ફિલ્મ-રિવ્યુ: ભૂત - પાર્ટ વન : ધ હૉન્ટેડ શિપ

22 February, 2020 11:17 AM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુ: ભૂત - પાર્ટ વન : ધ હૉન્ટેડ શિપ

‘ભૂત - પાર્ટ વન : ધ હૉન્ટેડ શિપ’

ધર્મા પ્રોડક્શન એટલે કે કરણ જોહર પહેલી વાર હૉરર ફિલ્મ લઈને આવ્યો છે. આ હૉરર ફિલ્મ એટલે ‘ભૂત - પાર્ટ વન : ધ હૉન્ટેડ શિપ’ આ ફિલ્મ દ્વારા વિકીએ પણ પહેલી વાર હૉરર ફિલ્મમાં કામ કર્યું છે. બૉલીવુડમાં છેલ્લી કોઈ સારી હૉરર ફિલ્મ બની હોય તો એ છે ૨૦૦૨માં આવેલી ‘રાઝ’ અને ૨૦૦૩માં આવેલી ‘ભૂત’. ‘ભૂત’ને રામ ગોપાલ વર્માએ જ બનાવી હતી અને તેણે જ આ ટાઇટલ કરણ જોહરને આપ્યું હતું, જે માટે ફિલ્મની ક્રેડિટમાં તેમનો આભાર પણ માનવામાં આવ્યો હતો.

ફિલ્મની સ્ટોરી

વિકી કૌશલનાં લગ્ન ભૂમિ પેડણેકર સાથે થાય છે અને તેમને એક દીકરી હોય છે. એક અકસ્માતમાં વિકીએ બન્નેને ખોઈ દીધાં હોય છે અને એના સદમામાંથી તે બહાર નહોતો આવી શકતો. ડૉક્ટર તેને હેલુસિનેશન માટે દવા આપે છે, પરંતુ તે દીકરી અને પત્નીને થોડા સમય માટે પણ જોઈ શકતો હોવાથી તે દવા નથી લેતો. આ દરમ્યાન મુંબઈના જુહુ પર અચાનક ‘સી બર્ડ’ શિપ આવીને ઊભી રહે છે. આ શિપ પર કોઈ નથી હોતું અને એથી લોકોમાં કુતૂહલ જાગે છે. વિકી શિપિંગ ડિપાર્ટમેન્ટમાં સર્વે ