02 August, 2023 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ તિવારી
ભોજપુરી ઍક્ટર અને ભારતીય જનતા પાર્ટીના એમપી મનોજ તિવારીએ ડિમાન્ડ કરી છે કે ઓટીટીમાંથી સ્મોકિંગના દૃશ્યને હટાવવામાં આવે. તેનું માનવું છે કે ઓટીટી પર હવે સ્મોકિંગનાં દૃશ્યો દેખાડવાનો ટ્રેન્ડ બની ગયો છે. આથી તમાકુને પ્રમોટ કરતા અટકાવવા માટે તરત જ ઍક્શન લેવાની ડિમાન્ડ તેણે કરી છે. ફિલ્મ પાઇરસીને અટકાવવા માટે ધ સિનેમૅટોગ્રાફ અમેન્ડમેન્ટ બિલ 2023 પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પહેલાં રાજ્યસભામાં પાસ થઈ ગયું છે અને હવે એને લોકસભામાં પણ પાસ કરવામાં આવ્યું છે. એ દરમ્યાન મનોજ તિવારીએ કહ્યું કે ‘આજકાલ મૂવીની સાથોસાથ ઓટીટી પ્લૅટફૉર્મ પણ ખૂબ પૉપ્યુલર થયાં છે. આ પ્લૅટફૉર્મ પર ખૂબ સારા પ્રોજેક્ટ આવી રહ્યા છે. જોકે સિગારેટ અને તમાકુનું સેવન કરતાં દૃશ્ય દેખાડવાનો ટ્રેન્ડ વધી ગયો છે. ઍક્ટર્સ, પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અથવા દૃર્શકો આવાં દૃશ્યો જોવા નથી માગતા, તો પછી એને શા માટે દેખાડવામાં આવે છે? ભારતની આટલા કરોડ જનતાની કોઈને પડી ન હોય એવું નથી. ઓટીટી માટે તમાકુ પર પ્રતિબંધ લગાવવાનો નિયમ લાગુ કરવો જોઈએ અને એ માટે સરકારનો આભાર માનવો જોઈએ.’