16 December, 2023 08:19 AM IST | Mumbai | Harsh Desai
‘ધ ફ્રીલાન્સર : ધ કન્ક્લુઝન`
ધ ફ્રીલાન્સર : ધ કન્ક્લુઝન
કાસ્ટ : મોહિત રૈના, કાશ્મીરા પરદેશી, નવનીત મલિક, અનુપમ ખેર, મંજરી ફડણીસ
ડિરેક્ટર : ભાવ ધુલિયા
રિવ્યુ: ત્રણ સ્ટાર
મોહિત રૈનાની ‘ધ ફ્રીલાન્સર : ધ કન્ક્લુઝન’ને ગઈ કાલે ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ સિરીઝને નીરજ પાંડે દ્વારા ક્રીએટ કરવામાં આવી છે અને ભાવ ધુલિયાએ ડિરેક્ટ કરી છે. આ સિરીઝનો પહેલો પાર્ટ સપ્ટેમ્બરમાં રિલીઝ થયો હતો અને બીજા પાર્ટના ત્રણ એપિસોડ ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યા છે. આ સિરીઝને શિરીષ થોરાતની બુક ‘અ ટિકિટ ટુ સિરિયા’ પરથી બનાવવામાં આવી છે.
સ્ટોરી ટાઇમ
પહેલા પાર્ટમાં ચાર એપિસોડ હતા અને એમાં દેખાડવામાં આવ્યું હતું કે ઇન્સ્પેક્ટર અવિનાશ કામત કેવી રીતે મર્સિનરી બને છે. તે તેના ફ્રેન્ડની દીકરી આલિયાને બચાવવા માગતો હોય છે. આલિયાને મૅરેજ કરીને મોહસિન સિરિયા લઈ ગયો હોય છે. મોહસિન પોતાને અને આલિયાને સુસાઇડ બૉમ્બર બનાવવા માગતો હોય છે. આથી અવિનાશ આલિયાને ત્યાંથી બચાવી ઇન્ડિયા લાવવા માગતો હોય છે. પહેલા ચાર એપિસોડમાં કેવી રીતે આલિયાને ખોટી રીતે લગ્ન કરીને સિરિયા લઈ જવામાં આવે છે અને કેવી રીતે અવિનાશ પ્લાન બનાવે છે એ દેખાડવામાં આવ્યું હતું. પાંચમા એપિસોડથી અવિનાશ તેની ગતિવિધિને તેજ કરે છે. તે અમેરિકન ઇન્ટેલિજન્સ સર્વિસ સાથે મળીને આલિયાને બચાવવા માગતો હોય છે અને બદલામાં તેમને ઇન્ફર્મેશન આપે છે. જોકે અમેરિકન તેમની જુબાનથી ફરી જાય છે. તેઓ મોહસિનના ઘર પર ડ્રોન સ્ટ્રાઇક કરવા માગે છે અને આલિયા એમાં કોલૅટરલ ડૅમેજ હોય છે. અમેરિકનને આલિયાની પરવા નથી હોતી. તેમનો ટાર્ગેટ મોહસિન હોય છે, કારણ કે તે સુસાઇડ બૉમ્બર હોય છે અને ઉપરથી પાઇલટ પણ હોય છે. અમેરિકન ફરી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સીક્વલ નથી ઇચ્છતા હોતા એથી તેઓ મોહસિનને તરત જ મારવાનો પ્લાન બનાવે છે. જોકે અવિનાશ અમેરિકન પર દબાણ લાવે છે અને તેમની પાસે ૪૮ કલાક માગે છે આલિયાને બચાવવા માટે. આના પર બાકીના ત્રણ એપિસોડ છે જે દરેક લગભગ ૪૫ મિનિટના છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
