કાળીચૌદશઃ અનિષ્ટ તત્વોથી મુક્તિનું પર્વ

13 November, 2020 11:05 PM IST  |  Mumbai | Keval Trivedi

કાળીચૌદશઃ અનિષ્ટ તત્વોથી મુક્તિનું પર્વ

ફાઈલ તસવીર

શનિવારે કાળી ચૌદશ છે. પાંચ દિવસના દીવાળી ઉત્સવમાં પ્રથમ વાક્બારશ, દ્વિતીય ધનતેરસ અને ત્રીજો દિવસ કાળી ચૌદસ છે. તેને નરક ચતુર્દર્શી પણ કહેવામાં આવે છે તે એટલા માટે કે આ દિવસે ભગવાન કૃષ્ણ અને સત્યભામાએ નરકાસુર રાક્ષસનો નાશ કર્યો હતો. આ દિવસે ભગવાન કૃષ્ણનું તેમની પત્ની સત્યભામા સાથે પૂજન કરવાનું મહત્ત્વ છે.

આ દિવસે કાલિકા દેવી કે જે દુર્ગાનું જ એક સ્વરૂપ છે તેમની પૂજા કરવાનું મહત્ત્વ છે. ખાસ તો આ દિવસે સૂર્યોદય પૂર્વે આખા શરીરે ઉબટન અને તલનું તેલ ચોળીને સ્નાન કરવાનો મહિમા છે, તેનાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. નરક ચતુર્થીને રૂપ ચતુર્થી પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મા કાલિકાનો જન્મ થયો હતો. શત્રુઓ પર વિજય પામવા માટે મહાકાલીનું પૂજન થતું હોઈ તેને કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંપરાથી કાળી ચૌદસને ઘરમાંના કલેશ, નકારાત્મક ઊર્જાનો નાશ કરવા માટેના પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ માટે મહાકાલી માની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે હનુમાન પૂજા પણ કરાય છે, કારણ કે એમ માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ કાળી ચૌદશના દિવસે થયો હતો.

આ દિવસને શિવચતુર્દશી પણ કહે છે, કારણ કે વર્ષનો આ દિવસ શિવને સમર્પિત છે. ભગવાન શિવ સ્મશાનમાં નિવાસ કરે છે તેઓ ભૂતો તે દુષ્ટાત્માનાં ટોળાંને વશમાં રાખે છે એટલે જે જોઈ ભૂત, પિશાચ આદિથી પીડિત હોય તેવા લોકો આ દિવસે શિવ ભગવાનની પૂજા કરી તેમાંથી મુક્ત થવાની પ્રાર્થના કરે છે. આ માટેનો સહેલો અને અસરકારક ઉપાય એ છે કે ઘરમાં ગાયનું ઘી, અબરખ, ગૂગળ, કપૂરનો ધૂપ કરવો.

આ સિવાય આ દિવસે વામન ભગવાનની પૂજાનું પણ મહત્ત્વ છે. રાજા બલિને વામન ભગવાને કાળી ચૌદશે  દાનમાં ત્રણ ડગલાં જમીન માગી હતી. વામન બ્રાહ્મણનાં ત્રણ ડગલાંમાં કેટલી જમીન જશે એવું વિચારીને બલિ રાજાએ ત્રણ ડગલાં જમીન આપવાનું વચન આપી દીધું એ પછી વામન બ્રાહ્મણ વેશે આવેલા ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું અને પ્રથમ ડગલામાં પૃથ્વી લોક અને બીજા ડગલામાં આકાશ લોક લાંઘી દીધા બાદ બલિને પૂછ્યું કે હું ત્રીજું ડગલું ક્યાં મૂકું ત્યારે વચનનિષ્ઠ બલિ રાજાએ કહ્યું કે આપનું ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો. ભગવાને તેના મસ્તક પર પગ મૂકી તેને પાતાળ લોકનો રાજા બનાવ્યો અને તેને ચિરંજીવ બનાવ્યો અને એવું વરદાન આપ્યું કે આ દિવસે જે વ્યક્તિ યમને દીપ દાન કરશે તેના પિતૃઓ કદી નરકમાં નહિ જાય. આથી આ દિવસે ઘરના ચારે ખૂણે દીપ પ્રગટાવી યમના આશીર્વાદ લેવામાં આવે છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે કાળી ચૌદશે બહાર નીકળવું નહિ,  કારણ કે એ દિવસે અનિષ્ટ તત્ત્વો અતિ સક્રિય હોય છે. હકીકતમાં તો આ દિવસ અનિષ્ટો પર વિજય પ્રાપ્ત કરવા કાળ ભૈરવ, મહા કાલી અને હનુમાન જેવા ઉગ્ર દેવોની સાધના કરવાનો છે. આ દિવસે મંત્રિકો અને તાંત્રિકો તેમની કામનાપૂર્તિ અને સિદ્ધિ માટે વિશિષ્ટ સાધના કરતા હોય છે. 

કાળી ચૌદસે પૂજા કરવા માટેનાં  શુભ મુહૂર્ત નીચે પ્રમાણે છે

સવારે 8.10થી 9.34 પૂજા

બપોરે 1.47થી 4.36

સાજે 6થી 7.36

રાત્રે 9.11થી રાત્રે 12.33 

astrology