16 April, 2020 06:33 PM IST | Mumbai | Nirali Dave
સૌરભ રાજ જૈન
લૉકડાઉનને કારણે સ્ટાર પ્લસ પર પૌરાણિક સિરિયલ ‘મહાભારત’નું રિપીટ ટેલિકાસ્ટ શરૂ થયું છે એથી ચાહકો આનંદમાં છે. આ શોનાં બધાં જ પાત્રો અને ખાસ કરીને શ્રીકૃષ્ણના પાત્રમાં સૌરભ રાજ જૈન અત્યંત જાણીતો બન્યો છે. ભગવાન શ્રીકૃષ્ણનું અવિસ્મરણીય પાત્ર ભજવ્યા બાદ સૌરભ રાજ જૈનને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. સોશ્યલ મીડિયા પર સૌરભ રાજ જૈને આ શો વિશે કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી અને જૂની યાદો વાગોળી હતી.
‘મહાભારત’માં શ્રીકૃષ્ણ જ્ઞાન આપે છે એ સીન જ્યાં ભજવાયા હતા ત્યાં વૃંદાવનની ફીલ લાવવા માટે બતકો રાખવામાં આવ્યા હતા. આ સીન વિશે સૌરભ રાજ જૈન કહે છે કે ‘જ્યારે પણ હું કૃષ્ણ બનીને ઉપદેશ આપવાનું શરૂ કરતો ત્યારે બતકો જોરશોરથી ‘ક્વેક ક્વેક’ કરવા લાગતા એટલે શૂટિંગ વખતે બહુ મુશ્કેલી પડતી. જોકે ધીમે-ધીમે મને ખ્યાલ પડી ગયો કે બતકો ક્યારે બોલે છે એથી હું ડાયલોગ બોલતાં-બોલતાં અટકી જતો. જાણે બતકો અને મારા વચ્ચે એક અલગ જ વાતચીત થતી હોય એવું લાગતું. એ પછી તો અમારી ‘ટ્યુનિંગ’ને લીધે શૂટિંગનું કામ પણ સરળ થઈ ગયું. અમે ‘કૃષ્ણ ઉપદેશ’ના સીન માટે રાત-દિવસ શૂટિંગ કરતાં હતાં. મારામાં કૃષ્ણનું પાત્ર ભજવ્યા બાદ એક અલગ જ સ્થિરતા આવી ગઈ હતી જેથી હું દર વખતે સ્માઇલ સાથે એ જ ઊર્જાથી ડાયલોગ બોલતો.’