માન્યતા તોડતા મંદિરઃઅહીં સ્ત્રી સ્વરૂપે બિરાજે છે હનુમાન

26 December, 2018 08:09 PM IST  | 

માન્યતા તોડતા મંદિરઃઅહીં સ્ત્રી સ્વરૂપે બિરાજે છે હનુમાન

સ્ત્રી સ્વરૂપે છે હનુમાનજીની મૂર્તિ

આપણી પરંપરા પ્રમાણે સ્ત્રીઓ ભગવાન હનુમાનની પ્રતિમાને નથી અડી શક્તી. ભગવાન હનુમાન બાલ બ્રહ્મચારી હતા અને મહિલાઓથી દૂર રહેતા હતા, એટલે આ માન્યતા પ્રવર્તે છે. ભારતમાં ભગવાન હનુમાનના સંખ્યાબંધ મંદિરો છે, જેમાં તેમના જુદા જુદા રૂપના દર્શન થાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં ભગવાન હનુમાનનું એક એવું પણ મંદિર છે, જ્યાં તેમની પૂજા મહિલા સ્વરૂપે થાય છે.

જી હાં, આ મંદિર આવેલુ છે મધ્યપ્રદેશના ઓરછા નજીક આવેલા રતનપુર ગામમાં. અહીં હનુમાનજીનું સ્વરૂપ મહિલાઓ જેવું છે. કહેવાય છે કે આખા વિશ્વમાં હનુમાનનું આવું બીજું એક પણ મંદિર નથી.

શું છે કથા ?


આમ તો ઘણા ધાર્મિક પુસ્તકોમાં એ વાતનો ઉલ્લેખ છે કે હનુમાનજી સ્ત્રી સ્વરૂપે પણ પૂજાય છે. પરંતુ આ અનોખુ મંદિર પુરાણોમાં લખેલી વાત સાબિત કરે છે. જો કે આ મંદિરની પાછળ પણ કથા છે. હકીકતમાં આ મંદિર બિલાસપુરના રાજા પૃથ્વીદેવજુએ કરાવ્યું હતું.

લોકકથા પ્રમાણે બિલાસપુરના રાજાને કોઢ હતો. એટલે ન તો તે કોઈને અડી શક્તો હતો, ન તો પોતાની વાસનાતૃપ્તિ કરી શક્તો હતો. જો કે આ રાજા હનુમાનજીનો ભક્ત હતો. કોઢથી પરેશાન રાજાને હંમેશા સુંદર મહિલાઓના સ્વપ્ન આવતા હતા. પરંતુ જીવનમાં ન તો તે લગ્ન કરી શક્તો હતો, ન તો મહિલાઓને અડી શક્તો હતો. એક દિવસ સપનામાં તેને એક મહિલા દેખાઈ. આ મહિલા દેખાવમાં તો સ્ત્રી જેવી જ હતી, પરંતુ તેનું સ્વરૂપ ભગવાન હનુમાન જેવું હતું.

કથા પ્રમાણે રાજાને સ્વપ્નમાં હનુમાનજી જેવી દેખાતી મહિલા આવી, અને પોતાનું મંદિર બનાવવાની વાત કરી. સાથે જ આ મહિલાએ મંદિરની પાછળ તળાવ બાંધવાની પણ વાત કરી. સાથે જ રાજાને કહ્યું કે આ તળાવમાં નહાતા જ તેનો રોગ દૂર થઈ જશે.

બીજા દિવસે રાજાએ પોતે સપનામાં જોયેલી સ્ત્રી જેવી જ પ્રતિમા બનાવવા આદેશ આપ્યો. સાથે જ એક મંદિર અને તળાવનું નિર્માણ પણ કરાવ્યું. અને વિધિવિધાનથી હનુમાનજીની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરાવી. એ દિવસથી આ મંદિરમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પૂજા થાય છે.

 આ મંદિરની ખાસિયત છે કે અહીં ભગવાન હનુમાનજીની પ્રતિમાનો શ્રૃંગાર મહિલાઓ જેવો જ કરવામાં આવે છે. તેમને મહિલાઓી જેમ જ ઘરેણાં ચડાવવામાં આવે છે. એટલે સુધી કે હનુમાનજીની પ્રતિમાને નથણી પણ પહેરાવાઈ છે.

ભગવાન રામ કરે છે રાજ

હનુમાનજીના આ અનોખા મંદિરની પાસે જ બીજું એક અનોખું મંદિર છે. આ મંદિર પરમપૂજ્ય ભગવાન રામનું છે. આ મંદિર પણ ખાસ છે. સૌથી મોટી ખાસિયત એ છે કે આ મંદિરમાં રામની ભગવાન તરીકે નહીં પરંતુ રાજા તરીકે પૂજા થાય છે.

અહીં પરંપરા છે કે રામ મંદિરના દ્વાર ખુલતા જ સૈન્યના જવાનો તેમને સલામી આપે છે. આ મંદિર એક સમયે બુંદેલખંડની રાજધાની ઓરછામાં હતું. ગાઢ જંગલો અને કુદરતી સોંદર્ય વચ્ચે આવેલું આ મંદિર બેતવા નદીના કિનારા પર સ્થિત છે.

મંદિર અંગેની કથા

કહેવાય છે કે ઓરછાની રાણી રાનીકુંવારી ભગવાન રામના ભક્ત હતા અને રાજા ભગવાન કૃષ્ણના ભક્ત હતા. રાજા હંમેશા રાણીને વૃંદાવન લઈ જવા ઈચ્છતા હતા, પરંતુ રાણી હંમેશા અયોધ્યા જતી હતી. એક દિવસ મજાકમાં રાજાએ રાણીને કહ્યું કે તમે આટલા મોટા ભક્ત છો તો તમારા ભગવાન રામને અહીં લઈ આવો. રાણીએ આ વાત ગંભીરતાથી લઈને અયોધ્યાથી રામને અહીં લાવવાનું નક્કી કરી લીધું.

બાદમાં રાણીએ ઓરછામાં પોતાના કિલ્લાની સામે જ મંદિર બંધાવ્યું, અને અયોધ્યા જઈને સરયૂ નદીના કિનારે તપ કરવા લાગ્યા. લાંબો સમય વીતવા છતાંય ભગવાન રામે તેમને દર્શન ન આપ્યા. છેવટે રાણીએ પોતાના પ્રાણ ત્યાગવાની કોશિશ કરી ત્યારે ભગવાન શ્રીરામે એક બાળકના સ્વરૂપે દર્શન આપ્યા.

રાણીએ જ્યારે ભગવાન રામને પોતાની સાથે આવવા કહ્યું, તો ભગવાને રાણી સામે એક શરત મૂકી. ભગવાન રામે કહ્યું કે ઓરછામાં તેમને રાજાનું જ સ્થાન જોઈશે. રાણીએ ભગવાનની વાત માની અને ભગવાનને ઓરછા લઈ આવ્યા. ત્યારથી આ મંદિરમાં ભગવાન રામની પૂજા રાજા તરીકે જ થાય છે.

astrology