'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં બાઘાનું પાત્ર કઈ રીતે બન્યું? જાણો

30 January, 2020 07:48 AM IST  |  Ahmedabad | Parth Dave

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં બાઘાનું પાત્ર કઈ રીતે બન્યું? જાણો

તન્મય વેકરિયા (બાઘા)

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બાઘા’નું પાત્ર ભજવતો અભિનેતા અમદાવાદમાં માતૃભારતી દ્વારા આયોજિત ‘શબ્દોત્સવ’ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. ત્યાં તેને કઈ રીતે સિરિયલમાં અતિજાણીતું બનેલું બાઘાનું પાત્ર મળ્યું એ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ‘હું સ્મૃતિ ઈરાનીની સિરિયલ ‘મણિબેન ડૉટકૉમ’માં તેમના ભાઈનું પાત્ર ભજવતો હતો. એ દરમ્યાન ‘તારક મેહતા...’ સિરિયલમાં હું ટૅક્સી અને રિક્ષાવાળાના સાવ નાના રોલમાં આવતો રહેતો. થયું એવું કે નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યાપ નાયકને માઇનર અટૅક આવ્યો અને તેમણે બાયપાસ સર્જરી કરાવવી પડે એમ હતી. એ વખતે સિરિયલમાં દુકાનની જ સીક્વન્સ ચાલતી હતી, માટે તેમને એવા કોઈ પાત્રની ફરજિયાત જરૂર પડી જે દુકાનમાં કામ કરતો હોય. એ માટે પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ નટુકાકાના ભત્રીજાને લાવવાનું વિચાર્યું.’

મજાની વાત એ છે કે બાઘાનું પાત્ર ચાર-પાંચ એપિસોડ માટે જ આવવાનું હતું. ત્યાર પછી ઘનશ્યામભાઈ બરાબર થઈ જાય એટલે એ પાત્રને આવજો કહી દેવાનું હતું. તન્મય વેકરિયા કહે છે કે ‘પણ એ પાત્ર દર્શકોને ખૂબ પસંદ પડ્યું અને નિર્માતા આસિતકુમાર મોદીને પણ એ ગમ્યું. માટે તેમણે એ પાત્ર પર્મનન્ટ કરી નાખ્યું!’

તન્મય કહે છે, ‘ત્યાં સુધી ‘તારક મેહતા...’ના ઑલરેડી ૫૦૦ એપિસોડ આવી ચૂક્યા હતા અને બાકીનાં પાત્રો ખાસ્સાં લોકપ્રિય થઈ ચૂક્યાં હતાં. એમાં આ એક નવું પાત્ર લોકોએ સ્વીકાર્યું હતું એ રસપ્રદ બાબત હતી. ૨૦૧૦ની ૨૭ ડિસેમ્બરે રાતે સાડાઆઠથી નવ વાગ્યા વચ્ચે મારી લાઇફ બદલાઈ ચૂકી હતી!’

taarak mehta ka ooltah chashmah television news tv show