28 April, 2024 07:02 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સુખ-સાહ્યબી અને ઐશ્વર્યનો કારક એવા શુક્ર ગ્રહને વ્યક્તિગત રીતે બળવાન બનાવવાથી એ અંગત રીતે વ્યક્તિને લાભ આપે, પણ જો એ જ શુક્રને પારિવારિક રીતે બળવાન બનાવવો હોય તો વાસ્તુશાસ્ત્રના અમુક રસ્તાઓ વાપરવા જોઈએ. એ રસ્તાઓ વાપરવાથી પરિવારમાં પરસ્પર પ્રેમ અને લાગણી વધે છે તો સાથોસાથ પરિવારના દરેક સભ્યને પણ એનાથી પ્રગતિના રસ્તાઓ મળે છે. ઘરને સંભળાતી વ્યક્તિનું સોસાયટી અને સમાજમાં માન વધે છે, બાળકો પોતાના એજ્યુકેશનના ફીલ્ડમાં નામના મેળવે છે અને આર્થિક મોરચે જવાબદારી સંભાળતી વ્યક્તિને ફાઇનૅન્સના ક્ષેત્રમાં નવી-નવી તક મળતી થાય છે તો સાથોસાથ તે ફૅમિલી સાથે મોજશોખથી જીવવાનું પણ પસંદ કરતી થઈ જાય છે. નિયમિત રીતે ફૅમિલી સાથે ફરવા જતા અને વેકેશન લેતા પુરુષોના જન્માક્ષરનો તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો એમાં શુક્રની સકારાત્મક અસર જોવા મળશે જ મળશે અને કાં તો તેના ઘરને શુક્રપ્રધાન બનાવવામાં આવ્યું હોય એ જોવા મળશે.
શાસ્ત્રો મુજબ શુક્રની દિશા સાઉથ-વેસ્ટ એટલે કે નૈર્ઋત્ય છે. નૈર્ઋત્ય સમૃદ્ધિ લાવવાનું અને સમૃદ્ધિને ઘરમાં ટકાવી રાખવાનું કામ કરે છે. ઘરમાં નૈર્ઋત્ય દિશા જેટલી વધારે ખરાબ હોય કે પછી એ કૉર્નરમાં જેટલી વધારે ગંદકી હોય એટલો જ એ ઘરમાં રહેતી વ્યક્તિઓનો ફાઇનૅન્શિયલ વહીવટ ખરાબ હોય છે એટલે આ કૉર્નર સાફ અને ચોખ્ખી રાખવી. સમૃદ્ધિ લાવતી નૈર્ઋત્ય દિશા ઉપરાંત પણ ઘરમાં અનેક બાબતો એવી છે જેમાં ચીવટ રાખવી હિતાવહ છે. જો દિશા બાબતમાં જ્ઞાન ન હોય તો સ્માર્ટફોનમાં કમ્પાસ ડાઉનલોડ કરીને તમે તમારા ઘરની દિશા ચેક કરી શકો છો.
શુક્રને મજબૂત બનાવવાના જે ઉપાયો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે એ જાણવા જેવા છે...
૧. શુક્રનો રંગ સફેદ છે. જો ઘરમાં મૅક્સિમમ સફેદ રંગની દીવાલ રાખવામાં આવે તો એ હિતાવહ છે. ધારો કે ઘરમાં બાળકો હોય અને સફેદ રંગ દીવાલ પર કરી શકાય એમ ન હોય તો બાળકો ન પહોંચી શકે એવી જગ્યાએ સફેદ રંગની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો હિતાવહ છે. આજકાલ સીલિંગને પણ વૉલનો કલર કરવામાં આવે છે, પણ બહેતર છે કે ઘરની સીલિંગ વાઇટ કલરની કરવામાં આવે.
