10 May, 2026 01:45 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
બુધ એના નામ મુજબ બૌદ્ધિકતા પુરવાર કરતો ગ્રહ છે. બુધ બળવાન હોય તેનું બુદ્ધિચાતુર્ય અવ્વલ દરજ્જાનું હોય, તે તર્કબદ્ધતામાં સર્વોચ્ચ સ્થાન પર હોય તો સાથોસાથ તે સર્જનશીલ પણ બને. બુધને વધારે સારો, મજબૂત અને ફેવરેબલ બનાવવા માટે કઈ ખુશ્બૂ ઉપયોગી બને છે એની વાત આજે કરવાની છે. જ્યોતિષશાસ્ત્ર અને પુરાણો મુજબ બુધ ગ્રહ પૃથ્વીતત્ત્વ અને લીલા રંગ સાથે જોડાયેલો છે. એને લીધે બુધ ગ્રહને વનસ્પતિ અને પ્રકૃતિની તાજગી આપતી સુગંધ આકર્ષે છે તો સાથોસાથ કસ્તુરી અને ચંદનની સુગંધ મનને શાંત રાખવા અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે જે બુધના મૂળ ગુણધર્મો છે.
જ્યોતિષશાસ્ત્રમાં બુધને રાજકુમાર તરીકે જોવામાં આવે છે. જેવી રીતે રાજકુમારોને સુગંધિત અને સૌમ્ય વાતાવરણ ગમે એવી જ રીતે બુધને તીખી નહીં પણ મધુર અને લાંબો સમય ટકી રહે એવી ખુશ્બૂ ગમે છે. આ ઉપરાંત બુધ ગ્રહ ભગવાન વિષ્ણુ સાથે પણ સીધો સંબંધ ધરાવે છે, જેને લીધે જે સુગંધ વિષ્ણુપૂજામાં અનિવાર્ય હોય છે એ પણ બુધને અત્યંત પ્રિય છે.
બુધ અને સુગંધ
જન્મના ગ્રહોમાં જેનો બુધ નબળો હોય કે પછી અન્ય કોઈ ગ્રહ સાથે રહીને જો એ નબળો પડતો હોય તો એવી વ્યક્તિ દલીલ કરવાની બાબતમાં નબળી પડતી હોય છે. પોતે સાચી હોવા છતાં તે પોતાનો પક્ષ મજબૂતી સાથે મૂકી શકતી નથી અને પરિણામે પોતાની વાત સાચી અને સારી રીતે સમજાવી શકતી નથી. આવા સમયે બુધને વધારે તેજવાન બનાવવા માટે વ્યક્તિએ એલચીનું સેવન કરવું જોઈએ, કારણ કે એલચીની ખુશ્બૂ બુધની પસંદીદા ખુશ્બૂ છે.
જો સાથે એલચી રાખીને એ નિયમિત મોઢામાં રાખવામાં આવે તો એ ખુશ્બૂ બુધને સતત સતેજ કરવાનું કાર્ય કરી શકે છે. ધારો કે એલચી ન ભાવતી હોય તો એલચીનું અત્તર વાપરવું હિતાવહ છે. તમારી જાણ ખાતર કે એલચીનું અત્તર માર્કેટમાં ઉપલબ્ધ છે તો એવી જ એલચી સુગંધની અગરબત્તી અને ધૂપમાં બજારમાં મળે છે. જો એ મળવામાં તકલીફ પડે તો ચંપાનાં ફૂલ અને એની ખુશ્બૂ પણ બુધને સતેજ બનાવવાનું કામ કરે છે. ચંપાનાં ફૂલનું અત્તર માર્કેટમાં સરળતાથી પ્રાપ્ય છે.