રિતેશ શાહ અને બેનઝીર અલી ફિદા દ્વારા રિસર્ચ કરીને આ શોનો સ્ક્રીનપ્લે લખવામાં આવ્યો છે. તેમણે દરેક બાબતને ખૂબ જ સારી રીતે વણી લીધી છે. તેમ જ તેમના ડાયલૉગ ફિલ્મી નહીં, પરંતુ વધુપડતા રિયલ લાગે છે જેથી વધુ સારી રીતે કનેક્ટ થઈ શકાય છે. તેમ જ તેમણે એને ખૂબ જ સિમ્પલ બનાવવાની કોશિશ કરી છે. ભાવ ધુલિયાએ તેના ડિરેક્શન દ્વારા દર્શકોમાં કુતૂહલ જગાડી રાખ્યું છે. દર્શકોને એ જિજ્ઞાસા હતી કે અવિનાશ કેવી રીતે આલિયાને બચાવશે. જોકે એ માટે ઘણી રાહ જરૂર જોવી પડી છે, પરંતુ ત્યાં સુધી પહોંચાડવા માટે ભાવ ધુલિયાએ દર્શકોને જકડી રાખ્યા છે. ક્લાઇમૅક્સ ખૂબ જ ક્લીન અને સરળ રાખવામાં આવ્યો હોય એવું લાગે છે. એને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાયો હોત. ઇન્ટેલિજન્સ ઑફિસરની કમાલ હોય છે કે અન્યને ખબર પડે એ પહેલાં ઓછામાં ઓછું ડૅમેજ કરીને ત્યાંથી નીકળી જવું અને એ વાતને અહીં ધ્યાનમાં રાખવામાં આવી છે. જોકે આ એક ક્રાઇમ-થ્રિલર અને ટેરરિસ્ટ પર આધારિત શો હોવા છતાં એમાં બ્લડને ખૂબ જ ઓછું દેખાડવામાં આવ્યું છે. એક તરફ ઍક્શનની આશા રાખવામાં આવી રહી હતી, પરંતુ એ ખૂબ જ ઓછી દેખાડવામાં આવી છે. અહીં ‘ટાઇગર’ અને ‘પઠાન’ની વાત નથી થઈ રહી, કારણ કે તેઓ મિશન કરતાં વધુ વૉર પર જતાં હોય એવું લાગે છે. આ સાથે જ નીરજ પાંડેનો શો હોય અને એમાં ટ્વિસ્ટ અને ટર્ન ન હોય એવું શક્ય બને ખરું? આ શોમાં અક્ષયકુમારની ‘બેબી’ની ઝલક પણ જોવા મળશે.
પર્ફોર્મન્સ
મોહિત રૈનાએ આ શોના પહેલા પાર્ટમાં ખૂબ જ સારું કામ કર્યું હતું અને બીજા પાર્ટમાં પણ તેણે એ જાળવી રાખ્યું છે. ઓછાંમાં ઓછાં અને કામ પૂરતાં એક્સપ્રેશન તેની પર્સનાલિટીને વધુ સૂટ કરતાં હતાં. તેણે એક મર્સિનરી અને પત્ની સાથે હોય ત્યારે એક અલગ સાઇડ દેખાડી છે. તેની પત્ની મૃણાલના પાત્રમાં મંજરી ફડણીસ હતી, પરંતુ તેની પાસે ખાસ કામ નહોતું. મોહસિનનું પાત્ર ભજવનાર નવનીત મલિકે સારું કામ કર્યું છે. આ ત્રણ એપિસોડમાં અવિનાશની ટીમમાં ડૅનિયલ ક્લિફોર્ડ, વિકાસ, આદિત્ય રાવત અને સાઇરી સલમાએ પણ સારું કામ કર્યું છે. પહેલા ચાર એપિસોડમાં આલિયાનું પાત્ર ભજવનાર કાશ્મીરા પરદેશી પાસે એટલું કામ નહોતું, પરંતુ આ ત્રણ એપિસોડમાં તેણે દરેક કસર પૂરી કરી છે. તેણે ખૂબ જ સારું કામ કર્યું છે અને એક ટ્વિસ્ટ પણ જોરદાર છે. નીરજ પાંડેનો પ્રોજેક્ટ હોય એમાં અનુપમ ખેર માટે કામ ફિક્સ હોય છે. અનુપમ ખેરે તેને આપવામાં આવેલું કામ ખૂબ જ સારી રીતે
ભજવ્યું છે.
આખરી સલામ
આ શોમાં વધુ ઍક્શનની આશા જરૂર રાખવામાં આવી હતી અને એને દેખાડી પણ શકાઈ હોત. જોકે જરૂર હોય એ જ દૃશ્યો દેખાડવામાં આવ્યાં છે અને સિનેમૅટોગ્રાફી પણ ખૂબ જ સારી છે. સિરિયાને લઈને હંમેશાં એક પર્ટિક્યુલર ઇમેજ ફિક્સ કરવામાં આવી છે, પરંતુ અહીં અલગ જ રીતે સિરિયાને દેખાડવામાં આવ્યું છે.