12 July, 2026 04:43 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
શાસ્ત્રોમાં પશુ-પક્ષીઓની સેવા કરવાનું ખૂબ જ મોટું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આપણા રોજિંદા જીવનમાં અબોલ જીવોને ચોક્કસ ખોરાક ખવડાવવાથી કુંડળીના નવગ્રહો મજબૂત થાય છે અને અનેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. આ કાર્ય અત્યંત સરળ છે અને સેવાકીય પણ છે જે દરેક વ્યક્તિએ અચૂક કરવું જોઈએ. કયા પ્રાણી કે પક્ષીને શું ખવડાવવાથી કયો ગ્રહ શુભ ફળ આપે છે એ વિગતે જાણવા જેવું છે.
ગાય અને સૂર્ય, ગુરુ અને શુક્ર
શાસ્ત્રોમાં કહ્યું છે કે ગાયમાં ૩૩ કોટિ દેવી-દેવતાઓનો વાસ છે. ગાયની સેવા કરવાથી કુંડળીના મુખ્ય ગ્રહો એવા સૂર્ય, ગુરુ અને શુક્ર બળવાન બને છે. જો રોજ સવારે ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે તો એનો અનન્ય લાભ થાય. આ રોટલી સાથે ગોળ અચૂક મૂકવો જોઈએ. આ ઉપરાંત ગાયને લીલું ઘાસ અથવા પલાળેલી ચણાની દાળ અને હળદર ખવડાવવામાં આવે તો એનાથી ગુરુ મજબૂત બને છે.
ગાયને ખવડાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, આર્થિક તંગી દૂર થાય છે, પિતૃદોષ શાંત થાય છે અને સમાજમાં માન-સન્માન વધે છે. આ ઉપરાંત ઉપરોક્ત ગ્રહો પણ મજબૂત બને છે.
કૂતરો અને શનિ, રાહુ અને કેતુ
શાસ્ત્રોમાં ડૉગીને ભૈરવનાથનું વાહન માનવામાં આવે છે તો જ્યોતિષશાસ્ત્રમાં કાળા ડૉગીની સેવાનું વિશેષ મહત્ત્વ ગણાવ્યું છે. ડૉગીને નિયમિત રીતે ખવડાવવાથી ધનોતપનોત કાઢવાને સમર્થ એવા બે મહાકાય ગ્રહ શનિ અને રાહુ શાંત થાય છે તો સાથોસાથ કેતુ પણ બળવાન બને છે. કેતુ બળવાન હોય તો ખોટા સમયે કે અણીના સમયે સાચો નિર્ણય લેવાની ક્ષમતા આવે છે.
કૂતરાને નિયમિત રોટલી કે બિસ્કિટ ખવડાવવાં જોઈએ. જો રોટલી આપતા હો તો કૂતરાને ઘી વિનાની રોટલી આપવી. દૂધ કૂતરાનો પસંદીદા ખોરાક છે. દૂધ પિવડાવવાથી ડૉગીને તૃપ્તિ મળે છે, જેને કારણે કુંડળીમાં શનિની સાડાસાતી કે ઢૈયા (શનિની અઢી વર્ષની પનોતી. જ્યારે શનિદેવ વ્યક્તિની જન્મ રાશિથી ચોથા કે આઠમા ભાવમાં ભ્રમણ (ગોચર) કરે છે ત્યારે એ સમયગાળાને ઢૈયા કહેવામાં આવે છે)ની તકલીફ ઓછી થાય છે. અચાનક આવતી આફતો, કોર્ટ-કચેરીના મામલા અને નકારાત્મક ઊર્જા એટલે કે નજરદોષથી પણ રક્ષણ મળે છે.