ચંપાનાં ફૂલ અને બુધ
ઘર કે ઑફિસમાં જો ચંપાનાં ફૂલને ફૂલદાનીમાં રાખવામાં આવે તો લાભદાયી પુરવાર થાય છે. વિદ્યાર્થી માટે પણ બુધ વધારે તેજવાન હોય એ લાભકર્તા છે એટલે વિદ્યાર્થીના સ્ટડી-ટેબલ પર કે તેની રૂમમાં પણ ચંપાનાં ફૂલ નિયમિત મૂકવામાં આવે તો એ હિતકારી બને છે. ચંપાની ખુશ્બૂના રૂમ-ફ્રેશનરનો નિયમિત ઉપયોગ કરવાથી પણ લાભ થાય છે.
બુધનો આવાસ મસ્તકના ભાગ પર છે એટલે આ ખુશ્બૂનું હેરઑઇલ ઘરે બનાવીને એનો વપરાશ કરવાથી પણ લાભ થાય છે. જો એલચી કે ચંપાનું અત્તર વાપરવું હોય તો એ શરીર પર નાભિના સ્થાને વર્તુળાકાર કે પછી બન્ને કાંડાં પર કે ગરદનના પાછળના ભાગ પર લગાડવું જોઈએ. આ અત્તર શર્ટ પર કે કાનની પાછળના ભાગમાં લગાડવાનું ટાળવું.
પૃથ્વીતત્ત્વ અને બુધ
અગાઉ કહ્યું એમ પૃથ્વીતત્ત્વ સાથે બુધ ગ્રહ જોડાયેલો હોવાથી પૃથ્વીમાંથી આવતી તમામ ખુશ્બૂ બુધને વધારે ગમે છે, પણ એમાં સૌથી વધારે પ્રાધાન્ય જો કોઈ સુગંધને આપવામાં આવ્યું હોય તો એ ખસ છે. જેનું મન ભારોભાર વિચલિત રહેતું હોય, વિચારો પુષ્કળ ચાલતા હોય અને વિચારો થકી મનમાં અશાંતિ રહેતી હોય તેણે ખસની ખુશ્બૂનો ઉપયોગ કરવો જોઈએ. ખસનું અત્તર માર્કેટમાં મળે છે. ખસની શાંત ખુશ્બૂ નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરે છે.
ખસ ઉપરાંત ફુદીનો અને તુલસી પણ બુધ સાથે સુસંગત છે. આગળ કહ્યું એમ જો એલચી મોઢામાં રાખવી ન ગમતી હોય કે એનો ટેસ્ટ પસંદ ન હોય તો તુલસીને મુખમાં રાખવાથી ભારોભાર લાભ થાય છે. આ ઉપરાંત બુધવારના દિવસે ફુદીનો એટલે કે મિન્ટ અને તુલસી એટલે કે બેસિલનું શરબત પીવાથી પણ બુધ ગ્રહ મજબૂત બને છે. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો બુધવારના દિવસે તુલસીના એ છોડ પાસે ધૂપ પણ કરવો ઉપયોગી બને છે.
કસ્તુરી-ચંદન અને બુધ
કસ્તુરી અને ચંદનને ભગવાન વિષ્ણુ સાથે સીધો સંબંધ છે. ઘરમાં જો ધૂપ કરવાની પ્રથા હોય તો એ ધૂપમાં કસ્તુરી અને ચંદનનો ઉપયોગ થાય એવું કરવું જોઈએ. જો નિયમિત ધૂપ કરવામાં ન આવતો હોય તો બુધવારના દિવસે ઘરમાં અચૂક ધૂપ કરવો જોઈએ, જેમાં કસ્તુરી અને ચંદનનો ઉપયોગ કરવો જોઈએ. બુધ કમ્યુનિકેશનનો પણ ગ્રહ છે અને કમ્યુનિકેશન ઇફેક્ટિવ ત્યારે જ બને જ્યારે પર્સનાલિટી અને વાતચીતમાં આકર્ષણ હોય. ધૂપ થવાને કારણે ઘરમાં વાતાવરણ શુદ્ધ થાય છે તો સાથોસાથ ઘરના સભ્યો વચ્ચે કમ્યુનિકેશન પણ સુધરે છે અને સંવાદિતા વધે છે.