૧૯૭૧ના યુદ્ધમાં આપણી જીત થવાનું કારણ શું?

03 April, 2023 05:26 PM IST  |  Mumbai | Swami Satchidananda

આઝાદી પછી કેટલાક લોકોને અહિંસાનો કેફ ચડ્યો અને તેઓ પ્રચાર કરવા લાગ્યા કે સેનાની જરૂર જ નથી, ગાંધીજીના અહિંસા-શસ્ત્રથી દેશનું રક્ષણ કરી શકાશે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મહાવીરસ્વામી અને ગૌતમ બુદ્ધે અહિંસાની જે વાત કહી એ વાતને મહાત્મા ગાંધીએ જુદી જ રીતે આપણા દેશમાં આગળ વધારી અને એ પછી એક ખોટો જ પ્રચાર શરૂ થઈ ગયો કે આપણને આઝાદી અહિંસાની નીતિને કારણે મળી. આ પ્રચાર સતત અકબંધ રહ્યો અને એનો કોઈએ ખુલાસો પણ કર્યો નહીં. પરિણામ એ આવ્યું કે આઝાદી પછી કેટલાક લોકોને અહિંસાનો કેફ ચડ્યો અને તેઓ પ્રચાર કરવા લાગ્યા કે સેનાની જરૂર જ નથી, ગાંધીજીના અહિંસા-શસ્ત્રથી દેશનું રક્ષણ કરી શકાશે. એ સમયના જે શાસકો હતા તેમના પર પણ આ વિચારધારાનો પ્રભાવ હતો એટલે તેમણે સેના તથા શસ્ત્રો પર જરાય ધ્યાન આપ્યું નહીં. જોકે આપણો પાડોશી દેશ તો હિંસાથી જ પ્રશ્નો ઉકેલવામાં માનનારો હોવાથી પહેલા દિવસથી જ એણે શસ્ત્ર તથા સેના પર પૂરતું ધ્યાન આપવા માંડ્યું. ૧૯૬૨ની ચીન સાથેની નાની લડાઈમાં આપણે હાર્યા અને અહિંસાવાદનો પરપોટો ફૂટી ગયો. શાસકોને વાસ્તવિકતા સમજાઈ અને સેના તથા શસ્ત્રો તરફ કાળજી રાખવાનું શરૂ થયું, જેથી ૧૯૬પમાં પાકિસ્તાન સાથેની લડાઈમાં આપણે કંઈક સારો દેખાવ કર્યો તો ત્યાર પછી જેની વાત અત્યારે રવિવારના ‘મિડ-ડે’માં ચાલે છે એ ૧૯૭૧નું યુદ્ધ આવ્યું. એ યુદ્ધમાં આપણને શસ્ત્રો તથા સેનાનો પૂરેપૂરો લાભ મળ્યો તો સાથોસાથ અહિંસાની માનસિકતાથી પર કહેવાય એવા લોકોનો પણ સાથ મળ્યો, જેને લીધે આપણે પાકિસ્તાનના બે ટુકડા કરી શક્યા. ત્યારથી આપણે હવે અહિંસાની વાતો બહુ કરતા નથી. હા, ગાંધી જયંતી જેવા પ્રસંગે નેતાઓ જૂની રેકૉર્ડને ફરી વગાડી લે છે, પણ આ અહિંસા સમયાંતરે સીઝનલ પાક જેવી બની ગઈ.

વાસ્તવિકતા એ છે કે સીમા પારની લડાઈમાં અહિંસાનું કોઈ સ્થાન રહ્યું નથી. યુદ્ધ કરવું જ પડે છે, હિંસા કરવી જ પડે છે. જીવવા યુદ્ધ અનિવાર્ય છે, કારણ કે દુષ્ટ માટેની શક્તિઓ સજ્જનોને શાંતિથી જીવવા દેતી હોતી નથી. ૧૯૭૧ની સફળ લડાઈ પછી આપણે ચૂપ, શાંત, નિષ્ક્રિય રહ્યા. પાકિસ્તાને કાશ્મીરમાં પ્રૉક્સીયુદ્ધ શરૂ કરી દીધું, જેમાં આપણે જીતી શક્યા નહીં. આતંકવાદીઓ હિન્દુઓને તથા કોઈ-કોઈ વાર મુસ્લિમોને અને સિખોને પણ ઘરમાંથી કાઢી-કાઢીને ગોળીએ મારતા. હજારો નિર્દોષ હિન્દુઓ, સિખો અને રાષ્ટ્રવાદી મુસલમાનો મર્યા તો બીજી તરફ સેનાના જવાનો પણ શહીદ થયા, જેને કારણે આપણને હિંસા કોઠે પડવા માંડી અને એનું મુખ્ય કારણ હતું યુદ્ધ કરી લેવાની જરૂર હોવા છતાં યુદ્ધ ન કરવું. ભલું થજો રાષ્ટ્રનું કે નરેન્દ્ર મોદી જેવા નેતા મળ્યા જેમણે લાલ આંખ કરવાની હતી ત્યાં સમયસર લાલ આંખ કરી અને હિન્દુસ્તાન અમુક અંશે આતંકવાદીઓથી મુક્ત થયું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology life and style swami sachchidananda