30 April, 2023 07:30 AM IST | Mumbai | Aparna Bose
સાપ્તાહિક રાશિફળ
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા અને આવશ્યક ફેરફારો કરવા માટે સાનુકૂળ સમય છે. તમે ઘર-પરિવારને પ્રાથમિકતા આપશો અને તમારામાંથી કેટલાક લોકો નવા ઘરમાં જશે અથવા હાલના ઘરનું રિનોવેશન કરાવશે. કોના પર વિશ્વાસ મૂકવો એ નક્કી કરવાનું અગત્યનું છે. જો તમે કોઈ આયોજન ધરાવતા હો તો પહેલેથી કોઈને એના વિશે જાણ કરશો નહીં.
ટૉરસ જાતકો જીવનસાથી તરીકે કેવા હોય છે?
ટૉરસ જાતકો માટે પરિવાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેઓ જીવનસાથી તરીકે વિશ્વસનીય હોય છે તથા જીવનસાથીની ભલાઈ ઇચ્છતા હોય છે. તેઓ સંબંધમાં સૌજન્યશીલ અને સાચા હોય છે. ક્યારેક તેમની જીદ મોટી સમસ્યાઓ સર્જી શકે છે. તેમને કેવી રીતે સંભાળી લેવા એ તેમના જીવનસાથીએ શીખી લેવું જરૂરી બને છે. જીવનસાથીએ ધીરજ રાખવી એવું સૂચન કરી શકાય. ટૉરસ જાતકો સાથેનું લગ્નજીવન સમય જતાં પરિપક્વ થતું જાય છે અને લાંબું ટકે છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમારા માટે સારી ન હોય એવી આદતો છોડવાનું અગત્યનું બની જાય છે. ખર્ચની બાબતે સાવચેત રહેજો અને વગર વિચાર્યે કોઈ ખરીદી કરતા નહીં. રોકાણો કરવા પર લક્ષ આપજો.
કારકિર્દી વિશે સલાહ : કૂથલીઓથી સાવધાન રહેજો. કોઈ પણ સહકર્મીને તમારી પીઠ પાછળ બોલવાની તક આપતા નહીં. જરૂર પડ્યે કામ કરવાની નવી શૈલી અપનાવવી.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
જો તમારે કોઈક નિર્ણય લેવાની વાત આવે તો અંતરાત્માના અવાજને અનુસરજો. પરિસ્થિતિને જટિલ કરવાને બદલે સરળ બનાવવી. રૂબરૂ અને ઑનલાઇન બન્ને પ્રકારના સંવાદમાં સ્પષ્ટતા રાખજો. કારકિર્દી વિશે સલાહ : કાર્યસ્થળે વરિષ્ઠ પદ પર હોય એવા જાતકોએ કોઈ પણ ફેરફાર સમતાપૂર્વક હાથ ધરવો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
પોતાના માટે જે અગત્યનું હોય એ કહેવામાં સંકોચ રાખવો નહીં. જીવનમાં તમારા માટેની સારી સ્થિતિ તરફ જુઓ અને ભૂતકાળને ભૂલી જાઓ.
કારકિર્દી વિશે સલાહ : તમારા કાર્યસ્થળે ઉપરીઓ સાથે વાતચીત કરવાની જરાઅમથી પણ તક મળે તો એનો મહત્તમ ઉપયોગ કરવો. કોઈ સોદો કે કરાર કરવાનો પ્રયત્ન કરનારા જાતકોએ પોતાના તરફથી કોઈ વિલંબ કરવો નહીં.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
નિર્ણય લેવાનો વખત આવે અથવા કોઈ મહત્ત્વપૂર્ણ સંવાદ સાધવાનો હોય ત્યારે લાગણીઓ અને તર્કશક્તિ બન્નેનો સમન્વય કરવો. સંબંધો પર પૂરતું ધ્યાન આપશો તો એમાં સાનુકૂળ સંજોગો છે.કારકિર્દી વિશે સલાહ : તમે કારકિર્દીના ત્રિભેટે ઊભા હો તો તમામ વિકલ્પો વિશે વિચાર કરી જુઓ. તમારા નેટવર્કની નાનામાં નાની કડીનો પણ મહત્તમ ઉપયોગ કરી લેવો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
વ્યક્તિની સાથે સામસામેનો હોય કે ઑનલાઇન હોય, દરેક સંવાદ સ્પષ્ટ રાખવો. કાર કે બાઇક ચલાવતી વખતે સાધવાન રહેજો, કારણ કે અકસ્માતની ઘાત છે. કારકિર્દી વિશે સલાહ : નવા ક્લાયન્ટ્સ મેળવવા કે પછી કોઈ નવો કૉન્ટ્રૅક્ટ માટે તમારે થોડો વધુ પ્રયાસ કરવો પડશે. કોના પર વિશ્વાસ રાખવા જેવો છે એ સમજી લેવું. સહકર્મીઓ પર આંખ મીંચીને ભરોસો ન કરવો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જો કોઈ પરિસ્થિતિને સમજવી હોય તો ઉપરછલ્લો પ્રયાસ કરતા નહીં. રોકાણો સહિતની નાણાકીય બાબતો માટે સાનુકૂળ સમય છે. જોકે તમારું નાણાકીય લક્ષ્ય નક્કી હોવું જરૂરી છે.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ પ્રકારના સંવાદમાં વિલંબ થાય તો સાચવી લેવું અને પૂરેપૂરી માહિતી મળી ગયા પછી જ નિર્ણયો લેવા. નોકરીમાં બઢતી મળવાનો યોગ છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
પરંપરાગત અને આધુનિક બન્ને જીવનશૈલીમાંથી સારાનો સ્વીકાર કરીને અને બન્નેનું સંતુલન સાધવું. નવી વ્યક્તિ સાથે મુલાકાતમાં કુંવારાઓએ વાત ધીરેકથી આગળ વધારવી.
