લાઈફ કા ફન્ડા- હેતા ભૂષણ

07 October, 2019 01:15 PM IST  |  મુંબઈ | હેતા ભૂષણ

લાઈફ કા ફન્ડા- હેતા ભૂષણ

લાખો વર્ષ પહેલાં શ્રીહરિનો એક ભક્ત હતો. તે નિત્ય ભજન-કીર્તન કરતો. તેના મનના ભાવ એટલા શુદ્ધ હતા, શબ્દો અને સૂરમાં એટલી ભક્તિ છલકાતી કે શ્રીહરિ પોતે રોજ તેનાં ભજન- કીર્તન સાંભળવા આવતા. એક દિવસ ભક્તને સપનું આવ્યું. સપનામાં ભગવાન કૃષ્ણના દુખતા પગ દબાવતાં-દબાવતાં ભક્તને ફરિયાદ કરવા લાગ્યા કે ‘તું રોજ મારાં ભજન-કીર્તન કરે છે અને રોજ હું એ સાંભળવા આવું છું, પણ ત્યાં મારા બેસવાનું કોઈ આસન નથી હોતું એટલે મારે ઊભા- ઊભા જ ભજન સાંભળવા પડે છે અને એટલે રોજ મારા પગ દુખે છે. હવે કાલે તું મને યોગ્ય આસન આપજે જેના પર બેસીને હું ભજન સાંભળી શકું.’
ભક્ત મૂંઝવણમાં પડ્યો. બેઘડી કંઈક વિચાર્યા બાદ તે બોલ્યો, ‘વાહ પ્રભુ, તમે મારાં ભજન રોજ સાંભળવા આવો છો એ જાણી હું ધન્ય થઈ ગયો, પણ ભજન તમારે ઊભા-ઊભા સાંભળવા પડે છે અને એટલે તમારા પગ દુખે છે. હું તમારી પીડાનું કારણ બન્યો. મારાથી ભક્તિ કરતાં પણ પાપ થઈ ગયું. હવે શું કરું? તમને સુવર્ણ સિંહાસન પર બેસાડવા જોઈએ, પણ એટલું મારું સામર્થ્ય નથી અને તમને થોડું નીચે જમીન પર બેસવાનું કહી શકાય... હવે હું શું કરું?’ આટલું બોલતાં ભક્તની આંખમાં આંસુ આવી ગયાં.
પ્રભુ ભક્તની દુવિધા પર મંદ-મંદ મુસ્કુરાતા હતા ત્યાં લક્ષ્મીજી આવ્યાં અને ભક્તને કહેવા લાગ્યાં, ‘વત્સ, પ્રભુને કહે કે બધાં આસન તમને આપવાયોગ્ય નથી, મારી પાસે એક જ આસન છે જે તમને હું આપી શકું અને એ છે મારું હૃદયકમળ. બસ, જ્યારે-જ્યારે હું ભજન ગાઉં ત્યારે-ત્યારે તમે મારા હૃદયમાં બિરાજજો.’
ભક્તે લક્ષ્મીજીએ શીખવ્યું હતું એ પ્રમાણે શ્રીહરિને કહ્યું, ‘પ્રભુ, આપ મારા હૃદયમાં બિરાજજો.’ ભગવાન કૃષ્ણ બોલ્યા, ‘ભક્ત, આજથી હું તને વચન આપું છું કે જ્યારે-જ્યારે તું મારાં ભજન ગાઈશ ત્યારે-ત્યારે હું તારા હૃદયમાં આવીને બિરાજીશ પણ એક શરત છે, તને જેણે આ શીખવ્યું તેમને કહેજે કે તેમણે મારી પહેલાં તારા હૃદયમાં હાજર રહી મારું સ્વાગત કરવું પડશે.’
લક્ષ્મીજી પ્રગટ થયાં અને બોલ્યા, ‘પ્રભુ, આપ ભોળા ભક્તની કસોટી કરી રહ્યા હતા એટલે મારે તેની મદદ કરવી પડી અને હા, હું વચન આપું છું જ્યારે-જ્યારે ભક્ત તમારાં ભજન ગાશે ત્યારે-ત્યારે આપની પહેલાં તેના હૃદયમાં આપને આસન આપવા હું હાજર રહીશ.’
બસ, ત્યારથી ભગવાન શ્રીહરિ પ્રેમભાવથી હરિકીર્તન કરતા ભક્તોના હૃદયમાં બિરાજમાન રહે છે અને જ્યાં-જ્યાં હરિભજન થાય છે ત્યાં-ત્યાં મા લક્ષ્મીજી સદા હાજર રહે છે.

astrology life and style