04 May, 2024 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉમેડિયન ભારતી સિંહ
કૉમેડિયન ભારતી સિંહને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઊપડ્યો હતો. એથી હૉસ્પિટલમાં તેને ઍડ્મિટ કરવામાં આવી અને તેને ગૉલબ્લૅડરમાં સ્ટોન હોવાનું ડિટેક્ટ થયું હતું. એની સર્જરી કરવામાં આવી છે અને તે હવે રિકવર કરી રહી છે. કલર્સ પર આવતા ‘ડાન્સ દીવાને 4’ને ભારતી હોસ્ટ કરી રહી છે. તેના કૉમિક ટાઇમિંગથી શોમાં ચાર ચાંદ લાગી જાય છે. હવે ભારતીએ પોતાની તકલીફને એક વિડિયો દ્વારા વ્યક્ત કરી છે. હૉસ્પિટલમાં તે પોતાના દીકરા લક્ષ સિંહ લિંબાચિયા જેનું હુલામણું નામ તેમણે ગોલા રાખ્યું છે તેને ખૂબ મિસ કરી રહી છે. વિડિયોમાં ભારતી કહી રહી છે કે તેને સતત પેટમાં દુખતું હતું. તેને એમ લાગતું હતું કે કદાચ ઍસિડીટી છે અથવા તો ગૅસ્ટ્રો છે. જોકે જ્યારે પીડા સહન ન થઈ તો બધી ટેસ્ટ કરાવ્યા બાદ ગૉલબ્લૅડરમાં સ્ટોન હોવાનું નિદાન થયું હતું. તેણે પોતાના ફૅન્સને પણ સલાહ આપી છે કે કોઈ પણ પ્રકારનો દુખાવો ઊપડે તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને જરૂર પડે તો ટેસ્ટ પણ કરાવી લેવી. આ તકલીફની વચ્ચે દીકરાને યાદ કરતાં તે રડવા લાગી હતી. તેનું કહેવું છે કે આજ સુધી ક્યારેય તેણે દીકરાને ઘરે રાતે એકલો નથી રાખ્યો. ભારતી સ્વસ્થ થઈને જલદી ઘરે આવી જાય એવી આપણે પ્રાર્થના કરીએ.