અહિંસાના નામે બ્રશ કે દાતણ બંધ કરીએ તો?

27 December, 2022 06:11 PM IST  |  Mumbai | Swami Satchidananda

ખુલ્લી આંખે માણસે પોતાને જોયો છે ત્યારે તેને સમજાયું જ છે કે પોતાનો દંભ કેવો વિકરાળ અને મહાકાય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

માનો કે કોઈને ખસ, ખૂજલી, દરાજ જેવો ચામડીનો રોગ થયો છે. જંતુનાશ કર્યા વિના એ રોગ મટી શકે નહીં. કેટલાક લોકો એવું માને છે કે આ બધાં જંતુઓ ગયા જન્મના લેણિયાત છે, એટલે લેણું લેવા આવ્યાં છે, માટે લેણું વસૂલ કરી લેવા દો. જો દવા કરીને તેમને મારી નાખવામાં આવશે તો તેમનું લેણું બાકી રહી જશે તો ફરી પાછો જન્મ લેવો પડશે અને ફરીથી આવી ખૂજલી-દાદર વગેરે થશે અને લેણું ચૂકવાશે. એના કરતાં અત્યારે જ લેણું વસૂલ કરી લેવા દો. આવી ધારણા સાચી નથી. 

પેલાં જંતુઓ કોઈ જન્મનાં લેણિયાત નથી, ખરેખર તો તેમનામાં આત્મા જ નથી, તેઓ ચેપ લાગવાથી કે ગંદકીથી થયાં છે, વધ્યાં છે અને તેમનો નાશ કરવાથી કશું પાપ લાગવાનું નથી. જો આવી રીતે પાપ માનવામાં આવે તો પ્રત્યેક ડૉક્ટર જીવનમાં કરોડો જંતુઓનો નાશ કરે છે, તે મહાપાપી કહેવાય, પણ આ વાત યોગ્ય નથી. અનેક પ્રકારના રોગો અનેક પ્રકારનાં જંતુઓથી થતા હોય છે, દવા વગેરે દ્વારા એમનો નાશ કરો તો જ આરોગ્ય પ્રાપ્ત થાય. એટલે દવા કરાવવી જરૂરી છે.

પૂર્વે આપણે જોયું કે સૂક્ષ્મ જંતુઓ-બૅક્ટેરિયાને સદંતર બચાવી શકાતાં નથી. હઠપૂર્વક તેમને બચાવવા જતાં ઘણા દોષ આવે છે. માનો કે હવાનાં જંતુઓ કે મોઢાનાં જંતુઓને બચાવવા માટે મોઢે પટ્ટી બાંધવામાં આવે તો ગંદકી વધી જશે. થૂંક વગેરે પટ્ટીમાં ભેગું થઈને વધુ જંતુઓ અને વધુ ગંદકી ઉત્પન્ન કરે છે. માનો કે દાતણ કે બ્રશ કરવાથી મોઢાનાં જંતુઓ મરી જતાં હોય તો એને બચાવવા દાતણ કે બ્રશ બંધ કરવાથી મોઢું ગંધાતું રહેશે. બૅક્ટેરિયા વધી જશે અને દાંત-મોઢાના રોગ થશે, એટલું જ નહીં, જેની સાથે વાત કરશો તેને દુર્ગંધ આવશે અને પીળા દાંત અને ઊલવાળી જીભ જુગુપ્સા પેદા કરશે. આટલું કર્યા પછી પણ જંતુઓ તો મરવાનાં જ છે. તેમનું જીવન જ અલ્પ છે. ઊલટાનું ગંધાતા મોઢામાં વધુ ને વધુ જીવાણુઓ ઉત્પન્ન થતાં જશે, જે અન્ન-જળ વગેરેની સાથે પેટમાં પણ જશે. પાણીનાં જંતુઓનો નાશ થતો અટકાવવા માનો કે કોઈ સ્નાન વગેરે બંધ કરી દે તો એથી પણ શરીર અસ્વચ્છ રહેશે, વસ્ત્રો અસ્વચ્છ રહેશે, આખું વાતાવરણ ગંધાતું થઈ જશે, લોકો દૂર ભાગશે. અસ્વચ્છતા કોઈને પણ ગમતી નથી. ઉપરથી, અસ્વચ્છ શરીર અને વસ્ત્રોમાં વધુ જંતુઓ પડશે અને મરશે. હિંસા ન કરવાનો કે ન થવા દેવાનો હેતુ સિદ્ધ નહીં થાય.

સ્વચ્છ અને ચોખ્ખો, સાફસૂથરો માણસ જ લોકોને ગમે છે. ગંધાતો ગોબરો માણસ કોઈને ગમતો નથી.

columnists astrology swami sachchidananda