધી હતી. દીકરીઓને દીકરાથી ઊતરતી અને આર્થિક રીતે બોજ સમજવાને બદલે સમાન દરજ્જો આપવાના અભિયાનને હવે વૈશ્વિક સ્તરે સ્વીકાર મળી ગયો છે. ભારત સહિત ડઝનેક દેશોમાં હવે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે ઇન્ટરનૅશનલ ડૉટર્સ ડેની ઉજવણી થાય છે.

mumbai news mumbai sex and relationships gujarati mid day lifestyle news life and style