જન્મના મંગળને ચંદન, કેસર અને લવિંગ મજબૂત બનાવે

03 May, 2026 01:37 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં હો કે પછી પૉલિટિક્સમાં આગળ વધવા માગતા હો તો જન્મના મંગળને શક્ય હોય એટલો વધારે પાવરફુલ બનાવવો જોઈએ

ચંદન, કેસર અને લવિંગ

જમીનના ક્ષેત્ર એટલે કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોથી લઈને પૉલિટિકલ ફીલ્ડ કે પછી સેના કે પોલીસ ડિપાર્ટમેન્ટ જેવા ઍડ્વેન્ચર ફીલ્ડ સાથે જોડાયેલા કે જોડાવા માગતા હોય તેમણે પોતાના મંગળને વધારે ને વધારે મજબૂત કરતા રહેવું જોઈએ. મંગળને મજબૂત કરવાના અનેક રસ્તા છે, પણ ખુશ્બૂ દ્વારા મંગળને પ્રબળ બનાવવાનો રસ્તો સૌથી સરળ છે. આ માર્ગથી કોઈ પણ વ્યક્તિ પોતાના મંગળને વધારે સારો, વધારે મજબૂત અને ફેવરેબલ બનાવી શકે છે.

મંગળને કઈ સુગંધ વધારે મજબૂત બનાવે છે એ જોઈએ.

ચંદન અને મંગળ

મંગળ શક્તિ અને શૌર્યનું પ્રતીક છે. એવું માનવું જરૂરી નથી કે વાત અહીં માત્ર શારીરિક બહાદુરીની ચાલે છે. મનથી મક્કમ હોવું અને અડગ રહીને એકલવીરની જેમ આગળ વધવું એ પણ શક્તિ અને શૌર્યની નિશાની જ છે.

જન્મના ગ્રહોમાં જે વ્યક્તિનો મંગળ નબળો હોય તેને નાની-નાની વાતે અન્ય સાથે મતભેદ ઊભા થતા રહે છે તો સાથોસાથ સામાજિક કે આર્થિક ભાગીદારોની સાથે પણ અણબનાવ બનવાની ઘટના બનતી રહે છે. નબળા મંગળના કારકને ઘરનું ઘર બનાવવામાં પણ પારાવાર તકલીફ પડી શકે છે તો સાથોસાથ ઉચ્ચ હોદ્દા પર પણ પહોંચવામાં પણ તેને પરસેવો પડી જાય છે. આવા સમયે મંગળને મંગલાકારી બનાવવા માટે જો નિયમિત ઘરે કે ઑફિસમાં લાલ ચંદનનો ધૂપ કરવામાં આવે તો એ હિતકારી પુરવાર થાય છે.

લાલ ચંદન અને મંગળ વચ્ચે સીધો સંબંધ છે, પણ કમનસીબે ચંદનના અત્તરમાં એ ભરોસો હોતો નથી કે એ લાલ ચંદનમાંથી મેળવવામાં આવ્યું છે કે સફેદ ચંદનમાંથી. એટલે લાલ ચંદનનો પાઉડર જો ધૂપમાં વાપરવામાં આવે તો વિશ્વસનીયતા અકબંધ રહે છે. યાદ રહે કે લાલ ચંદનનો ધૂપ ઘેરા કથ્થઈ રંગનો હોય છે, જ્યારે સફેદ ચંદનનો ધૂપ ક્રીમથી લઈને ઑફ-વાઇટ સુધીના શેડ્સમાં હોય છે.

ધૂપ ઉપરાંત જો નિયમિત લાલ ચંદનનું અત્તર રોજ લગાવવામાં આવે તો પણ એ લાભદાયી પુરવાર થાય છે. અગત્યની મીટિંગ સમયે તો ચોક્કસપણે આ અત્તરનો પ્રયોગ કરવો જોઈએ તો કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા કે પછી રાજનીતિ સાથે સંકળાયેલા લોકોએ મીટિંગમાં જતાં પહેલાં જો શક્ય હોય તો લાલ ચંદનનો એક નાનકડો ટુકડો પોકેટમાં રાખવો જોઈએ. તેમનાં અટકેલાં તમામ કામો પૂરાં કરવાની ક્ષમતા લાલ ચંદનમાં છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે ધારો કે લાલ ચંદન ન મળે તો પણ જે ઇચ્છતું હોય કે તેમણે આ દિશામાં આગળ વધવું છે એ ચંદન સાથે પણ આગળ વધવાનું શરૂ કરી શકે છે. આપણે ત્યાં ઘડાયેલી ગુજરાતી કહેવત ‘ન મામા કરતાં કાણો મામો શું ખોટો?’ આવી જ કોઈ બાબતો પરથી ઘડાઈ હશે.

