Web Show Review: ‘અભય’માં ભય પડ્યો ભારે

14 February, 2019 12:09 PM IST  |  | હર્ષ દેસાઈ

Web Show Review: ‘અભય’માં ભય પડ્યો ભારે

કુણાલ ખેમુની ‘અભય’નું સ્ટાર્ટિંગનું દૃશ્ય જોઈને લાગે છે કે આ શોમાં જબરદસ્ત મજા આવશે. જોકે ખોદા પહાડ નિકલા ચુહા જેવી આ શોની સ્થિતિ છે. ‘અભય’ને રિયલ લાઇફ ઇન્સિડન્ટ પરથી બનાવવામાં આવ્યો છે. રિયલ ઘટના પરથી હોવાથી તેમની પાસે પ્લૉટ તો ઉપલબ્ધ હતો જ, પરંતુ એને નવી દુલ્હનની જેમ સજાવી નથી શક્યા. આ શોને CID જેવો બનાવવામાં આવ્યો છે. કહેવાની જરૂર નથી કે CIDના પ્રોડ્યુસર બી. પી. સિંહ દ્વારા કરવામાં આવ્યો છે. આ સિરિયલનું નામ ‘અભય’ આમ તો સ્પેશ્યલ ટાસ્ક ર્ફોસના ઑફિસર અભય પરથી રાખવામાં આવ્યું છે જે પોતે હંમેશાં ભયમાં રહે છે.


આ શોનો માઇન્સ પૉઇન્ટ આ-ભય જ છે. પ્લૉટમાં કુણાલ ખેમુનો એક સબપ્લૉટ ચાલે છે અને તેને હંમેશાં ડર હોય છે કે તેના દીકરાને કોઈ મારી નાખશે. તે તેના ઘરમાં ઘ્ઘ્વ્સ્ લગાવે છે અને એનું આઉટપુટ પોતાના બેડરૂમના ટીવીમાં અને મોબાઇલમાં હોય છે. ૪૬ મિનિટ અને સાત સેકન્ડના આ શોમાં તે પોતે તેના દીકરાને મારી નાખ્યો હોવાનું સપનું જુએ છે. રિયલ લાઇફ સ્ટોરી હોવાથી કુણાલના આ-ભયને દેખાડવાની કોઈ જરૂર નહોતી.


આ શોનો હાલમાં એક જ એપિસોડ રિલીઝ થયો છે, પરંતુ દર મહિને એક રિલીઝ કરવાનું આયોજન છે. ૨૦૦૬ના નોએડા સિરિયલ મર્ડર અથવા નોએડા કાંડ અથવા નિઠારી સિરિયલ મર્ડર તરીકે ઓળખવામાં આવતા કેસ પરથી આ પહેલો શો બનાવવામાં આવ્યો છે. આ કેસમાં બિઝનેસમૅન મનિન્દર સિંહ પંઢેર અને તેના નોકર સુરિન્દર કોલીને સિરિયલ મર્ડર, આદમખોરી, સેક્સ્યુઅલ અબ્યુઝ અને નેક્રોફિલિયા માટે દોષી જાહેર કરવામાં આવ્યા હતા. સુરિન્દર કોલીને આ કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી, પરંતુ ૨૦૧૪ની સાત સપ્ટેમ્બરે સુપ્રીમ ર્કોટ દ્વારા તેને આજીવન કેદની સજા આપી હતી. આ કેસને હૂબહૂ આ શોમાં લેવામાં આવ્યો છે, જેમાં મોનિન્દર સિંહના પાત્રમાં દીપક તિજોરી અને સુરિન્દર કોલીના પાત્રમાં ગોપાલ સિંહે કામ કર્યું છે. ‘કંપની’, ‘બદલાપુર’ અને ‘અંધાધુન’ જેવી ફિલ્મોમાં જોવા મળેલા ગોપાલ સિંહે ખૂબ જ અદ્ભુત કામ કર્યું છે. તે જ્યારે નાની બાળકી પર જુલમ કરી રહ્યો હોય કે તેના મૃત્યુ બાદ તેની બૉડીના ટુકડા કરી રહ્યો હોય ત્યારે એની તે મજા લઈ રહ્યો હોય એવું દેખાઈ આવે છે. આ દૃશ્ય જોઈને તેને ધિક્કારવાનું મન થાય છે અને એ જ ખરા ઍક્ટરની નિશાની છે.