૨. શુક્રને પ્રસન્ન રાખવા માટે ઘરમાં વાઇટ કલરનાં ફ્લાવરનું ડેકોરેશન કરવામાં આવે એ હિતાવહ છે. દરરોજ ફૂલ પોસાતાં ન હોય તો પ્લાસ્ટિકનાં સફેદ ફૂલ રાખીને પણ તમે ઘરને સુશોભિત કરી શકો છો. પણ હા, એ ફૂલ પર મોગરા કે જાસ્મિનના પરફ્યુમનો છંટકાવ કરવામાં આવે તો એનું રિઝલ્ટ ત્વરિત મળી શકે છે. શુક્ર વિજાતીય આકર્ષણનો પણ કારક છે એટલે હસબન્ડ-વાઇફે પોતાના બેડરૂમમાં વાઇટ ફૂલ ખાસ મૂકવાં જોઈએ જે તેમના સંબંધોમાં ઘનિષ્ઠતા લાવવાનું કામ કરશે.
૩. અગાઉ કહ્યું છે એમ શુક્ર
સુખ-સાહ્યબી અને ઐશ્વર્યનો પ્રતિનિધિ છે અને જે કોઈ સાહ્યબીનું પ્રતિનિધિત્વ કરતું હોય તેને ગરીબી ગમે નહીં. ઘરમાં તૂટેલી કે ફાટેલી કે પછી રદ્દી થઈ ગયેલી અને ભંગારમાં જવા દેવાની હોય એવી ચીજવસ્તુઓ સંઘરી રાખો નહીં. સંઘરી રાખેલી એવી ચીજવસ્તુઓ શુક્રને નબળો બનાવે છે અને નબળો શુક્ર દરિદ્રતાની સાથોસાથ પ્રેમ અને લાગણીના સંબંધોમાં પણ અંટસ લાવવાનું કામ કરે છે.
૪. ચાંદી પણ શુક્ર ગ્રહની કારક છે. જો પરિવારના સભ્યો માટે ચાંદીના ગ્લાસ રાખવામાં આવે અને નિયમિતપણે એમાં પાણી પીવામાં આવે તો એ પણ લાભદાયી પુરવાર થાય છે. અત્યારે ચાંદીનો ભાવ ભડકે બળે છે એવા સમયે બધા વચ્ચે એક જ ગ્લાસ આવે તો પણ ચાલી શકે, પણ આ ઉપાય કારગત છે એટલે જ્યારે પણ અનુકૂળ હોય એવા સમયે ચાંદીના ગ્લાસ ઘર માટે ખરીદવા જોઈએ. મહેમાનોને પણ જો એ ગ્લાસમાં પાણી આપવામાં આવે તો ઘરે આવનારી વ્યક્તિ મહેમાનગતિ વિશે બહાર સારી વાતો કરે જે અલ્ટિમેટલી તો પારિવારિક પ્રશંસાનું જ કામ કરે છે.
પ. શુક્ર અને માર્બલને પણ સીધો સંબંધ છે એટલે જો ઘરનું રિનોવેશન કરાવતા હો તો એવા સમયે ફ્લોર પર માર્બલ જડવામાં આવે તો એ લાભદાયી પુરવાર થાય છે. ધારો કે અત્યારે ઘરમાં ટાઇલ્સ હોય અને એ વાઇટ કલરની ન હોય તો ટેન્શન કરવાની જરૂર નથી. વાઇટ કલરની ટાઇલ્સ પર દિવસમાં એક વાર મોગરા કે જાસ્મિનની સુગંધ ધરાવતા અત્તરના પાણીથી પોતાં કરવામાં આવે તો સારું પરિણામ મળી શકે છે. યાદ રહે, એક રૂમમાં એક ડ્રૉપ જેટલું જ અત્તર જોઈશે એટલે આ રીત અપનાવવાથી ખાસ કંઈ ખર્ચ નહીં થાય. અત્તર નાખો એ સમયે ફિનાઇલ ન નાખવાનું હોય એ સહજ રીતે કોઈ પણ સમજી શકે.