02 January, 2026 12:01 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
આજકાલ સોશ્યલ મીડિયા પર યંગ જનરેશન નો નઝરનાં સિમ્બૉલ, ઍસ્ટ્રોલૉજી ઍપ્સ, મૅનિફેસ્ટેશન, એન્જલ નંબર્સ જેવી બાબતોમાં વધારે વિશ્વાસ રાખતી થઈ છે. આમાં કેટલું સત્ય અને કેટલી અંધશ્રદ્ધા છે એમાં આપણે ઊંડા નથી ઊતરવું પણ આની પાછળ રહેલાં સાઇકોલૉજિકલ, સોશ્યલ અને ઇમોશનલ કારણો વિશે સમજીએ. સાઇકોલૉજી અનુસાર આ માન્યતાઓ તમને શાંતિ, સકારાત્મકતા આપે ત્યાં સુધી ઠીક છે પણ તમે સંપૂર્ણ લૉજિક લગાવવાનું છોડી દો કે ઍક્શન ન લો તો એ સાઇકોલૉજિકલ ડિપેન્ડન્સી બની જાય છે.
તમે ઘણા યંગસ્ટર્સના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ કે પોસ્ટ પર નજરનું સિમ્બૉલ જોયું હશે. આ સિમ્બૉલ ફક્ત સોશ્યલ મીડિયા પૂરતાં સીમિત નથી પણ જ્વેલરી, ટૅટૂ, કપડાં જેવી વસ્તુમાં પણ એને સ્થાન મળતું થઈ ગયું છે. એ સિવાય ઍસ્ટ્રોલૉજી ઍપ્સનું પણ ચલણ ઝડપથી વધી રહ્યું છે. મોબાઇલ પર એક ક્લિક સાથે તમે જ્યોતિષી સાથે વાત કરી શકો. એમાં પાછા AI જ્યોતિષ પણ આવી ગયા છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર એન્જલ નંબર્સની ચર્ચા કરતી કન્ટેન્ટની પણ ભરમાર છે. ૧૧૧, ૨૨૨, ૪૪૪ જેવા નંબરોને યુનિવર્સનો સંકેત કે પૉઝિટિવ ચેન્જનો સંકેત તરીકે રજૂ કરવામાં આવે છે. સાથે જ મૅનિફેસ્ટેશન વિશે લોકોમાં વિશ્વાસ જગાવતા વિડિયોઝ, રીલ્સ, પોસ્ટ્સ સતત સામે આવતાં રહે છે. આ તમામ ટ્રેન્ડ્સ આજની પેઢીની માનસિક, ભાવનાત્મક અને સામાજિક સ્થિતિનું પ્રતિબિંબ છે. અતિસ્પર્ધાત્મક જીવનશૈલી, અનિશ્ચિત ભવિષ્ય, સતત તુલના અને ડિજિટલ પ્રેશરના સમયમાં યુવાનો કંઈક એવું શોધી રહ્યા છે જે તેમને શાંતિ, આશા અને નિયંત્રણની લાગણી આપે. આ સિમ્બૉલ્સ, ઍપ, માન્યતાઓ ઘણા લોકો માટે ભાવનાત્મક સહારો બની જાય છે. આ બધી વસ્તુમાં કેટલું સત્ય અને કેટલી અંધશ્રદ્ધા છે આપણને એમાં ઊંડા નથી ઊતરવું. અહીં ફક્ત આપણે એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે આ બધી વસ્તુ પરની નિર્ભરતા કેટલી હદ સુધી સારી છે અને જો આપણે માનસિક રીતે આના પર વધુપડતા નિર્ભર થઈ જઈએ ત્યારે એ કઈ રીતે નકારાત્મક અસર પાડે છે. આ વિશે આપણે સાઇકોલૉજિસ્ટ તેજલ કારિયા પાસેથી તેમના જ શબ્દોમાં વધુ માહિતી મેળવીએ અને આપણી માન્યતાઓ પ્રત્યે વધુ જાગૃત થઈએ.
