17 December, 2020 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેતન હંસરાજ અને રૂપા દિવેટિયા
ચેતન હંસરાજ અને રૂપા દિવેટિયા ઝી ટીવી પર આવતા ‘બ્રહ્મરાક્ષસ 2’માં ૧૬ વર્ષ બાદ ફરી એક વખત સ્ક્રીન શૅર કરશે. આ શોને એકતા કપૂરનાં બાલાજી ટેલિફિલ્મ્સે પ્રોડ્યુસ કર્યો છે. આ શોમાં નિક્કી શર્મા લીડ કૅરૅક્ટર કાલિંદીનું પાત્ર ભજવી રહી છે તો પર્લ પુરી અંગદના રોલમાં છે. આ મુખ્ય પાત્રોના જીવનમાં ચેતન હંસરાજ અને રૂપા દિવેટિયા ખળભળાટ મચાવવાનાં છે. બ્રહ્મરાક્ષસનો રોલ ચેતન અને ગેહનાનો રોલ રૂપા ભજવશે. રૂપા દિવેટિયા સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં ચેતન હંસરાજે કહ્યું હતું કે ‘હું રૂપાજી સાથે મારા પહેલા શોમાં કામ કરી ચૂક્યો છું. અમે ‘બ્રહ્મરાક્ષસ 2’ના સેટ પર ફરીથી સાથે આવ્યાં છીએ. એ મારા માટે ગ્રેટ ફીલિંગ છે. મેં બાલાજી સાથે અનેક શોમાં કામ કર્યું છે. હું હંમેશાંથી કેટલાક લોકોને જોતો આવ્યો છું, પછી એ ઍક્ટર્સ હોય કે પછી સ્પૉટ દાદા હોય કે કૅમેરામેન હોય. એ બધાની સાથે મેં અગાઉના શોમાં કામ કર્યું છે. મારા માટે તો ભૂતકાળને ફરીથી જીવવા સમાન છે. રૂપાજી સાથે ફરીથી કામ કરવાની તક મળવી એ મારા માટે માનની વાત છે.’
બીજી તરફ ચેતન સાથે કામ કરીને ખુશી મળે છે એવું જણાવતાં રૂપા દિવેટિયાએ કહ્યું હતું કે ‘ચેતન સાથે કામ કરવાનો અનુભવ હંમેશાં આહ્લાદક રહ્યો છે. આ બધા સિવાય અમે ઘણાં વર્ષો બાદ સાથે કામ કરી રહ્યાં છીએ. ચેતને બાળ કલાકાર તરીકે પોતાની કરીઅરની શરૂઆત મારી સાથે કરી હતી. એ વખતે તે ખૂબ નાનો હતો. હવે તો તે મૅચ્યોર ઍક્ટર બની ગયો છે. ‘બ્રહ્મરાક્ષસ 2’માં ફરીથી તેની સાથે કામ કરવું મારા માટે આનંદની વાત છે.’