કારકિર્દી વિશે સલાહ : ભલે કંટાળો આવે, કંપનીની કાર્યપ્રણાલી અને શિષ્ટાચારનું પાલન ચોક્કસપણે કરવું. કામમાં લાગણીઓને વચ્ચે આવવા દેવી નહીં.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
મન શાંત રાખજો અને મુશ્કેલ પરિસ્થિતિને સાચવવા લાભપ્રદ સ્થિતિનો ઉપયોગ કરો. બીજાઓ પાછળ બિનજરૂરી ખર્ચ કરવાને બદલે રોકાણો પર ધ્યાન આપવું.
કારકિર્દી વિશે સલાહ : ગ્રુપમાં કે ટીમમાં રહીને કામ કરનારાઓ માટે સારો સમય છે. એકદમ પરંપરાગત ઢબે ચાલતી કંપનીમાં કાર્ય કરનારાઓએ ઉપરીઓ અને સહયોગીઓ સાથેની વાતચીતમાં સંભાળવું.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
શૉર્ટ કટ કે સહેલો રસ્તો પકડવાની વૃત્તિનો ભોગ બનતા નહીં. રોકાણો અને નાણાકીય બાબતોમાં ખૂબ જ સાવધાની રાખજો અને બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરતા નહીં.
કારકિર્દી વિશે સલાહ : બજેટ બનાવીને કામ કરવું. સ્રોતોનો બગાડ થાય નહીં એની તકેદારી લેવી. તમારા કોચલામાંથી બહાર આવીને પણ તકોનો મહત્તમ ઉપયોગ કરી લેજો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
લેવાદેવા વિનાના કૌટુંબિક વિખવાદથી દૂર રહેજો. જેમના જીવનસાથી કે પ્રેમી દૂર રહેતા હોય તેમણે કોઈ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવા વિશે વિચારી જોવું.
કારકિર્દી વિશે સલાહ : પોતાની પાસેના સ્રોતોનો ઉત્તમ ઉપયોગ કરી લેવો, પછી ભલે તમને એ સ્રોતો ઓછા લાગતા હોય. કામના સ્થળે લાગણીઓના તાણાવાણામાં ગૂંચવાઈ જતા નહીં.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમને જો જરાક નિરાશા જેવું લાગતું હોય તો પોતાના માટે સફળતા અને સુખી જિંદગીની વ્યાખ્યા નવેસરથી નક્કી કરવી જરૂરી છે. આ રીતે તમે પોતાના માટે યોગ્ય સંતુલન પ્રાપ્ત કરી શકશો.
કારકિર્દી વિશે સલાહ : તમને રાબેતા મુજબના કામ કરતાં વધુ કામ કરવાનું કહેવામાં આવી શકે છે. બૉસ અને ઉપરીઓ જોડે મુત્સદ્દીભરી રીતે વર્તવું.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
ઑનલાઇન કે અન્ય પેમેન્ટ વખતે સાવધ રહો. ભૂતકાળમાંથી બોધપાઠ લેવાનું મહત્ત્વનું છે. જોકે એટલું જ મહત્ત્વનું ભૂતકાળને ભૂલી જવાનું પણ છે.
કારકિર્દી વિશે સલાહ : નવું કૌશલ્ય શીખવાની અથવા તો નવો દૃષ્ટિકોણ અપનાવવાની તૈયારી રાખવી. તમારા મન પર બોજ બનનારા સહકર્મીઓ અને ક્લાયન્ટ્સને મન પર હાવી થવા દેવા નહીં.