આજની યુવા પેઢી કરીઅર, રિલેશનશિપ, ફ્યુચરને લઈને ખૂબ જ અનિશ્ચિતતામાં જીવી રહી છે. જ્યારે જીવનમાં સવાલોના જવાબ ક્લિયર નથી હોતા ત્યારે આપણું દિમાગ કોઈ એવી વસ્તુ શોધે છે જે તેમને એક સ્ટ્રક્ચર, એક દિશા અથવા તો કમ સે કમ એ અનુભવ આપી શકે કે બધું સંપૂર્ણ રીતે બેકાબૂ નથી. નજરનું સિમ્બૉલ, ઍસ્ટ્રોલૉજી ઍપ્સ, એન્જલ નંબર્સ જેવી માન્યતાઓ તેમના દિમાગને એક ઢાંચો આપે છે. મનુષ્યનું મગજ સ્વાભાવિક રીતે જ પટૅર્ન શોધનારું હોય છે એટલે જ્યારે કોઈ પ્રિડિક્શન આપણી વર્તમાન ભાવનાત્મક સ્થિતિ સાથે મેળ ખાય છે ત્યારે દિમાગ એને ખાસ મહત્ત્વ આપવા લાગે છે. એટલે વ્યક્તિને એવો અનુભવ થાય છે કે તેને કોઈ પ્રકારનો સંકેત કે માર્ગદર્શન મળી રહ્યું છે જે માનસિક રૂપે તેને શાંતિ આપે છે. આ સાથે જ આ માન્યતાઓ નિર્ણય લેવાની જવાબદારીને કેટલીક હદ સુધી બહાર સોંપી દે છે. જો આવું લખ્યું છે તો કદાચ એ સાચું જ હશે એવો વિચાર ખોટો નિર્ણય લેવાનો ડર ઓછો કરી દે છે. આ રીતે વિશ્વાસ અનિશ્ચિતતાના ડરને ઓછો કરવાનું કામ કરે છે.
ભાવનાત્મક સ્તરે આજના ઘણા યુવાનો એકલતા, અસુરક્ષા અને અંદરથી મૂંઝવણનો અનુભવ કરે છે. એવામાં ઍસ્ટ્રોલૉજી ઍપ્સ, મૅનિફેસ્ટેશન, એન્જલ નંબર્સ તેમને એ અનુભવ કરાવે છે કે તેઓ એકલા નહીં; કોઈ શક્તિ છે જે તેમને જોઈ રહી છે, સમજી રહી છે અને યોગ્ય દિશામાં લઈ જઈ રહી છે. નજરનું સિમ્બૉલ તેમને સુરક્ષાની ભાવના આપે છે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ સફળતા, ખુશી કે જીવનમાં આગળ વધવાની પળ દુનિયા સામે રાખે છે. એવી જ રીતે એન્જલ નંબર્સ અને પૉઝિટિવ મેસેજ મુશ્કેલ સમયમાં આશા, હિંમત અને દિલાસો આપવાનું કામ કરે છે. આ બધી વસ્તુઓ મળીને એક ભાવનાત્મક કમ્ફર્ટ સિસ્ટમ બનાવી દે છે.
આજના સમયમાં મૅનિફેસ્ટેશન, એન્જલ નંબર્સ, ઍસ્ટ્રોલૉજી ઍપ્સ, નજરનું સિમ્બૉલ ફક્ત એક વ્યક્તિગત વિશ્વાસ નથી રહ્યાં, પણ સામાજિક ઓળખ બની ગયાં છે. સોશ્યલ મીડિયા પર જ્યારે લોકો એક જેવા સિમ્બૉલ, નંબર્સ અને શબ્દો યુઝ કરે છે ત્યારે તેમને કોઈ મોટા સમૂહ સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરાવે છે. તેમને એવી લાગણી કરાવે છે કે મારા જેવા બીજા પણ લોકો છે જે આવું વિચારે છે અને અનુભવ કરે છે. એમાં પણ કોઈ આને લાગતી-વળગતી પોસ્ટ કરે અને એના પર લાખો લાઇક્સ અને સહમતી ભરેલી કમેન્ટ્સ આવે ત્યારે એ વિશ્વાસને સામાજિક માન્યતા મળી જાય છે જે વ્યક્તિના વિશ્વાસને વધુ મજબૂત બનાવી દે છે. સોશ્યલ મીડિયાનું ઍલ્ગોરિધમ પણ એ રીતે કામ કરે કે આપણને એ વિષય સાથે જોડાયેલી કન્ટેન્ટ વારંવાર દેખાડે. એનાથી વ્યક્તિને એવું લાગવા લાગે છે કે હું એકલી નહીં, બધા આના પર વિશ્વાસ કરે છે.
