પ્રશ્નો ઊભા કરનારનું કોઈ મૂલ્ય રહેતું નથી

13 March, 2023 06:26 PM IST  |  Mumbai | Swami Satchidananda

બૂમબરાડા પાડવાથી કે નારા બોલાવાથી કે ધર્મની દુહાઈ આપવાથી કશો પ્રશ્ન ઉકેલાવાનો નથી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ગયા સોમવારે તમને કહ્યું એમ, એક બળદ પાછળ સરેરાશ ૨૦૦ રૂપિયા પ્રતિદિન ખર્ચ થાય, એની પાછળ એક માણસને રોકી રાખવો પડે અને એની પાસેથી ખેતીનું કામ લેવામાં સમય પણ લાગે અને છતાં ટ્રૅક્ટર જેવી એ ખેડ કરી શકે નહીં. વાત અહીં જ પૂરી નથી થતી, વાત અહીંથી આગળ વધે છે અને બીજો પણ એક પ્રશ્ન અહીં ઊભો થયો છે. 

ટ્રૅક્ટરથી ખેડૂતોને જે સગવડ ઊભી થઈ છે, જે લાભ થયો છે અને ટ્રૅક્ટરે જે ફાયદો કરાવ્યો છે એ બળદથી શક્ય નથી એટલે એ કારણસર પણ જીવનમાંથી અને ગામોમાંથી આપોઆપ જ બળદોની સંખ્યા તદ્દન ઘટી ગઈ છે. આ તો વર્તમાનની વાત થઈ. આવતા સમયમાં એટલે કે ભવિષ્યમાં તો હજી વધુ ઘટવાની છે. લાખ ઉપદેશો આપીને કે પછી સમજાવટ કરવાથી પણ કોઈ ફરક નથી પડવાનો અને બળદ આધારિત ખેતી કે પછી બળદ પ્રસ્થાપના થકી ગોઠવાતું જીવન ફરી અમલમાં મૂકી શકાવાનું નથી. તમે જ કહો, બળદગાડામાં બેસવા માટે હવે કોણ રાજી થવાનું, કોણ બળદગાડા થકી માલસામાનની હેરફેર કરવાનું? એ સંભવ નથી અને એ સંભવ નથી એટલે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ બધાનું કરશો શું? કેવી રીતે આ પ્રશ્ન ઉકેલાશે? બૂમબરાડા પાડવાથી કે નારા બોલાવાથી કે ધર્મની દુહાઈ આપવાથી કશો પ્રશ્ન ઉકેલાવાનો નથી. ઊલટાનો પ્રશ્ન ગૂંચવાવાનો છે અને ગૂંચવાયેલા પ્રશ્ન પછી એક જ સવાલ બહાર આવવાનો છે, શું કરશો?    

બળદની જેમ, બીજાં પણ કેટલાંયે પાલતુ પશુઓ છે, જેની ઉપયોગિતા ઘટી ગઈ છે. જો તેમની સંખ્યાનો ઉકેલ કાઢવામાં નહીં આવે તો રાષ્ટ્ર દુખી-દુખી થઈ જશે અને એને કારણે રાષ્ટ્ર પર ભારણ પણ બહુ મોટું વધશે. રાષ્ટ્ર પર વધનારું આ ભારણ ખરા અર્થમાં રાષ્ટ્રને જ નહીં, પણ જેની અનિવાર્યતા છે એ પશુઓના પક્ષે પણ તકલીફો લાવનારી બનશે. મારું કહેવું એ છે કે માત્ર જીવ અહિંસાના નામે ભાગતા રહેવાથી કે પછી જીવ અહિંસાના નામે બોલબોલ કરવાથી કશું વળવાનું નથી. બહેતર છે કે કાં તો તમે પરિસ્થિતિનો સ્વીકાર કરો અને કાં તો તમે કોઈ હલ લઈને આવો.

જો તમે માત્ર પ્રશ્નની જ વાત કરવાના હો તો તમારી કોઈ આવશ્યકતા રહેતી નથી. જરૂરી છે નિરાકરણની અને નિરાકરણ પણ એવું હોય જેમાં અહિંસાને સાચા અર્થમાં પાળી પણ શકાય.

હિંસાત્મક માનસિકતાને જીવનમાં સ્થાન ન જ મળવું જોઈએ, પણ અહિંસા સિવાય કશું નહીં એવું વિચારનારાઓએ પણ હવે વિચારોની, માનસિકતાની દિશા બદલાવવાનો સમય આવી ગયો છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists life and style astrology swami sachchidananda