23 સપ્ટેમ્બરથી લોકોના જીવનમાં આ પરિવર્તન આવી શકે છે, જાણો શા માટે

04 September, 2020 11:00 AM IST  |  Mumbai | Jignesh Shukal

23 સપ્ટેમ્બરથી લોકોના જીવનમાં આ પરિવર્તન આવી શકે છે, જાણો શા માટે

જીગ્નેશ શુકલ

રાહુ અને કેતુ પાપ ગ્રહ છે, અશુભ ગ્રહ અને રાક્ષસ ગ્રહ ગણાય છે. રાહુ અને કેતુ માટે આજે ચર્ચા કરવાનું મુખ્ય કારણ રાહુ અને કેતુ જે પોતાની ભ્રમણ કક્ષામાં ગતિ કરે છે, તેનો સમય 18 વર્ષનો છે, આમ દર 18 મહિને રાશિ પરિવર્તન થાય છે. હવે 23 સપ્ટેમ્બરે આ 18 વર્ષનો સમયગાળો પુરો થવાનો છે. રાહુ અત્યાર સુધી બુધની મિથુન રાશીમાં હતો જે શુક્રની વૃષભ રાશિમાં જશે. કેતુ ગુરુની ધનુ રાશિમાંથી મંગળની વૃશ્ચિક રાશિમાં જશે. આ પરિવર્તન મહત્વનું છે. રાહુ મૃગશિર્શ નક્ષત્રમાંથી રોહીણી નક્ષત્રમાં જશે. કેતુ મૂળ નક્ષત્રથી જ્યેષ્ઠા નક્ષત્રમાં જશે. હવે આવતા 18 મહિના સુધી રાહુ અને કેતુ શું ફળ આપશે એ બાબતે જાણીએ.

રાહુ કેતુના જન્મની કથા

પૌરાણિક કથા મુજબ જ્યારે સમુદ્ર મંથન થયુ ત્યારે સમુદ્રમાંથી ઝેર નિકળ્યું અને અમૃત નિકળ્યું હતું. તે વખતે અમૃત લેવા માટે દેવો અને દાનવોમાં યુદ્ધ થયું, આ યુદ્ધને રોકવા વિષ્ણુ પોતે પધાર્યા અને તેમણે મોહીની સ્વરૂપ લીધું અને અમૃતનો ભાગ પાડવાની વાત કરી, જેમાં બધા સંમત થયા. રાક્ષસોમાં સંદેહ હતો. તેમાં એક રાક્ષણ હતો સ્વરભાનુ, જેણે દેવનું રૂપ લઈને જ્યાં દેવોની લાઈન હતી ત્યાં વચ્ચે જઈને બેસી ગયો. તેને એમ લાગ્યું કે બધુ અમૃત દેવોને જ મળશે અને અમે રહી જઈશું. ભગવાન અમૃત વહેચતા વહેચતા સ્વરભાનુ પાસે આવ્યા અને તેના હાથમાં અમૃત આપ્યું ત્યારે જ તેમને સમજાયુ કે આ દેવ નહીં પણ રાક્ષસ છે. પરિણામે તેમણે સુદર્શન ચક્રથી સ્વરભાનુનું શિરચ્છેદ કરી દીધું. પરંતુ ત્યાં સુધીમાં રાક્ષસે અમૃત પી લીધુ હતું. તેથી શરીર અને માથુ અલગ થયુ હોવા છતાં બંને જીવીત રહ્યા હતા. તેણે અમૃત પીધું હોવાથી ભગવાને તેને આર્શિવાદ આપ્યું કે તું અમર થઈ ગયો છે. તેથી તું નવ ગ્રહના મંત્રીમંડળમાં સ્થાન મેળવીશ. ત્યારથી રાહુ અને કેતુ બે ગ્રહ બન્યા.

ઉપરોક્ત પૌરાણિક કથા છે, જોકે વૈજ્ઞાનિક રીતે સમજવું હોય તો આ ખગોળીય ઘટના (એસ્ટ્રોનોમિકલ ઈવેન્ટ) છે. સૂર્ય અને ચંદ્ર ગતિ કરતા રહે છે અને પૃથ્વીથી જ્યારે આપણે જોઈએ ત્યારે સૂર્ય અને ચંદ્ર ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં એકબીજાનો રસ્તો ક્રોસ કરે છે ત્યારે તે બે સંપાત બિંદુ બને છે. આમાં ઉત્તર બાજુનો સંપાત બિંદુ રાહુ અને દક્ષિણવાળો સંપાત બિંદુ એટલે કેતુ. આ બંને છાયા ગ્રહ પણ કહેવાય છે.