‘ઇશ્ક વિશ્ક’, ‘ફિદા’ અને ‘ચાન્સ પે ડાન્સ’ ફિલ્મોને ડિરેક્ટ કરનાર કેન ઘોષ અને વિવેક ઑબેરૉયની ‘પ્રિન્સ’ના ડિરેક્ટર કુકી ગુલાટી દ્વારા આ એપિસોડ ડિરેક્ટ કરવામાં આવ્યો છે. ફિલ્મોનાં નામ કહ્યા બાદ ડિરેક્શન વિશે વધુ કહેવાની જરૂર નથી લાગતી. જોકે આ એપિસોડમાં કેટલાંક દૃશ્યો એવાં હતાં કે જેમાં સામાન્ય માણસ પણ ભૂલને ઓળખી શકે. એક દૃશ્યમાં કુણાલ ખેમુ જ્યારે ગોપાલ સિંહના ઘરે જાય છે ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો રહે છે અને શૂટિંગ જોવા માટે ભેગા થયેલા લોકોને જોઈ શકાય છે. કુણાલ આ દૃશ્ય બાદ ગોપાલનો પીછો કરે છે ત્યારે એક બાઇક પર બે યુવાન દેખાય છે. સિરિયસ દૃશ્ય ચાલી રહ્યું હોય ત્યારે પણ તેઓ કૅમેરાની સામે જોઈને હસતા દેખાય છે. જોકે આ પૂછપરછ દરમ્યાન ગોપાલના ઘરમાં એક દૃશ્ય દેખાડવામાં આવ્યું છે કે તેના બાળકના હાથમાં રમકડું જોઈને કુણાલને શંકા જાય છે. આ રમકડામાં ઉપર ચાર પાસા હોય છે અને એની નીચે બીજા ત્રણ પાસા હોય છે. આ દૃશ્ય બાદ કુણાલ ઘરમાંથી નીકળી જાય છે અને અટકે છે અને ત્યાં સંતાઈને કલાકો સુધી કોઈના આવવાની રાહ જુએ છે. એક વાર કોઈ પણ દર્શકના મગજમાં એવું થાય કે પેલા બાળકે કંઈ હિન્ટ આપી હશે. જોકે હકીકત શું છે એ પાછળથી ખબર પડે છે.


કુણાલનું કૉમેડી ટાઇમિંગ જોરદાર છે. ‘ગો ગોવા ગોન’ હોય કે પછી ‘ગોલમાલ’ સિરીઝ એમાં એ જોઈ શકાય છે. જોકે આ સિરીઝમાં તેણે એક સિરિયસ પાત્ર ભજવ્યું છે. પોલીસનું પાત્ર તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે, પરંતુ ટ્રેલરમાં જે કહેવામાં આવ્યું છે કે તે કોઈ પણ હદ સુધી પહોંચી શકે છે એવું આમાં કંઈ ખાસ નથી. તે એક દુકાનદારને મારીને તેની પાસેથી વાત કઢાવતો જોવા મળે છે. મેકર્સને કદાચ એ ખબર નહીં હોય કે આમચ્યા કડે સિંઘમ આહે. કુણાલે તેના ચહેરાના એક્સપ્રેશન હોય કે બૉડી-લૅન્ગ્વેજ, એક ઑફિસર તરીકે તેણે ખૂબ જ સારું કામ કર્યું છે. જોકે તે ફાઇટમાં માર ખાઈ ગયો છે. શોના એન્ડમાં તે દીપક તિજોરીને મારતો જોવા મળે છે. આ ફાઇટમાં તે ફક્ત તમાચા જ મારે છે, જ્યારે તેની ટીમ દ્વારા કહેવામાં આવે છે કે બસ કરો નહીંતર તે મરી જશે. પોલીસ-ઑફિસરને માથામાં પાછળથી કોઈ લોખંડનો સળિયો મારે ત્યારે જવાબમાં સની દેઓલનો ઢાઈ કિલોનો હાથ અથવા તો સિંઘમનો પંજો જોવા ન મળે તો અધૂરું લાગે છે. એક દર્શક તરીકે પણ તમે એની મજા નહીં લઈ શકો. જોકે એમાં વાંક કુણાલ ખેમુનો નથી, પરંતુ રાઇટર અને ડિરેક્ટરનો છે. તેમની પાસે ખૂબ જ સારી સ્ટોરી હતી, પરંતુ ડ્રામાનો તડકો ઉમેરવામાં ન ઘરના રહ્યા ન ઘાટ કા એવું કામ થયું છે.

આ પણ વાંચોઃ Web Show Review: ફૉર મૉર શૉટ્સ પ્લીઝ

આ એપિસોડ બાદ નવો એપિસોડ આવવાનો છે. એની સ્ટોરીને લઈને મેકર્સને કહેવું પડશે કે ‘ભાઉ જે મલા માહિત નાહીં તે સાંગા... ટેલ મી સમથિંગ આઇ ડોન્ટ નો.’