ઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે

06 March, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે

અલંક્રિતા શ્રીવાસ્તવ

ફિલ્મમેકર અલંક્રિતા શ્રીવાસ્તવનું માનવું છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને જ વધુપડતું મહત્ત્વ આપવામાં આવે છે. તેની વેબ-સિરીઝ ‘બૉમ્બે બેગમ્સ’ આઠ માર્ચે રિલીઝ થવાની છે. ફીમેલ ફિલ્મમેકર્સને પ્રોજેક્ટ બનાવતી વખતે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એ વિશે અલંક્રિતાએ કહ્યું હતું કે ‘બજેટની સમસ્યા માત્ર મારી ફિલ્મો સુધી જ સીમિત નથી. આવું તમામ ફીમેલ ફિલ્મમેકર્સની સાથે થાય છે. જો તમને કોઈ એવી મહિલા સાથે ફિલ્મ બનાવવી હોય જે મોટી સ્ટાર ન હોય તો એ એક સમસ્યા બની શકે છે. સાથે જ આવું તો મોટા સ્ટાર્સ સાથે પણ થાય છે. મેઘના ગુલઝારે આલિયા ભટ્ટ સાથે ‘રાઝી’ બનાવી હતી. તેને ખૂબ સીમિત બજેટની અંદર કલાકો સુધી શૂટિંગ કરવું પડતું હતું. એક્ઝિબિશન અને ડિસ્ટ્ર‌િબ્યુશનથી બજેટને જસ્ટ‌િફાઇ કરવામાં આવે છે. ડિસ્ટ્ર‌િબ્યુટર્સને લાગે છે કે મહિલાઓ પર આધારિત ફિલ્મો પૈસા નથી કમાવી શકતી.’

મેલ હીરોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે એ વિશે અલંક્રિતાએ કહ્યું હતું કે ‘આપણે એવી ઇન્ડસ્ટ્રીમાં છીએ કે જ્યાં માત્ર મેલ હીરોઝને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તેમની ફિલ્મોના માર્કેટિંગમાં વધુ પૈસા ખર્ચવામાં આવે છે અને તેમને વધુ ફિલ્મો પણ મળે છે. એવું દેખાડવામાં આવે છે કે દર્શકો તેમને જોવા માગે છે. દર્શકોને મહિલાપ્રધાન ફિલ્મો જોવાની ટેવ નથી હોતી. આશા રાખીએ કે આ વસ્તુ બદલાઈ જાય.’

entertainment news bollywood bollywood news web series