રાહુ અને કેતુમાં અતુલ્ય તાકાત છે. રાક્ષસકૂળના હોવાથી તેઓ ફળ આપવા કે સજા આપતાં પહેલાં બહુ વિચારતા નથી. જ્યારે જ્યારે વૃષભ રાશિમાં રાહુ અને વૃશ્ચિક રાશિમાં કેતુ જાય ત્યારે તેમણે શું કર્યું તે જોઈએ. ઈતિહાસની વાત કરીએ તો 15 ઑગસ્ટ, 1947 જ્યારે ભારત આઝાદ થયો, એ વખતે વૃષભ લગ્ન હતું, જેમાં રાહુ હતો અને સાતમા સ્થાને કેતુ હતો. રાહુ અને કેતુ વક્ર ગતિથી ચાલે છે. તે વખતે આપણને સ્વતંત્રતા મળી પરંતુ તે પછીના દોઢ વર્ષ ખૂબ પડકારરૂપ રહ્યું. તે પછી 18 વર્ષ બાદ 1966માં રાહુ ફરી વૃષભ અને કેતુ વૃશ્ચિકમાં આવ્યો. તે વખતે લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન હતા. તાશ્કન કરાર માટે તે રશિયા ગયા જ્યાં તેમનું મૃત્યુ થયુ, આજ સુધી ખબર નથી પડી કે ખરેખર થયું શું હતું. ત્યારબાદ 1984માં ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હતા તે વખતે અમૃતસરના સુવર્ણ મંદિરમાં સેના ઘુસી હતી ત્યારબાદ અમુક સમુદાય તેમનાથી નારાજ થયા અને તેમની હત્યા થઈ હતી. આ પછીના 18 વર્ષ બાદ 2002માં ગોધરા કાંડ અને ગુજરાતનાં રમખાણો થયા. તે પછીનું દોઢ વર્ષ આકરું હતું. આ ઘટનાની અસર ફક્ત ગુજરાતમાં નહીં પણ આખા દેશ ઉપર પડી હતી.

હવે 2020માં ફરી આવો સમય આવશે જે આપણને દેખાઈ રહ્યો છે. ચીન સાથે સીમાનો વિવાદ છે. પાકિસ્તાન તો આપણી પાછળ પડ્યું જ છે. જુનો મિત્ર નેપાળ પણ ચીનના પડખે છે. આ પરિસ્થિતિનો લાભ રાહુ-કેતુ ઉપાડી શકે છે. 23 સપ્ટેમ્બર, 2020 બાદ કોઈ મોટી ઘટના બની શકે છે. તેથી આપણે સાવધાન રહેવું પડશે.

મેષ રાશીઃ રાહુના પ્રભાવને લીધે આ રાશિના લોકો ખૂબ વિચાર કરશે, આક્રમક બની શકે છે. ખાવાનું બહુ મન થશે, ટેસ્ટ બદલાશે કે એટલે કે વિકૃત થઈ શકે છે. જેમ કે જે લોકો નોન-વેજ ન ખાતા હોય તેઓ નોન-વેજ ખાવાનો વિચાર કરી શકે છે. જંક ફૂડનું ચલણ વધી શકે છે. લોકો સાથે ખરાબ રીતે વાત કરશે. સામી વ્યક્તિને ખરાબ લાગે એવુ કંઈક બોલાઈ જાય. કુટુંબ સાથે વિવાદ થઈ શકે છે. એવુ જ નથી કે ખરાબ જ થશે. રાહુના લીધે આકસ્મિક ધન વૃદ્ધિ પણ થઈ શકે છે. પૈસા કમાવા માટે ખોટા રસ્તા પણ દેખાઈ શકે છે. આ ખોટા રસ્તા અપનાવવાથી ટૂંકા ગાળામાં ફાયદો દેખાશે પરંતુ આગળ જતા નુકસાન થઈ શકે છે.કેતુના લીધે તમે ક્રિએટિવ થઈ શકો છો, તમને રહસ્યમહ વાતો જાણવાનું મન થશે. તમે સમયસર પોતાના કામ નહીં કરી શકો. મોટી ઉંમરની વ્યક્તિને પેટ સંબંધિત બિમારીઓ થઈ શકે છે. સ્ત્રીઓને ગાયનેક પ્રોબ્લેમ પણ થઈ શકે છે.

વૃષભ રાશીઃ રાહુને લીધે તમને ફાયદો થશે, નવા લોકોને મળશો, નવા કામ કરશો. ક્રિએટીવીટી વધશે. રૂટિન નહીં જળવાય. આળસું બની શકો છો.કેતુના લીધે પત્ની સાથે તણાવ થઈ શકે છે. બહારનું વ્યક્તિ ઝઘડા લગાવી શકે છે. લોકોનું સાંભળવું નહીં. ઝઘડો કરવા કરતા પીછેહટ કરવી.

