એક મંદિર, જ્યાં ભક્તો પત્ર લખી ભગવાનને કરે છે પ્રાર્થના !

03 September, 2019 11:18 AM IST  |  રાજકોટ

એક મંદિર, જ્યાં ભક્તો પત્ર લખી ભગવાનને કરે છે પ્રાર્થના !

ભગવાન સામે પત્ર વાંચી સંભળાવે છે મહારાજ

વાંચવામાં આ વાત ભલે હસી નાખવા જેવી લાગે. પરંતુ આવું લખેલા પત્રો રોજ ગણપતિ મહારાજ સુધી પહોંચે છે. વાત છે એક એવા ગણેશ મંદિરની જ્યાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની વાત સાંભળે છે. જી હાં, વાંચવામાં પહેલી વખત વિચિત્ર લાગે પરંતુ આવું મંદિર ગુજરાતમાં જ આવેલું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામના ગણેશ મંદિરમાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની માનતા પૂરી કરે છે. ગામના બસસ્ટેન્ડ પાસે જ એક ગણેશ મંદિર છે. આ મંદિરમાં ગણેશજી ભક્તોની પ્રાર્થના પત્ર દ્વારા સાંભળે છે.

છેલ્લા 27 વર્ષથી ઢાંકના ગણપતિ મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે. હવે તો આ પરંપરાના કારણે જ ઢાંકનું ગણપતિ મંદિર જાણીતું બન્યું છે. સામાન્ય રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જાય, હાથ જોડીને પ્રાર્થના કરે, બાધા આખડી રાખે. પરંતુ ઢાંકના ગણપતિ મંદિરની બાધા આખડી રાખવા માટે મંદિર સુધી જવાની જરૂર જ નથી. કારણ કે અહીં બિરાજેલા ગણપતિ પત્ર દ્વારા જ તમારી વાત સાંભળી લે છે.

મંદિરના પૂજારી ભરતગિરી ગોસ્વામી કહે છે કે,'આ પરંપરા તેમના પિતા દયાગીરીજીના સમયથી ચાલી આવે છે. શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા. ક્યારેક પોતાનું કામ પુરુ થાય તે માટે બાધા રાખતા. ધીરે ધીરે લોકોએ પત્ર દ્વારા ભગવાનને વીનવવાની શરૂઆત કરી. લોકોની માનતા પૂરી થઈ. અને આ ચીલો શરૂ થયો.'

આજે ઢાંકના આ ગણપતિ મંદિરમાં રોજના 50 પત્રો આવે છે. ગણેશોત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે. જેમાં ભક્તો પોતાની માનતા લખે છે. આ પત્રો આવે એટલે પૂજારી ભરતગિરી ગોસ્વામી તેને એક્ઠા કરીને ગણેશજીની મૂર્તિ સામે ઉભા રહી વાંચી સંભળાવે છે, અને ભક્તોને મદદ કરવા વિનંતી કરે છે.

આ પણ વાંચોઃ કુદરતના ખોળે વસેલા ડાંગની આ જગ્યાઓની અચૂક લેજો મુલાકાત

આ મંદિરની બીજી રસપ્રદ વાત એ છે કે મંદિરમાં ગણપતિનું વાહન ઉંદર નથી. સામાન્ય રીતે દરેક મંદિરમાં ગણપતિની મૂર્તિ પાસે જ મૂષકરાજ પણ હોય. પરંતુ ઢાંકના ગણેશ મંદિરમાં ગણપતિજી સિંહ પર બિરાજમાન છે. અને સિંહના વાહન ધરાવતા ગણપતિનું મંદિર ગુજરાતમાં આ એક માત્ર છે.

 

Places to visit in gujarat rajkot