કયા કલરનાં વસ્ત્રો કામને વધારે મજબૂત બનાવી શકે છે?

21 April, 2024 07:26 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

પ્રોફેશનને કલર સાથે સીધો સંબંધ છે એટલે જો પ્રોફેશન અનુરૂપ કલરનાં ક્લોથ્સ પહેરવામાં આવે તો કામમાં સફળતા મળવાની સંભાવના વધી જાય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દરેક ગ્રહ વ્યક્તિના કામનું પ્રતિનિધિત્વ કરે છે. એવા સમયે વ્યક્તિ જે ક્ષેત્રમાં કામ કરતી હોય એ ક્ષેત્રના પ્રતિનિ​ધિ એવા ગ્રહને અનુરૂપ કલરનાં ક્લોથ્સ પહેરવાની આદત કેળવે તો બની શકે કે કામ દરમ્યાન તેની એનર્જી પણ પૉઝિટિવ રહે અને કામમાં સક્સેસના ચાન્સિસ વધી જાય. આજે આપણે કેટલાક એવા જ પ્રોફેશનની વાત કરવાની છે જેમાં રહેલા લોકોએ ચોક્કસ કલરનાં ક્લોથ્સ પહેરવાં જોઈએ.

ધારો કે તમે ક્રીએટિવ ફીલ્ડમાં છો...
લેખનકાર્યથી લઈને પત્રકારત્વ, ફિલ્મનું ક્ષેત્ર કે પછી ડિઝાઇનિંગ ફીલ્ડને બુધ ગ્રહ પ્રતિનિધિત્વ આપે છે. એવા સમયે જો આ ક્ષેત્રમાં રહેલી વ્યક્તિ બુધને અનુરૂપ એવા ગ્રીન કલરનો મહત્તમ ઉપયોગ કરે તો એ તેના લાભમાં રહે છે. ગ્રીન કલરના કોઈ પણ શેડ્સ ક્લોથ્સમાં વાપરી શકાય. ઘણી વાર એવું પણ બને કે દરરોજ એક જ કલરનાં ક્લોથ્સ પહેરવાં ન ગમે તો પ્રયાસ કરવો કે જે દિવસે તમે બીજા કલરનાં કપડાં પહેરો એ દિવસે રૂમાલ તો ગ્રીન કલરનો જ હોય. ધારો કે રૂમાલ રાખવાની આદત ન હોય તો પ્રયાસ કરો. ખાસ વાત, પ્રયાસ કરવો કે ગ્રીન કલરનાં મોજાં ન પહેરવાં. સીધી વાત છે, જે ગ્રહ કે ફીલ્ડના રિપ્રેઝન્ટેટિવને તમે ખુશ કરવા માગો છે એને પગમાં શું કામ રાખવા?
એજ્યુકેશનમાં પણ ગ્રીન કલર અત્યંત મહત્ત્વનો છે. નર્સરીથી હવે સ્કૂલ-ડ્રેસ આવી ગયા છે ત્યારે બાળકને ગ્રીન કલરનો રૂમાલ તો આપી જ શકાય છે.

ધારો કે તમે ફાઇનૅન્સ ફીલ્ડમાં છો...
બૅન્ક, ફાઇનૅન્સ કે અકાઉન્ટન્સીના ફીલ્ડ સાથે જોડાયેલી વ્યક્તિએ પ્રયાસ કરવો જોઈએ કે તેના ક્લોથ્સમાં લાલ કલરનો ઉપયોગ થયા. રેડ કલર પૈસાનો પ્રતિનિધિ નથી, પણ રેડ કલર મૂવમેન્ટ દર્શાવે છે અને ફાઇનૅન્સ ક્ષેત્રમાં પ્રવાહ વહેતો રહે એ ખૂબ જરૂરી છે. અમુક કંપનીઓમાં તો કેટલીક બૅન્કમાં પણ હવે ડ્રેસ-કોડ આવી ગયા છે એવા સમયે જો રેડ કલર ડ્રેસ-કોડમાં ન હોય તો લાલ રંગનો રૂમાલ ઉપયોગી બની શકે છે. ધારો કે લંચ-બૉક્સનો ઉપયોગ કરતા હો તો ફાઇનૅન્સ ફીલ્ડ સાથે રહેલા લોકોએ લાલ કલરનું લંચ-બૉક્સ વાપરવું જોઈએ.

ધારો કે તમે સેલ્સ ફીલ્ડમાં છો...
કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે ફીલ્ડના સેલ્સ ડિપાર્ટમેન્ટની વ્યક્તિ માટે સૌથી બેસ્ટ કલર જો કોઈ હોય તો એ યલો કલર છે. યલો કલર ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. સેલ્સપર્સનમાં સૌથી મોટી ક્વૉલિટી જો કોઈ હોવી જોઈએ તો એ છે તેનું વાકચાતુર્ય. માત્ર બોલવું મહત્ત્વનું નથી; પણ ચતુરાઈ સાથે બોલવું, સામેવાળાને વિશ્વાસ આવી જાય એ રીતે તર્કબદ્ધ વાત કરવી એ અત્યંત મહત્ત્વનું છે અને આ ગુણ એ વ્યક્તિમાં સવિશેષ જોવા મળે છે જેનો ગુરુ પ્રબળ હોય કે પછી જે સતત પોતાના ગુરુને પ્રબળ બનાવવાનું કામ કરતી હોય. યલો કલરના ક્લોથ્સની સીધી અસર એ છે કે એ ધારણ કરનારી વ્યક્તિની વાતમાં સામેની વ્યક્તિને વિશ્વાસ આવે છે જે સેલ્સપર્સન માટે અત્યંત અગત્યનું છે.

સેલ્સ ફીલ્ડ સાથે રહેલી વ્યક્તિએ સવારે ઘરેથી નીકળતાં પહેલાં કેસરનું તિલક કરવું જોઈએ. કેસરનું તિલક ચંદન કે સુખડ જેવું ઊડીને આંખે વળગે એવું નથી હોતું એટલે મોટા ભાગે સામેની વ્યક્તિને એ નરી આંખે દેખાતું પણ નથી. પરિણામે કૉર્પોરેટ્સના નિયમો પણ એમાં તૂટતા નથી.

ધારો કે તમે ફૅશન ફિલ્ડમાં હો...
કૉસ્મેટિક્સથી લઈ કૉસ્ચ્યુમ ડિઝાઇનિંગ અને સલૂન સુધીના તમામ પ્રોફેશનને ફૅશન ફિલ્ડમાં ગણી શકાય. જો તમે એવા કોઈ ક્ષેત્રમાં હો તો તમારા માટે પર્પલ કલર લાભદાયી પુરવાર થઈ શકે છે. જાંબુના ગર્ભ જેવો આ જે કલર છે એ કલર રોમૅન્સને પ્રોત્સાહન આપે છે તો સાથોસાથ અટ્રૅક્શનને પણ પ્રબળ બનાવે છે. ફૅશન ફીલ્ડનું એ જ કામ છે કે એ વ્યક્તિને વધારે ને વધારે અટ્રૅક્ટિવ બનાવે અને એની પર્સનાલિટીમાં ચુંબકીય તત્ત્વ ઉમેરે. ફૅશન ફીલ્ડમાં મોટા ભાગે મહિલા હોય છે એટલે તે પર્પલ કલર સરળતાથી ધારણ કરી શકે છે. એ ક્ષેત્રમાં પુરુષને પર્પલ કલર પહેરવો ન ગમે તો તે પિન્ક કલરનાં ક્લોથ્સ પહેરી શકે છે.

columnists astrology life and style