પક્ષીઓ અને બુધ અને રાહુ
પક્ષીઓને ચણ આપવી એ ખૂબ જ પુણ્યનું કામ છે, જેનાથી બુધ અને રાહુ ગ્રહને તૃપ્તિ મળે છે. અલગ-અલગ પક્ષીઓને એમનું પ્રિય ભોજન કરાવવાથી અન્ય ગ્રહોને પણ લાભ મળે છે. પક્ષીઓને જુવાર, બાજરી, મગ કે સપ્તધાન્ય એટલે કે ૭ ધાન્યની મિક્સ ચણ અચૂક ખવડાવવી જોઈએ અને એ દૈનિક ક્રમ હોવો જોઈએ. પક્ષીઓને ખવડાવવાથી વેપાર અને ધંધામાં પ્રગતિ થાય છે, બુદ્ધિ તેજ બને છે, કરીઅરમાં સફળતા મળે છે અને સંતાનો બાબતની ચિંતા દૂર થાય છે.
ચોક્કસ પક્ષીઓની વાત કરીએ તો ચકલીને ચોખા ખવડાવવાથી ચંદ્ર ગ્રહ તૃપ્ત થાય છે તો સફેદ કબૂતરને ચોખાની ચણ ધરવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે. પોપટની વ્યવસ્થા હોય તો પોપટને લીલાં મરચાં કે લીલો ચારો ખવડાવવાથી બુધ તેજ બને છે. શૅરબજાર સાથે સંકળાયેલા લોકોએ નિયમિત રીતે ગ્રે કબૂતરને ચણ ખવડાવવી જોઈએ. ભૂખરાં કબૂતર રાહુના પ્રતિનિધિ છે. કાગડાને ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે.
માછલી અને ચંદ્ર અને કેતુ
શાસ્ત્રોમાં માછલીને ભગવાન વિષ્ણુના મત્સ્યઅવતાર સાથે જોડવામાં આવે છે. લોટની નાની ગોળીઓ બનાવીને નદી કે તળાવની માછલીઓને નાખવાથી ચંદ્ર અને કેતુ મજબૂત થાય છે. પરિણામે માનસિક શાંતિ મળે, ડિપ્રેશન કે તનાવ દૂર થાય અને ધન મેળવવાના નવા માર્ગો ખૂલે તો સાથોસાથ અટકેલાં નાણાં પાછાં આવે છે.
ઘરમાં ઍક્વેરિયમ હોય એનો અર્થ એ નથી કે તમે માછલીઓને ખવડાવી રહ્યા છો. માછલીઓને ખવડાવવા માટે તળાવ કે નદીના કિનારે જ જવું જોઈએ. ઘરમાં રહેલાં પ્રાણીઓ અને રઝળતાં પ્રાણીઓને ખવડાવવું આ બન્નેનાં જુદાં-જુદાં પરિણામો મળે છે.
કીડી અને રાહુ, કેતુ અને શનિ
કીડીઓને ભોજ પૂરવું એ જ્યોતિષશાસ્ત્રનો સૌથી મોટો અને ઝડપી અસર કરતો ઉપાય છે. ખાંડમિશ્રિત લોટથી કીડિયારું પૂરવાથી રાહુ, કેતુ અને શનિ ગ્રહોને શાંતિ મળે છે, જે શાંત થવાથી દેવામાંથી મુક્તિ મળવાથી માંડીને નોકરીમાં આવતી અડચણો દૂર થાય છે અને કુંડળીમાં જો ‘કાલસર્પદોષ’ હોય તો એ પણ દૂર થાય છે.
કીડિયારું પૂરવાને શાસ્ત્રોમાં અત્યંત અસરકારક રસ્તો પણ કહેવામાં આવ્યો છે. મનમાં રહેલાં સપનાં પૂરાં કરવા માટે પણ કીડિયારું સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. રાતે સૂતા પહેલાં લોખંડની નાની ડબ્બીમાં સાકર તકિયા નીચે મૂકીને એ સાકર સવારના સમયે કીડિયારામાં પૂરવાથી સપનાં ઝડપથી પૂરાં થતાં હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.