Navratri 2020: નવ દિવસ માતાજીના આ સ્વરૂપની કરજો પૂજા અને ચઢાવજો આ ભોગ

17 October, 2020 05:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navratri 2020: નવ દિવસ માતાજીના આ સ્વરૂપની કરજો પૂજા અને ચઢાવજો આ ભોગ

પ્રતીકાત્મક તસવીર

શનિવાર તારીખ 17 ઓક્ટોબરથી આસો નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. દરેક દિવસ માતા દુર્ગાનાં એક રૂપને સમર્પિત હોય છે અને આ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા તેમની પૂજા કરાય છે. શ્રદ્ધાળુઓ નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન ઉપવાસ રાખે છે અને માતા દુર્ગાનાં અનેક સ્વરૂપોને જુદી-જુદી ખાદ્ય સામગ્રી ચઢાવવામાં આવે છે. આ નવ દિવસોનો એક-એક દિવસ શ્રદ્ધાળુ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ સાથે જ જો આ દિવસોમાં માતાજીને તેમના સ્વરૂપ અનુસાર ભોગ ચઢાવવામાં આવે તો અનેક ગણું ફળ મળે છે. તો જાણો કયા દિવસે કયો ભોગ ચઢાવવાથી લાભ થશે અને માતાજી પણ પ્રસન્ન થશે.

પ્રથમ દિવસ

નવરાત્રિનો પ્રથમ દિવસ દુર્ગા માતાનાં પ્રથમ અવતારને સમર્પિત હોય છે. આ દિવસે શૈલપુત્રી માતાને શ્રદ્ધાળુઓ પૂજે છે. આ અવતારમાં એક બાળકી અને પહાડની ‘પુત્રી' તરીકે પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ માતાને ઘી ચડાવે છે.

બીજો દિવસ

બીજા દિવસે દુર્ગાનાં બ્રહ્મચારિણી રૂપની પૂજા થાય છે. દ્વિતીયા એટલે કે બીજા દિવસે શ્રદ્ધાળુઓ માતાને ખાંડનો ભોગ ધરાવે છે.

ત્રીજો દિવસ

તૃતીયા એટલે ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત હોય છે. એવું મનાય છે કે, દેવીના આ રૂપની પૂજા કરવાથી આપનાં તમામ કષ્ટ મટી જાય છે અને આપની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ દેવીને દૂધ અથવા ખીરનો ભોગ ચડાવે છે.

ચોથો દિવસ

ચોથો દિવસ એટલે ચતુર્દશી દેવી કૂષ્માંડાને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે, દેવીનાં આ રૂપની પૂજા કરવાથી અને ઉપવાસ કરવાથી શ્રદ્ધાળુઓનાં તમામ કષ્ટો અને રોગો દૂર થાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ માતા કૂષ્માંડાને માલપુઆનો ભોગ ધરે છે.

પાંચમો દિવસ

પંચમી એટલે પાંચમો દિવસ સ્કંદમાતા દેવીને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે, દેવીનાં આ રૂપની પૂજા કરવાથી શ્રદ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પંચમીનાં દિવસે દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.

છઠ્ઠો દિવસ

ષષ્ઠી એટલે છઠા દિવસે દેવી કાત્યાયિનીની પૂજા થાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ દેવીને ખુશ કરવા માટે મધનો ભોગ ધરાવે છે.

સાતમો દિવસ

સપ્તમી એટલે સાતમો દિવસ દેવી કાળરાત્રિને સમર્પિત હોય છે. આ અવતારમાં દેવી પોતાનાં શ્રદ્ધાળુઓને કોઈપણ બુરાઈથી બચાવે છે અને ખુશીઓ આપે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ  દેવીને ગોળનો ભોગ ચડાવવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસે બ્રાહ્મણોને દક્ષિણા પણ આપે છે.

આઠમો દિવસ

અષ્ટમી એટલે આઠમો દિવસ દેવી મહાગૌરીને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે દેવીનાં આ રૂપની પૂજા કરવાથી શ્રદ્ધાળુઓનાં તમામ પાપ નષ્ટ થઈ જાય છે. દેવીને લીલા રંગની સાડી પહેરાવવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ દેવીને નાળિયેર ચડાવે છે.

નવમો દિવસ

નવમો દિવસ એટલે નવમી દેવી સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે. દેવીનાં આ રૂપની પૂજા કરવાથી શ્રદ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ દેવીને તલનો ભોગ ચઢાવે છે.

astrology navratri