ખોટો ઇતિહાસ શીખવવો એ રાષ્ટ્રદ્રોહ સમાન કાર્ય

22 May, 2023 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મગુરુઓ પણ જરૂર પડે ત્યારે દબાયેલી જબાનમાં કહી દે છે કે આ બધું ઇસ્લામ વિરુદ્ધ છે અને અમારો એમાં જરાય હાથ નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મુસલમાનોમાં મુખ્યત્વે બે ધારા કામ કરી રહી છે. 
 
એક કહે છે કે આ બધું ઇસ્લામની વિરુદ્ધ છે, આવું ઇસ્લામમાં છે જ નહીં તો બીજા એને જેહાદ એટલે કે ધર્મયુદ્ધ કહીને પોતાનું કર્તવ્ય ગણાવે છે. પ્રથમ વર્ગ ભલે ગમે એ કહે, પણ ખુલ્લેખુલ્લા એ મોટા પ્રમાણમાં આવો મત આપતો નથી અથવા આપી શકતો નથી. ધર્મગુરુઓ પણ જરૂર પડે ત્યારે દબાયેલી જબાનમાં કહી દે છે કે આ બધું ઇસ્લામ વિરુદ્ધ છે અને અમારો એમાં જરાય હાથ નથી, પણ આતંકવાદીઓને પકડાવવામાં કે તેમનો નાશ કરાવવામાં તેઓ કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવતા દેખાતા નથી. 
 
કેટલીક વાર તો આવા આતંકવાદીઓને તેઓ હીરો માની લેતા સ્પષ્ટ દેખાય છે અને સાથોસાથ તેઓ આવા લોકોને પોતાની કોમના બીજા લોકો સામે પણ હીરો તરીકે મૂકે છે. તમે જુઓ, એક સમય હતો કે ઓસામા બિન લાદેનને ઘણા કટ્ટરવાદી મુસલમાનો હીરો માનતા થયા હતા તો આજે પણ પાકિસ્તાનમાં અનેક એવા લોકો છે જેઓ ખરેખર આતંકવાદી છે. એમ છતાં તેમને હીરો માનીને તેમની આગળ-પાછળ ચાટુગીરી કરનારાઓનો તોટો નથી. પાકિસ્તાનને ભૂલીને આપણે અહીં આવી જઈએ તો તમારે અબ્દુલ લતીફને યાદ કરવો પડે. લતીફ જેવા ડૉનને અમદાવાદમાંથી પાંચ સીટ પર જિતાડવામાં આવ્યો હતો અને મુંબઈના બૉમ્બબ્લાસ્ટના આરોપીઓને ચૂંટણીમાં ઊભા રાખવાની વાત પણ એક સમયે થઈ હતી. દાઉદ ઇબ્રાહિમને આજે પણ ‘ભાઈ’ કહીને સંબોધનારાઓનો તોટો નથી અને તેઓ જ્યારે આ સંબોધન કરે છે ત્યારે ગદગદ થઈ ગયા હોવાનું પણ સ્પષ્ટ દેખાતું હોય છે. તમે જ કહો, આ બધું શું સૂચવે છે? 

આ વાત કહેતી વખતે એ પણ સ્વીકારવું જ રહ્યું કે કેટલાક સાચા-નેક-ટેકવાળા લોકો પણ હશે જ, પણ તેમની સંખ્યા કેટલી અને તેમનો પ્રભાવ કેટલો? એવાં કયાં-કયાં ધાર્મિક કારણો છે કે લોકો આવી રીતે વિચારતા થઈ જાય છે? માત્ર જિન્નાહસાહેબની ચડવણીથી જ પાકિસ્તાન થયું હતું એવું માની લેવું આત્મવંચના માત્ર છે, પણ એવું હતું કે નહીં એ દર્શાવનારાઓ પણ હોવા જોઈશે. ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવો અને ખોટી રીતે રજૂ કરાયેલો ઇતિહાસ સૌકોઈને ભણાવવો કે પછી મગજમાં એ ભરાવવો એ મારે મન રાષ્ટ્રદ્રોહથી જરા પણ ઓછું નથી અને આ કામ આ દેશમાં થયું છે. સરદારને કેવી રીતે વેતરી નાખવા અને નેહરુને કઈ રીતે મોટા કરવા એ કામ ઇતિહાસકારોએ કર્યું અને લગભગ ૬૦ વર્ષ સુધી એ મુજબ સૌકોઈને કહેવામાં પણ આવ્યું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists astrology swami sachchidananda life and style