✕

બેસવાની અને હાથ-પગ રાખવાની રીત: સામુદ્રિકશાસ્ત્ર પ્રગટ કરે છે માનસિકતા

18 October, 2026 02:24 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

જો બેસવાની અને હાથ-પગ રાખવાની સ્ટાઇલમાં અમુક ફેરફારો કરવામાં આવે તો વ્યક્તિના વિચારો, આત્મવિશ્વાસ અને ઑરામાં ઘણો સકારાત્મક ફરક આવે છે

પ્રતીકાત્મક તસવીર

માણસ જ્યારે બોલે છે ત્યારે તે શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરી શકે છે, પરંતુ  એ બોલતી વખતે કેવી રીતે વર્તવું અને કેવી રીતે શરીરને રાખવું એ ક્યારેય ગોઠવી ન શકાય અને એટલે જ કહે છે કે શબ્દો ખોટા હોઈ શકે, હાવભાવ નહીં. આપણે ખુરસી કે સોફા પર કેવી રીતે બેસીએ છીએ, વાત કરતી વખતે હાથ ક્યાં રાખીએ છીએ અને પગની સ્થિતિ કેવી હોય છે આ નાની-નાની શારીરિક મુદ્રાઓ અંતરમનનો અરીસો છે. ભારતીય સામુદ્રિકશાસ્ત્ર અને આધુનિક બૉડી-લૅન્ગ્વેજ સાયન્સ બન્ને માને છે કે વ્યક્તિની બેસવાની શૈલી તેના આત્મવિશ્વાસ, આંતરિક તનાવ અને ભાગ્યની સ્થિતિ છતી કરે છે. ચાલો, જાણીએ કે બેસવાનું અને હાથ-પગ કઈ રીતે હોય તો શું સૂચવે છે.

સતત પગ હલાવવાની આદત

બેઠાં-બેઠાં એક કે બન્ને પગ સતત ધ્રુજાવવા કે હલાવવા એ સમાજમાં સામાન્ય દેખાતી આદત છે. બોડી-લૅન્ગ્વેજ મુજબ આ આંતરિક બેચેની, ગભરાટ અને છૂપા તનાવની નિશાની છે. વ્યક્તિ બહારથી શાંત દેખાવાનો પ્રયાસ કરે છે, પણ અંદર વિચારોનું વાવાઝોડું ચાલતું હોય છે.

સમુદ્રિકશાસ્ત્ર અનુસાર આ આદત કુંડળીમાં નબળા ચંદ્ર અને રાહુના પ્રભાવને દર્શાવે છે. શાસ્ત્રોમાં બેઠાં-બેઠાં પગ હલાવવાની સ્પષ્ટ મનાઈ છે, કારણ કે એનાથી ઘરમાં દરિદ્રતા વધે છે અને માનસિક સ્થિરતા ગુમાવાય છે. આવા લોકો મોટા નિર્ણયો લેતી વખતે વારંવાર ડગમગી જતા હોય છે. આ પ્રકારની આદત ધરાવતા લોકો ક્યારેક પોતાના શબ્દો પરથી ફરી શકે છે.

છાતી પર હાથ વાળીને બેસવું

વાતચીત દરમ્યાન બન્ને હાથ છાતી પર વાળીને એટલે કે અદબ વાળીને બેસવું એ વ્યક્તિનું સુરક્ષાત્મક વલણ દર્શાવે છે. સાઇકોલૉજિસ્ટ કહે છે કે જ્યારે વ્યક્તિ સામેવાળાના વિચારોથી અસંમત હોય, સુરક્ષિતતા ન અનુભવતી હોય અથવા ખૂલીને વાત કરવા ન માગતી હોય ત્યારે તે અજાણતાં જ પોતાની છાતી આગળ હાથનો ઢાલ જેવો અવરોધ ઊભો કરે છે.

સામુદ્રિક દૃષ્ટિએ આ મુદ્રા અવિશ્વાસ અને સંકોચ દર્શાવે છે. આવા જાતકો ઝડપથી કોઈ પર ભરોસો મૂકતા નથી અને પોતાનાં રહસ્યો સાચવી રાખવામાં કુશળ હોય છે, પરંતુ તેમની આ મુદ્રા નવા અવસરોને સ્વીકારવામાં બાધારૂપ બને છે.

કરોડરજ્જુ ટટ્ટાર રાખીને બેસવું

જે વ્યક્તિ કમર અને ગરદન એકદમ સીધી રાખીને, ખભા ઢીલા મૂક્યા વગર ટટ્ટાર બેસે છે તેનામાં આત્મવિશ્વાસ છલકાય છે. આવી મુદ્રા અંદર રહેલી નેતૃત્વ-ક્ષમતા, પ્રામાણિકતા અને સકારાત્મક ઊર્જા દર્શાવે છે.

સામુદ્રિકશાસ્ત્રમાં એને ઉચ્ચ સૂર્ય અને બળવાન ગુરુનું પ્રતીક માનવામાં આવે છે. આવા લોકો પડકારોથી ડરતા નથી, જવાબદારીઓ સહજતાથી ઉપાડે છે અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. સફળ ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી વક્તાઓમાં આ મુદ્રા સ્વાભાવિક જોવા મળે છે.

ખુરસી પર ઢળી પડીને બેસવું

ખુરસીના ટેકે શરીર ઢીલું છોડી દેવું, ખભા આગળ ઝુકાવી દેવા કે અડધા સૂતા હોય એમ બેસવું એ નકારાત્મક માનસિકતા દર્શાવે છે. આ મુદ્રા ઉત્સાહનો અભાવ, થાક અને જીવન પ્રત્યેની ઉદાસીનતા સૂચવે છે. જ્યોતિષની દૃષ્ટિએ આ શનિની નબળી સ્થિતિ અને તામસિક ઊર્જા વધારે છે. આવા લોકો મહેનત કરવા છતાં ભાગ્યનો સાથ મેળવી શકતા નથી કારણ કે તેમની શારીરિક મુદ્રા જ આળસને આમંત્રણ આપે છે.

આ આદત એ પ્રકારની છે જેને સમયાંતરે બદલી શકાય છે અને એ બદલવાનો પ્રયાસ કરવો જ જોઈએ.

પગ પર પગ ચડાવીને બેસવું

એક પગ પર બીજો પગ ચડાવીને સ્થિર બેસવું એ નિયંત્રણ અને આત્મગૌરવનું પ્રતીક છે. જો પગ હલતો ન હોય અને શરીર ટટ્ટાર હોય તો એ વ્યક્તિની પરિપક્વતા અને સંતુલન બતાવે છે, પરંતુ જો ચડાવેલો પગ સતત હલતો રહે કે પંજો સામેવાળી વ્યક્તિ તરફ વારંવાર ખેંચાતો હોય તો એ અધીરાઈ અથવા વાતચીતમાંથી રસ ઊડી ગયાનો સંકેત આપે છે.

એક વાત યાદ રહે કે શરીરની મુદ્રા માત્ર સામેવાળાને જ સંકેત નથી આપતી, આપણા મગજના વિચારોને પણ સીધી અસર કરે છે. જ્યારે પણ બેસો ત્યારે કરોડરજ્જુ સીધી રાખો, પગ જમીન પર સ્થિર રાખો અને હાથ ખુલ્લા રાખો. આ નાનકડો વ્યવહારુ બદલાવ ધીમે-ધીમે તમારા વિચારો, આત્મવિશ્વાસ અને ઑરામાં અદ્ભુત સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

astrologer astrology life and style lifestyle news healthy living