તમે કેવા કલરનું વૉલેટ કે પર્સ સાથે રાખો છો?

14 April, 2024 09:23 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સામાન્ય રીતે દરેક વ્યક્તિ વૉલેટ કે પર્સ પોતાની સાથે રાખતી હોય છે, પણ એ કેવા કલરનું હોવું જોઈએ એ બહુ મહત્ત્વનું છે. કેવા કલરનું વૉલેટ રાખવું અને એ વૉલેટ રાખવાથી શું ફાયદો થઈ શકે એ જાણવા જેવું છે

પ્રતીકાત્મક તસવીર

વૉલેટ કે પર્સ કેવા કલરનું હોવું જોઈએ અને એનાથી શું લાભ થઈ શકે છે એ વિશે વાત કરતાં પહેલાં થોડી ચોખવટ કરવાની છે. પૈસો લક્ષ્મીનું પ્રતીક છે એટલે ક્યારેય લક્ષ્મીને કાળા રંગના આવરણમાં ન રાખવી જોઈએ. એટલે કે પુરુષોએ ક્યારેય બ્લૅક વૉલેટ કે છોકરીઓએ ક્યારેય કાળા રંગનું પર્સ ન રાખવું જોઈએ. બીજી વાત, પૈસા સાથે ક્યારેય કોઈ ધારદાર ચીજ રાખવી નહીં. ઘણા લોકો પોતાના વૉલેટમાં ટૂથપિક જેવી ચીજ રાખતા હોય છે, પણ એ બન્નેને એક સ્થાનમાં રાખવા જોઈએ નહીં. ત્રીજી વાત, ભારતીય પરંપરાની છેલ્લી શતાબ્દીમાં અહિંસાનો મહિમા રહ્યો છે એટલે પૈસાને ક્યારેય ​રિયલ લેધરના બનેલા વૉલેટ કે પર્સમાં રાખવા જોઈએ નહીં. એ માટે હંમેશાં આર્ટિફિશ્યલ કે મૅનમેડ લેધરના જ વૉલેટ અને પર્સનો ઉપયોગ કરવો જોઈએ.
હવે વાત કરીએ કે કેવા કલરના વૉલેટ-પર્સનો ઉપયોગ કરવો જોઈએ અને એ કલરથી શું લાભ થઈ શકે છે?

બ્રાઉન કલરથી શું થાય?
બધા કલરોમાં બ્રાઉન સૌથી શ્રેષ્ઠ છે. બ્રાઉન એટલે કે કથ્થઈ કલર પૃથ્વીનું પ્રતીક છે જે સ્ટેબિલિટીની સાથોસાથ લાંબી આવરદા પણ સૂચવે છે. જો બ્રાઉન કલરના પર્સ કે વૉલેટનો ઉપયોગ થાય તો એમાં લાંબો સમય પૈસો ટકે છે. આ ઉપરાંત એમાં આવનારો પૈસો જલદી બહાર નથી જતો. વૉલેટ કે પર્સમાં જો લાકડા જેવા આછા કથ્થઈ રંગના વૉલેટ કે પર્સ મળે તો એ ઉત્તમ અને બીજી વાત, એના પર જો ગોલ્ડન કલરનું વર્ક થયું હોય તો અતિ ઉત્તમ. ધ્યાન રાખવું કે આ બ્રાઉન કલરના વૉલેટ પર કાળા રંગના થ્રેડ કે પછી કાળા રંગનું મેટલથી બનેલું સિમ્બૉલ ન હોય. જો એ સિમ્બૉલ સ્ટીલ કે લોખંડનું બનેલું હોય તો એ નુકસાનકર્તા બની શકે છે.