મૅનિફેસ્ટેશન, એન્જલ નંબર્સ, નજરનું સિમ્બૉલ અને ઍસ્ટ્રોલૉજીમાં વિશ્વાસ ત્યારે સકારાત્મક ભૂમિકા ભજવે છે જ્યારે એ વ્યક્તિને આશા, શાંતિ, સકારાત્મકતા અને પ્રેરણા આપે. જો આ બધી વસ્તુ પરનો વિશ્વાસ તમને મુશ્કેલ સમયમાં માનસિક સહારો બને, આત્મવિશ્વાસ વધારે અને વ્યક્તિને આગળ વધવા માટે પ્રેરણા આપે તો એ હાનિકારક નથી. જ્યારે વ્યક્તિ એને માર્ગદર્શન અને પ્રેરણાની જેમ જુએ ત્યારે એ ભાવનાત્મકરૂપે સહાયક સાબિત થાય છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ વિશ્વાસ વિચારવાની, નિર્ણય લેવાની અને કોઈ પગલું લેવાની જગ્યા લેવા લાગે છે. જો કોઈ વ્યક્તિ દરેક નિર્ણય લેતાં પહેલાં સંકેત, નંબર્સ કે પ્રિડિક્શનની રાહ જોવા લાગે અથવા તો વગર આ વસ્તુએ અસુરક્ષિત અનુભવ કરવા લાગે તો એ માનસિક નિર્ભરતા બની જાય છે. જ્યારે ડર, ઍન્ગ્ઝાયટી અથવા અસફળતાથી બચવા માટે વ્યક્તિ સંપૂર્ણ રીતે એના પર ભરોસો કરવા લાગે ત્યારે એ વિશ્વાસ વ્યક્તિના સ્વતંત્ર વિચાર અને આત્મવિશ્વાસને કમજોર કરી શકે છે. ઘણા લોકોને સવારે ઊઠતાં વેંત જ પોતાનું રાશિ ભવિષ્ય જોવાની આદત હોય છે. શરૂઆતમાં આ એક સામાન્ય જિજ્ઞાસા અથવા હળવીફૂલ આદત હોય છે, પણ ધીરે-ધીરે એ દિવસની દશા નક્કી કરનારું ફૅક્ટર બની જાય છે. જો રાશિ ભવિષ્ય પૉઝિટિવ હોય તો આત્મવિશ્વાસ વધી જાય અને નેગેટિવ હોય તો કોઈ ઠોસ કારણ વગર પણ મન ભારે થઈ જાય છે. આ આદત વ્યક્તિને પોતાના નિેર્ણયો અને ભાવનાઓની જવાબદારી ધીમે-ધીમે બહારની ભવિષ્યવાણીઓ પર નાખતા કરી દે છે. વ્યક્તિ પોતાનાં અનુભવ, તર્ક અને પરિસ્થિતિઓ પર ભરોસો કરવાની જગ્યાએ એ વિચારવા લાગે છે કે આજે મારી રાશિમાં શું લખ્યું છે. આ રીતે રાશિ ભવિષ્ય એક માર્ગદર્શન નહીં પણ માનસિક નિર્ભરતા બની શકે છે જ્યાં વ્યક્તિના વિચાર અને ઍક્શન પોતાની સમજથી નહીં પણ રાશિભવિષ્યમાં લખેલા શબ્દોથી નિયંત્રિત થવા લાગે છે.
આપણે કોઈ વિદ્યાની વિરુદ્ધ નથી જતા, કારણ કે એ દરેક સારી અને ઉપયોગી છે. તમારે એને એ રીતે અપનાવવાની છે કે એ તમારી મદદ કરે, નહીં કે તમારા માટે સમસ્યા ઊભી કરી દે. માની લો કે તમારા રાશિ ભવિષ્યમાં લખ્યું છે કે આજે તમારો કોઈ સાથે ઝઘડો થઈ શકે છે. હવે આનો અર્થ એ નથી કે તમે આખો દિવસ કોઈને મળો જ નહીં. જે પણ મીટિંગ શેડ્યુલ થઈ હોય એ બધી પોસ્ટપોન કરી નાખો. તમે બીજો રસ્તો પણ અપનાવી શકો છોને? તમે બધાને મળો, વાત કરો, કામ કરો. મગજમાં શાંતિ રાખો, રીઍક્ટ કરતાં પહેલાં થોડું થંભો અને સમજદારીથી પરિસ્થિતિને સંભાળો. આ બધી માન્યતાઓને અપનાવવાની સ્વસ્થ રીત એ જ છે કે તમે એને સપોર્ટ સિસ્ટમની જેમ જુઓ, ડિસિઝન સિસ્ટમની જેમ નહીં. કોઈ એન્જલ નંબર દેખાય કે મૅનિફેસ્ટેશન પર વિશ્વાસ હોય તો એને મોટિવેશન માનો, ઍક્શનનો વિકલ્પ નહીં. દરેક મોટા નિર્ણય પહેલાં પોતાની જાતને સવાલ કરો કે જો આ સંકેત ન પણ મળ્યા હોત તો શું હું આ જ નિર્ણય પોતાની સમજ અને પરિસ્થિતિ જોઈને લેત? જો જવાબ હા હોય તો તમે સંતુલિત રીતે આગળ વધી રહ્યા છો. પોતાનાં વિચાર, તર્ક અને વાસ્તિવક પરિસ્થિતિને પ્રાથમિકતા આપો અને આ માન્યતાઓને ફક્ત માનસિક સ્પષ્ટતા અને પૉઝિટિવ વિચાર માટે ઉપયોગમાં લો.