4 દિવસ પછી વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, પૂર્ણ ચંદ્રગ્રહણ પણ આ જ મહિને

02 January, 2019 04:38 PM IST  |  નવી દિલ્હી

4 દિવસ પછી વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, પૂર્ણ ચંદ્રગ્રહણ પણ આ જ મહિને

6 જાન્યુઆરીએ જોવા મળશે આંશિક સૂર્યગ્રહણ. (ફાઇલ)

સૂર્ય અને ચંદ્ર પર લાગતા ગ્રહણ માણસો માટે હંમેશાં કૂતુહલનો વિષય રહ્યા છે. ખાસ કરીને સૂર્યગ્રહણને લઈને દરેકને રોમાંચ થઈ આવે છે. કદાચ તેની પાછળનું કારણ એ પણ હોય કે દિવસના સમયે લગભગ તમામ લોકો જાગેલા હોય છે અને દરેકને તેને જોવાનો મોકો મળે છે. આવો જ એક મોક તમને વર્ષ 2019ના પહેલા જ અઠવાડિયામાં જોવા મળવાનો છે. રવિવારે 6 જાન્યુઆરીના રોજ આંશિક સૂર્યગ્રહણ થવાનું છે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. પરંતુ તમારે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કારણખે કોઈપણ ગ્રહણ એકલું નથી આવતું, ગ્રહણની પણ એક સીઝન હોય છે. ઓછામાં ઓછા બે ગ્રહણ આસપાસમાં જ પડે છે અને ક્યારેક ત્રણ-ચાર સુધી પણ પહોંચી જાય છે.

6 જાન્યુઆરીના રોજ તમે શું જોશો

રવિવારના દિવસે જ્યારે તમે રજાના મૂડમાં હશો તે જ દિવસે ચંદ્ર આપણી પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જશે. ચંદ્રના આ રીતે વચ્ચે આવી જવાથી ધરતી પર તેની છાયા પડશે, જેને ગ્રહણ કહેવામાં આવે છે. જોકે આ આંશિક સૂર્યગ્રહણ છે અને ભારતમાં તમે તેને નહીં જોઈ શકો. જો તમે આ આંશિક સૂર્યગ્રહણ જોવા માંગતા હો તો તમારે ઉત્તર-પૂર્વી એશિયા અને ઉત્તરી પેસિફિક દેશોમાં જવું પડશે. એટલે કે જાપાન, કોરિયા, મંગોલિયા, તાઇવાન અને રશિયા તેમજ ચીનના પૂર્વીય કિનારા ઉપરાંત અમેરિકાના પશ્ચિમી હિસ્સામાં પણ આ ગ્રહણ દેખાશે. બેઇજિંગમાં સૂર્યનો 20 ટકા હિસ્સો, ટોક્યોમાં 30 ટકા અને વ્લાદિવોસ્ટકમાં 37 ટકા હિસ્સો ચંદ્રમાની પાછળ છુપાઈ જશે. ભારતીય સમયાનુસાર ગ્રહણ સવારે 5.04 વાગે શરૂ થશે અને 9.18 વાગે ખતમ થઈ જશે.

ભારતમાં ક્યારે દેખાશે સૂર્યગ્રહણ

જો તમે ભારતમાં સૂર્યગ્રહણ જોવા માંગતા હો તો આ માટે તમારે વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. વર્ષના અંતે 26 ડિસેમ્બરના રોજ ભારતમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રહણ 2 કલાક 40 મિનિટ 6 સેકન્ડ સુધી ચાલશે. જો વર્ષના અંતે હવામાન બરાબર રહ્યું તો તમે આ સૂર્યગ્રહણ જોઈ પણ શકશો. આ ગ્રહણની શરૂઆત સવારે 8.17 વાગે થશે અને 10.57 વાગે પૂરું થશે. સવારે 9.30 વાગે ગ્રહણ તેના ચરમ પર હશે. આ વર્ષનું ત્રીજું અને અંતિમ સૂર્યગ્રહણ હશે. જો તમે દક્ષિણ ભારતમાં રહો છો તો તમે તેને વધુ સ્પષ્ટ રીતે જોઇ શકશો. ખાસકરીને કન્નૂર, કોઝીકોડ, મદુરાઈ અને ત્રિશૂર ક્ષેત્રોામં તે સૌથી વધુ સ્પષ્ટ રીતે દેખાશે.

આ જ મહિને પૂર્ણ ચંદ્રગ્રહણ

આ ઉપરાંત આખા વર્ષમાં ઘણા ચંદ્રગ્રહણ પણ જોવા મળશે. વર્ષના પહેલા મહિનામાં જ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. 20-21 જાન્યુઆરીના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ પણ તમે જોઈ શકશો. જોકે આ ચંદ્રગ્રહણ પણ ભારતમાં નહીં દેખાય. જો તમે ભારતમાં ચંદ્રગ્રહણ જોવા માંગતા હો તો આ માટે તમારે 16-17 જુલાઈ સુધી રાહ જોવી પડશે. ગ્રીષ્મ ઋતુમાં થનારું આ આંશિક ચંદ્રગ્રહણ હશે. ભારતીય સમય પ્રમાણે દિલ્હીમાં તે મોડી રાતે 00:13:51 વાગે શરૂ થશે અને સવારે 05:47:38 વાગે ખતમ થશે.