રેડ કલરથી શું થાય?
જો લાલ રંગનું વૉલેટ કે પર્સ રાખવામાં આવે તો નુકસાન કશું નથી, પણ એનો એક જ ગેરફાયદો છે. લાલ રંગ અગ્નિતત્ત્વનું પ્રતિનિ​ધિત્વ કરે છે એટલે રેડ કલરના વૉલેટ/પર્સમાં રાખવામાં આવેલો પૈસો ઝડપથી ખર્ચાતો રહે છે. જો તમને એની સામે વાંધો ન હોય તો રેડ કલરનું વૉલેટ રાખી શકાય છે, કારણ કે લાલ રંગ અટ્રૅક્શનનું પણ પ્રતિનિ​ધિત્વ કરે છે જે પૈસાને પોતાના તરફ આકર્ષે છે. લાલ કલરના વૉલેટમાં સફેદ રંગનું કોઈ પ્રકારનું મટીરિયલ ન વપરાયું હોય એની સાવચેતી રાખવામાં આવે તો એ હિતાવહ છે, કારણ કે રેડ અને વાઇટ કલરનું કૉમ્બિનેશન જે કલર ઊભો કરે છે એ રોમૅન્સનું પ્રતિનિધિત્વ કરે છે અને પિન્ક કલર હંમેશાં મોજશોખમાં પૈસો ખર્ચ કરાવે છે એટલે રેડ કલરનું વૉલેટ વાપરતા હો તો આટલું ધ્યાન રાખવું.

ગ્રીન કલરથી શું થાય?
ગ્રીન કલરનું વૉલેટ રાખવું ઉત્તમ છે. ગ્રીન કલર પૉઝિટિ​વિટી દર્શાવે છે તો સાથોસાથ એ ગ્રોથ પણ ઇન્ડિકેટ કરે છે. જો ગ્રીન કલરનું વૉલેટ રાખવામાં આવે તો એ વૉલેટમાં હંમેશાં જૂના જમાનાનો કોઈ સિક્કો પણ રાખવો જોઈએ. પ્રગતિને લાવવાનું કામ એ જૂનો સિક્કો કરશે તો સાથોસાથ એ જૂનો સિક્કો પૈસાને ટકાવી રાખવાનું કામ પણ કરશે. ગ્રીન કલરનું વૉલેટ રાખવાની આદત કેળવનારાઓએ એક વાતનું ધ્યાન રાખવું. તેમણે એ પૉકેટ સાથે વૉશરૂમમાં દાખલ ન થવું, કારણ કે ગ્રીન કલર તરત જ નકારાત્મકતા પણ ખેંચવાનું કામ કરે છે. ગ્રીન કલરનું પર્સ હોય તો એમાં ગોલ્ડન પૅટર્ન હશે તો એ પર્સને સતત ભરેલું રાખવાનું કામ કરી શકે છે.

યલો કલરથી શું થાય?
યલો કલર સૂર્યનું પ્રતીક છે અને સૂર્ય વિકાસનું પ્રતિનિ​ધિત્વ કરે છે. જો યલો કલરનું વૉલેટ કે પર્સ રાખવામાં આવે તો એમાં સતત પૈસો આવતો રહે છે, પણ સાથોસાથ એ પૈસાની જવાની ક્ષમતા પણ અકબંધ રહે છે. યલો કલરના પર્સમાં રાખેલો પૈસો સમયાંતરે ખાલી થાય છે. જોકે વાત અહીં જ પૂરી નથી થતી. યલો પર્સ લાંબો સમય સુધી ખાલી નથી રહેતું. એ તરત ફરી ભરાય પણ છે. જો તમને યલો કલરનું પર્સ રાખવાની આદત હોય તો તમારે એ પર્સમાં લાલ રંગની કોઈ પણ ચીજવસ્તુ અને શક્ય હોય તો લાલ રંગની કોઈ કરન્સી નોટ પણ ન રાખવી જોઈએ. સૂર્ય અને આગ બન્ને સાથે મળે તો એ પૈસાને લાંબો સમય સુધી ટકવા નથી દેતાં.

astrology life and style columnists