જ્યાં સુધી અભાવ છે ત્યાં સુધી જીવન અપૂર્ણ

31 May, 2023 05:53 PM IST  |  Mumbai | Morari Bapu

માણસ રસિક હોવો જોઈએ, કારણ કે રસ જીવન માટે બહુ જરૂરી છે. રસ હોય તો જ માણસ ટકી શકે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આપણે વાત કરીએ છીએ જીવનની. જીવન કોને કહેવાય? આ સવાલના જવાબમાં પાંચ જવાબ મળે છે. આ પાંચમાંથી પહેલા નંબરે આવે છે, અભાવ ન હોય.

જીવન એને કહેવાય જેમાં કોઈ પણ પ્રકારનો અભાવ ન રહે. જ્યાં સુધી કોઈ ને કોઈ અભાવ છે ત્યાં સુધી જીવન પૂર્ણ નથી. જ્યાં સુધી અપેક્ષાઓ છે ત્યાં સુધી અભાવ રહેવાનો જ. ભૌતિક પદાર્થોથી ઓડકાર ન આવે, કૃતકૃત્ય ન થવાય. જન્મ અને મૃત્યુની યાત્રા વચ્ચેના સમયમાં જ્યારે અભાવ ન રહે ત્યારે જીવન પૂર્ણ બને અને આ માટે મારે આ જગતમાં કશું જ નથી જોઈતું એવો સંકલ્પ જરૂરી છે.

બીજા નંબરે આવે છે, પરાધીનતા ન હોય એનું નામ જીવન. તુલસી લખે છે – પરાધીન સપને સુખ નાહિ. પરાધીનતા જીવનનો પરિચય નથી. જ્યાં પરાધીનતા ન હોય ત્યાં જીવન પૂર્ણ મળે. કોઈ સદ્ગુરુના આશ્રમમાં રહીએ એ તો એક વિશિષ્ટ પ્રકારની સ્વતંત્રતા છે. સદ્ગુરુનો આશ્રય એ પરાધીનતા નથી, પણ વિશિષ્ટ આશ્રય છે. માના ખોળામાં રમતું બાળક પરાધીન છે, પણ એ અભયતાનું સૂચક છે. જે જીવમાં પરાધીનતા છે એ જીવનો મૂળ સ્વભાવ સ્વતંત્ર રહેવાનો છે. તો પછી એને ધર્માન્તર શું કામ કરાવીએ છીએ આપણે?

અતિ પરવશ જીવ સ્વવશ ભગવંતા.

શેરડીના સાંઠામાં જે રસ હોય એ એની કાતરીમાં પણ હોય છે. મરચામાં જે તીખાશ છે એ એના નાનકડા ટુકડામાં પણ હોવાની જ. એ હિસાબે ઈશ્વરના અંશ હોવાને નાતે આપણો સ્વભાવ સ્વવશ હોવો જોઈએ, પણ ‘માયાવશ જીવ અભિમાની’ - માયાને લીધે પરવશ થયો. જ્યાં અભાવોનું સમાપન થાય અને પરાધીનતા ન રહે એ જ જીવનનો પરિચય!
નિરંતર ચૈતન્ય વહે. હા, જ્યાં નિરંતર અને અવિરત ચૈતન્ય વહે એ જીવન. જે જીવનમાં મૂર્છા નથી, નિરંતર ચૈતન્યનો અગ્નિ પ્રજ્વલિત છે એનું નામ જીવન. મૂર્છા એ જીવન નથી. ચૈતન્ય જાગૃત છે, જ્યાં નિરંતર સમજાગૃત છે. એ જ જીવન.

જીવન એટલે જ્યાં રસિકતા હિલોળા લે.

જેમાં નીરસતા ન હોય એનું નામ જીવન. માણસ રસિક હોવો જોઈએ, કારણ કે રસ જીવન માટે બહુ જરૂરી છે. રસ હોય તો જ માણસ ટકી શકે. એક વખત રસ ઊડી જાય પછી જીવન જીવવા જેવું રહેતું નથી. ભોગ રસમાં ઘટાડો થાય; પણ શાંત રસમાં સામર્થ્ય છે, શક્તિ છે. ભાવ રસ અખંડ હોય, પણ અનંત ન હોય એનો અંત આવે જ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists astrology Morari Bapu life and style