06 November, 2023 04:14 PM IST | Mumbai | Swami Satchidananda
મિડ-ડે લોગો
હિન્દુ પ્રજા વિભાજિત છે. એને સ્થાયી એકતામાં જોડવાના પ્રયત્નો કરવા હોય તો અનેકતાનાં મૂળ કારણોને સમજવાં જોઈએ. અનેકતાનાં મૂળ કારણોને ભયને કારણે છંછેડ્યા વિના, એને ચાલુ રહેવા દઈને જ એકતાના માટેના પ્રયત્નો થશે તો એ દેખાવ પૂરતા જ હશે. આવા પ્રયાસોથી સ્થાયી પરિણામ આવવાનું નથી. સ્થાયી પરિણામો માટે સ્વયંને સંપ્રદાયમુક્ત બનાવવામાં આવે એ ખૂબ જ જરૂરી અને આવશ્યક છે.
તમામ પ્રકારનાં સાંપ્રદાયિક બાહ્ય ચિહ્નોનો ત્યાગ કરે અને માત્ર સનાતન એટલે કે મૂળમાં જે કહેવાયું છે એ ધર્મી બને. યાદ રહે, ધર્મનો ત્યાગ કરવાનું ક્યાંય કહેવામાં નથી આવ્યું, પણ સંકીર્ણ સાંપ્રદાયિકતાનો ત્યાગ કરવાનો છે. વિશાળતા મેળવવા માટે અને સાચી એકતા કેળવવા માટે આ કરવું અનિવાર્ય છે. વીસ હજાર જેટલા સંપ્રદાય અને એના પેટા-સંપ્રદાયોનો આંકડો વાંચ્યા પછી દરેક આસ્તિકને અફસોસ થવો જાઈએ. તેમને થવું જાઈએ કે આપણે ધર્મને એક સાવ જ જુદી દિશામાં ખેંચી જઈ રહ્યા છીએ. આપણે એ દિશામાંથી ધર્મને પાછો લાવવો જાઈએ. પાછો લાવવા માટે મેં કહ્યું એમ એક જ રસ્તો છે અને આ એક જ રસ્તે ચાલવું પડે એમ છે. સંપ્રદાયોને બંધ કરવાનું શરૂ કરો, પેટા-સંપ્રદાયનો અંત લાવવાનું શરૂ કરો. જો એ કરી શક્યા તો આ દેશનો ઉદ્ધાર થઈ જશે. એકતા પણ સાંપડશે અને પરસ્પરનો આદર પણ મજબૂત બનશે.
સંપ્રદાયોમાં મર્યાદા હોવી જોઈશે. જો મર્યાદા હશે તો સંપ્રદાયો પ્રત્યે પણ લાગણી અને પ્રેમ વાજબી રીતે જળવાયેલો રહેશે એવું પણ મને લાગે છે. આજે એવી પરિસ્થિતિ થાય છે કે આપણને અનુકૂળ નથી આવતો એટલે તરત જ વંડી ઠેકીને પાડોશમાં ઊભેલા બીજા સંપ્રદાયની પાસે પહોંચી જવામાં આવે છે અને ત્યાં ગયા પછી પણ એવું લાગે એટલે એની બાજુમાં બનેલા અન્ય સંપ્રદાયમાં ભૂસકો મારી દઈએ છીએ. અનુકૂળતાને લીધે ધર્મ પ્રત્યે અનુરાગો ઊભા થઈ જાય છે, પણ એ અનુરાગ વચ્ચે શ્રદ્ધાનો ક્ષય થયેલો હોય છે અને શ્રદ્ધામાં જ્યારે ક્ષય થાય ત્યારે આદરભાવના આપોઆપ ઘટી જતી હોય છે. આદર નહીં હોવાને લીધે સનાતન ધર્મમાં પણ ભાવના રહેતી નથી અને એની સીધી અસર એકતા અને ભાઈચારાની લાગણી પર પડે છે. અનેક ધર્મોમાં તમને એકતાની અસર દેખાતી હશે, પણ એની પાછળનું કારણ જવાનો પ્રયાસ કરશો તો દેખાશે કે એ ધર્મને સંપ્રદાય અને પેટા-સંપ્રદાયની ઊધઈનું નડતર નથી હોતું. આપણે પણ એ જ કરવાની જરૂર છે અને સંપ્રદાયો તથા પેટા-સંપ્રદાયોથી હવે ધર્મને મુક્ત કરવાનો છે તથા મૂળ ધર્મ તરફ પાછા થવાની કોશિશ કરવાની છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)