મિથુન રાશીઃ રાહુના આગમનને લીધે ઉંઘ ઓછી મળે, વિચાર બહું આવે, ખર્ચ વધશે, બજેટ ખોરવાશે. અમૂક ખોટા નિર્ણયો પણ લેવાય. એક વસ્તુને બચાવવા બીજીને જતી કરવી પડે તેવી પરિસ્થિતિ આવી શકે છે. રાહુના લીધે તમારી મજબૂરી વધી શકે છે. પ્રવાસ વધશે પણ એન્જોય કરવા નહીં પણ ફક્ત ભ્રમણ હશે. ડીહાઈડ્રેશન થઈ શકે છે. અનિંદ્રાનો રોગ થઈ શકે છે.કેતુના લીધે ખાવાપીવામાં ધ્યાન રાખવું. અશુધ્ધિ વધી શકે છે. મોસાળ પક્ષથી ખરાબ સમાચાર આવી શકે છે. જ્યાંથી પૈસા મળવાના હોય તે અટકે. વિદેશ પ્રવાસ ટાળવો. રોકાણ ન કરવું.

કર્ક રાશીઃ રાહુના લીધે ફાયદો થશે. પૈસા મળશે. વિદેશમાં જઈને વ્યાપાર કરી શકો છો. મિત્ર વર્તુળ વધશે. શૅરબજારમાં રોકાણ કરીને લાભ મળી શકે છે. જોકેમોટા ભાઈ-બહેન સાથે તણાવ રહેશે પણ તમે અવગણના કરશો.કેતુના લીધે જો કોઈ મહિલા બાળકનું પ્લાનિંગ કરતી હોય તો તે ન કરે કારણ કે મિસકેરેજ થવાની સંભાવના રહી શકે છે. બાળકો હોય તો તેનાથી અસંતુષ્ટ રહેશો, તેમની સાથે જણા અનબન રહેશે. પ્રેમિકા-પ્રેમી સવાલો કરશે.

સિંહ રાશીઃ રાહુના લીધે તમારો બિઝનેસ વધશે, પિતા સાથે મતભેદ થઈ શકે છે. પિતા-પુત્ર એક જ બિઝનેસમાં હોય તો તે છુટા થઈ શકે છે. નોકરી કરતા હોવ તો હોદ્દો વધી શકે છે. ધ્યાન એ રાખવું કે તમે આ સફળતાથી અભિમાન ન આવે.કેતુની અસરથી માતાની તબિયત ઉપર અસર પડી શકે છે. કોઈ જમીન કે પ્રોપર્ટીનો વ્યવહાર કરવાનો હોય તે અટકશે. કોર્ટ કેસ ચાલતો હોય તો તેના પરિણામ સારા નહીં આવે. વેકેશનનું પ્લાનિંગ કરો તો પણ તે કેન્સલ થઈ શકે છે.

કન્યા રાશીઃ રાહુના લીધે જે વસ્તુઓને મેળવવા માટે તમે વર્ષોથી પ્રયત્ન કરતા હતા તે તમને આકસ્મિક રીતે મળશે. ધાર્મિક કાર્યો વધારે કરશો. ધાર્મિક યાત્રાઓ કરશો. વડીલોનો અને ગુરુનો આર્શિવાદ મળશે. કેતુની અસરથી ટૂંકી મૂસાફરી વધી શકે છે. ભાઈ-બહેનો સાથે અનબંધ થઈ શકે છે. તમે સ્માર્ટ બનશો, થાકશો નહીં પણ કેતુ મહેનત બહુ કરાવશે. તમને કોઈ રોકાણ કે સાહસ કરવાનું મન થશે. આ કેતુનો પ્રભાવ છે તે સમજીને નિર્ણયો લેવા.

તુલા રાશીઃ આ સમય ખરાબ છે. મૃત્યુ, અકસ્માત, ચોરીનો ભય રાહુના લીધે થઈ શકે છે. રિલેશન ખરાબ થઈ શકે છે. જે લોકોથી તમને ફાયદો થતો હોય કે મદદ લેતા હોય તે જ તમારો હાથ છોડશે. જોકે રિસર્ચની ફિલ્ડમાં રાહુ લાભકારક છે.કેતુના લીધે તમે મૌન રહેશો, એકલા રહેવાનું પસંદ કરશો. ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, મહિલાઓનો શ્વસુરપક્ષ સાથે સંબંધ બગડી શકે છે. રોકાણ ફસાઈ શકે છે. કેતુના લીધે કુટુંબથી દૂર રહેવાનો વિચાર આવે.

વૃશ્ચિક રાશી: રાહુના લીધે દાંપત્ય જીવન જોખમમાં મૂકાઈ શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ બગડી શકે છે. અમૂક આશ્ચર્યજનક ઘટનાઓ જીવનમાં બની શકે છે.જોકે કેતુના લીધે તમારી ક્રિએટીવીટી વધશે. તમને નવી ચીજો જાણવાની આતુરતા રહેશે.

