મોટો માણસ તમારો મહેમાન બને તો એ તમારી કિંમત દર્શાવે છે

11 November, 2019 02:59 PM IST  |  Mumbai | swami sachidanand

મોટો માણસ તમારો મહેમાન બને તો એ તમારી કિંમત દર્શાવે છે

આપણે ટીમકીની વાત કરતા હતા. ટીમકી પહેલાં વાંદરીની અને પોપટની વાત પણ આપણે કરી. આજે મને ધનકોરબહેનના ઘરની બકરાગાડીની વાત કરવી છે. તેમના ઘરે એક બકરાગાડી હતી, બાળકો એમાં બેસીને બંગલાના બગીચામાં ફર્યા કરે અને મજા કરે. આ બકરાગાડીમાં જોડેલા બે બકરા ક્યાંથી આવ્યા હતા એ જાણીને તમને નવાઈ લાગશે.
ધનકોરબહેનના બંગલે ઘણાં રાજારજવાડાંઓ આવતાં. જેમના પોતાના બંગલા મુંબઈમાં હતા તેઓ પોતાના બંગલે ઊતરે તો પણ બેચાર દિવસે ધનકોરબહેનને ત્યાં મહેમાનગતિ માણવા આવે. મોટો માણસ પણ જો તમારો મહેમાન બને તો એ તમારા અહોભાગ્ય જ નહીં, તમારી કિંમત અદકેરી છે એ સાબિત કરે. માણસ તેને ત્યાં જ મહેમાન બને, જેને ત્યાં મન જુએ. ધનકોરબહેન મનનાં બહુ મોટાં.
એક વખત જૂનાગઢના નવાબ ધનકોરબહેનને ત્યાં આવ્યા. નવાબ અને રાજારજવાડાંઓ પોતાનો આખો રસાલો સાથે રાખે. નવાબના રસાલામાં સાથે બે બકરા પણ હતા. બકરા રસોડે નમાલા થઈને ઊભા રહે. અવાજ ન કરે, જોર પણ ન દેખાડે. બાકી બકરા તો જોરુકા હોય. એ શિંગડાં ભરાવીને જ વાત કરે, પણ આ નમાલા બકરાઓએ બધું જોર કરી લીધું હતું, એ પછી પણ છુટકારો નહોતો થયો એટલે તેમને સમજાઈ ગયું હતું કે હવે કંઈ વળવાનું નથી. બકરાની આંખો જોઈને ધનકોરબહેન પણ પારખી ગયાં કે બેઉ એનું મોત ભાળી ગયા છે. ધનકોરબહેન નવાબ પાસે પહોંચ્યા અને નવાબને જઈને કહ્યું કે આ બે બકરા અમને આપી દ્યો, મારા પૌત્રોને માટે બકરાગાડી કરવી છે. તેમને બકરાગાડીમાં ફરવાનું બહુ મન થયું છે.
નવાબ સમજી ગયા અને બકરા આપી દીધા. ધનકોરબહેને સાચે જ એ બન્ને બકરાની બકરાગાડી બનાવી અને છોકરાઓ એમાં ફરવા પણ લાગ્યા. એ બકરા કાયમ ધનકોરબહેનના ઘરમાં રહ્યા. તમને નવાઈ લાગશે કે શિંગડાં મારવાનો જેનો સ્વભાવ, ઢીંક મારવાની જેમની આદત એ બકરાઓએ ક્યારેય કોઈને એ બંગલામાં માથું નથી માર્યું કે ક્યારેય કોઈની સાથે આડોડાઈ નથી કરી. બકરીથી પણ વધારે ડાહ્યા થઈને એ બન્ને બકરા રહ્યા, એટલું જ નહીં, ધનકોરબહેનના બંગલામાં બીજાં જેકોઈ પ્રાણી હતાં એની સાથે પણ એ પ્રેમથી રહ્યા. જીવ બચાવનારાઓનો ઉપકાર ક્યારેય કોઈ ભૂલતું નથી, ક્યારેય એ કોઈ ભૂલી પણ ન શકે. આ બકરાઓનાં કુદરતી મોત થયાં અને એ મોત પછી પણ ધનકોરબહેને ઘરના સભ્યોની જેમ એ દિવસે ઉપવાસ રાખીને મોતનો મલાજો પાળ્યો હતો.

gujarati mid-day