ધૂપ અને અત્તર ઉપરાંત નિયમિત ધોરણે ઘર/ઑફિસમાં ચંદનની અગરબત્તી કરવી જોઈએ. સૅન્ડલવુડ ફ્રૅગ્રન્સના ઍર-ફ્રેશનરનો નિયમિત વપરાશ પણ લાભદાયી પુરવાર થઈ શકે છે. અરોમા થેરપી વ્યક્તિના કૉન્ફિડન્સ પર કામ કરે છે. જે ખુશ્બૂ તમને ખુશ રાખે એ ખુશ્બૂ તમારામાં આત્મવિશ્વાસ વધારવાનું કામ કરે જ કરે. ચંદનની ખુશ્બૂને કારણે નબળો મંગળ ધરાવતા કે પછી મંગળકારક કાર્યમાં આગળ વધવા માગતા લોકોમાં આત્મવિશ્વાસનું સિંચન થાય છે.

જાતે ઘસીને ચંદનનું દ્રાવણ બનાવીને રોજ સવારે એનું તિલક કરવાથી આજ્ઞાચક્ર વધારે સતેજ બને છે અને સાથે કામ કરનારા કે પછી સિનિયર પર એની સીધી અસર ઊભી થાય છે, પણ કહ્યું એમ બજારમાંથી ચંદન પાઉડર લાવવાને બદલે ચંદનના ટુકડાને જાતે પથ્થર પર ઘસીને એનું દ્રાવણ બનાવવાનું કામ કરવું. આવું કરવા પાછળ એક નહીં અનેક કારણો છે, પણ મહત્ત્વનું કારણ એ છે કે ચંદન સાથે સીધો સંપર્ક લાંબો સમય સુધી રહે છે અને ઘર્ષણ દરમ્યાન ચંદન સતત હાથમાં રહે છે.

કેસર અને કસ્તુરી

 કેસરની સુગંધ મંગળ અને ગુરુ બન્નેને પ્રભાવિત કરે છે. મંગળને બળવાન બનાવવા માટે કેસરનું તિલક અથવા એની સુગંધનો પ્રયોગ ખૂબ જ શુભ ગણાય છે તો સાથોસાથ એ ગુરુને પણ વધારે પ્રબળ બનાવે છે જેને લીધે કેસરનું તિલક કરનારાઓને મંગળનું શૌર્ય મળે છે, પણ સાથોસાથ એમાં ગુરુનું બુદ્ધિચાતુર્ય ઉમેરાય છે એટલે ખોટો નિર્ણય કે ખોટો પક્ષ લેવાનું ટાળવું સહજ બની જાય છે.

કસ્તુરી એટલે કે મસ્ક પણ મંગળને વધારે મજબૂત બનાવે છે અને આત્મવિશ્વાસ વધારે છે. કસ્તુરી ઉપરાંત લવિંગની ખુશ્બૂ પણ મંગળને તેજ બનાવે છે. પણ હા, લવિંગને પરફ્યુમ તરીકે વાપરવું થોડું અઘરું છે. લવિંગની તેજ અને આકરી સુગંધ શરીર પર રોજેરોજ લેવી ગમે નહીં તો દર મંગળવારે ઘર અને ઑફિસમાં લવિંગનો ધૂપ આપવો જોઈએ. ઘરમાં કરાયેલા ધૂપમાં મેળવવામાં આવેલા લવિંગની ખુશ્બૂથી પણ ચોક્કસપણે વ્યક્તિના મંગળને પણ લાભ થતો હોય છે.

astrologer astrology lifestyle news columnists life and style gujarati mid day