આહાર, આચાર, વિચાર સાચા તો વ્યવહાર આપોઆપ સત્ય

03 June, 2021 11:46 AM IST  |  Mumbai | Morari Bapu

આપણી વાણી દ્વારા સત્યનું જ ઉચ્ચારણ થવું જોઈએ, સાચું જ બોલવું જોઈએ. એટલા માટે તો કહેવામાં આવ્યું છે, ‘સત્યમ વદ’

GMD Logo

આહાર, આચાર, વિચાર, વ્યવહાર, ઉચ્ચાર અને આધાર. સત્ય માટે જેનું ધ્યાન રાખવાનું છે એ આ ૬ મહત્ત્વની વાતમાંથી આપણી વાત ચાલી રહી છે વિચારની.
ક્યારેક આપણે બોલતા હોઈએ સાચું, પણ આપણે સાચું વિચારતા નથી. જે રીતે ધર્મરાજ યુધિષ્ઠિર, કુરુક્ષેત્રના યુદ્ધનો એ પ્રસંગ યાદ કરો. તેમનું બોલવું તો સત્ય હતું, પરંતુ વિચાર અયોગ્ય હતો. તેમના મનમાં હતું કે આ બનાવ બને તો આપણે સૌ બચી જઈએ. તેમણે વિચાર્યું કે ‘મરાયો એ અશ્વત્થામા હતો’ એવું કહેવાથી દ્રોણાચાર્ય પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર છોડી દેશે અને પરિણામ પાંડવો પક્ષે, પાંડવોની તરફેણમાં આવી જશે. એટલા માટે ધર્મરાજના સત્યને પણ પૂર્ણ સત્ય માનવામાં નથી આવ્યું. સાચો વિચાર, આપણા મનમાં શું ચાલે છે, આપણા વિચારો શું છે, એ બીજું કોઈ નથી જાણતું એટલે જ એ આપણી અંદરની વાત છે અને આપણી અંદરનો વિચાર સાચો હોય એ જરૂરી છે. જો જિહ્‍વા પર સત્ય હશે, પણ અંદરની વાત, વિચાર અયોગ્ય હશે તો સત્ય જોખમાશે.
આહાર, આહાર અને વિચાર પછી આવે છે વ્યવહાર. સત્ય માટે વ્યવહારનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે. 
સત્ય વ્યવહાર. 
બીજાની સાથેનો, અન્ય સાથેનો આપણો વ્યવહાર સાચો હોવો જોઈએ. એ વ્યવહારમાં છળ-કપટ કે ભેદભાવ ન હોવાં જોઈએ. આપણો વ્યવહાર સત્ય હોવો જોઈએ. આહાર, આચાર, વિચાર સાચા હોય તો વ્યવહાર પણ આપોઆપ સત્ય થઈ જાય છે. વ્યવહાર સાથે જ જોડાયેલો હોય અને સત્ય સાથે સીધો આધાર ધરાવતો હોય એવો મુદ્દો હવે પછીનો છે.
ઉચ્ચાર.
વ્યવહાર સત્ય થાય ત્યાર બાદ એનું ઉચ્ચારણ સત્ય માની શકાય. વ્યવહાર સત્ય કર્યા પછી તે જે બોલશે એને જ સત્ય માનવામાં આવશે. આપણી વાણી દ્વારા સત્યનું જ ઉચ્ચારણ થવું જોઈએ, સાચું જ બોલવું જોઈએ. એટલા માટે તો કહેવામાં આવ્યું છે, ‘સત્યમ વદ’
સાચું બોલો. સત્યનો મર્મ બહુ સરળ છે, પણ એને સમજવાનો પ્રયાસ કરવો પડે. સત્ય સત્ય છે, સૂરજને નમસ્કાર કરો તો પણ ઠીક છે અને ન કરો તો પણ ઠીક છે. સૂર્ય સૂર્ય જ છે અને સૂર્ય જ રહેવાનો છે. નમસ્કારથી એના પ્રકાશમાં ફરક નથી પડી જતો અને નમસ્કાર ન કરવામાં આવે તો એની રોશની મંદ નથી પડી જતી. સત્યના મર્મને સમજવા માટે કેટલીક નાની-નાની બાબતો સમજવી જોઈએ, પણ એ પહેલાં વાત કરવાની છે આધારની. સત્ય માટે જે ૬ બાબતો પર ધ્યાન આપવાનું છે એમાં સૌથી છેલ્લી બાબત છે આધાર, જેની વાત કરીશું આપણે હવે પછી. 

astrology morari bapu