ધનુ રાશી: રાહુના લીધે આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે જેમ કે પેટ સંબંધિત બિમારીઓ, કોલેસ્ટ્રોલ, ડાયબિટીઝ થઈ શકે છે. ખાવાપિવામાં તમે ધ્યાન ન આપી શકો. તમારો કુટુંબ તમારાથી ચિડાશે, ગુસ્સો કરશે. તમારા મિત્રો પણ દુશ્મન બનશે કારણ કે તેમને લાગશે કે તમે બદલાઈ ગયા છો. આ 18 મહિનામાં તમારામાં બદલાવ પણ આવશે. અમૂક લોકોને લાગશે કે તમે લાલચી થઈ ગયા છો. પણ તમે સેલ્ફીશ નહીં પણ સેલ્ફ સેન્ટ્રીક બનવાના છો. તમે પોતાના વિશે વિચારશો જે તમે પહેલા નહોતા વિચારતા.કેતુને લીધે જેને ડિવોર્સ જોઈએ છે, જે જેલમાં પેરોલ ઉપર છે અને મુક્તિ જોઈતી હોય તેમના માટે કેતુ લાભદાયક છે. જેમને વિદેશ જવુ હોય તેમના માટે પણ આ સારો સમય છે. જેમને ઉંઘ ન આવતી હોય તેમને સારી ઉંઘ આવશે. આ ધનુ રાશિ માટે આ પરિભ્રમણ મિશ્ર છે. તેથી સંતુલન રાખીને નિર્ણયો લેવા.

મકર રાશી: રાહુને લીધે આ સારો સમય છે, તમને જે કરવું હોય તે કરી શકો. ઘણી તકો મળશે. તમારી ક્રિએટીવીટી વધશે. તમારી જે નબળાઈ છે તેને દૂર કરવા લોકો મદદ કરશે. તમને સારો જીવનસાથી મળી શકે છે. વિદ્યાર્થીઓને ધાર્યા મુજબની યુનિવર્સિટી મળી શકે છે. બિઝનેસ માટે પણ સારો સમય છે. ફક્ત ઉત્તેજનાને નિયંત્રણમાં રાખવી.કેતુના લીધે અમૂક લોકો તમારી ઈર્ષા કરશે. અમૂક લોકો તમારી સાથે ખરાબ પરિવર્તન કરશે જે તમે પહેલા ચલાવી લેતા હતા પરંતુ હવે તમે વિરોધ કરશો તો સંબંધ બગડી શકે છે. મોટા ભાઈ-બહેન સાથે અનબંધ થઈ શકે છે. કાન સંબંધિત બિમારી થઈ શકે છે. એકંદરે આ પરિભ્રમણ મકર રાશિ માટે ફળદાયી છે.

કુંભ રાશી: રાહુના પરિભ્રમણને લીધે માતાની તબિયત બગડી શકે છે. પ્રોપર્ટી કાનૂની વિવાદમાં ફસાઈ શકે છે. શૅરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી મળનારા નાણા વિલંબમાં મળે જેથી તમને એવુ લાગે કે પૈસા ડુબી ગયા. તમે રેસ્ટલેસ થશો, ધ્યાનભંગ થશે, ધાર્યામુજબ કામ ન થતા પોતોના ઉપરનો વિશ્વાસ ઘટે. જે લોકોએ બાયપાસ સર્જરી કરાવી હોય, ડાયબિટીઝ કે બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે સંભાળવું.કેતુના લીધા પિતા સાથે વિચાર ટકરાય. તમે અન્ય બિઝનેસમાં વળો જે તમારા માટે હિતાવહ ન હોય. તમારા સ્ટેટ્સથી નીચુ કામ કરવું પડે. જેથી તમારી રેપ્યુટેશન બગડે. નોકરીમાં વિધ્નો આવે.

મીન રાશી: આગામી 18 મહિના ન સારા કે ન ખરાબ જશે. તમારી ઈચ્છા હોય તો પણ તમે કંઈક નવુ કામ નહી કરી શકો. પરિસ્થિતિ ન્યુટ્રલ રહેશે. જોકે પાડોશી સાથે સંબંધ બગડે તો માનસિક સ્થિતિનું હલન થઈ શકે છે, તેમ જ કોઈ પેટ્સ પાળ્યું હોય તો તેનું મૃત્યુ થઈ શકે છે જેથી તમે ડિપ્રેશનમાં આવી જાઓ. કેતુ તમને સ્પિરિચ્યુઅલ બનાવશે. તમારે જ્ઞાન વહેચવાનું મન થશે. તમે ચેરીટી કરી શકો છો. ગળા સંબંધિત બિમારી થઈ શકે. ફેફસા સંબંધિત બિમારી પણ થઈ શકે, વ્યસનથી બચવું

  

astrology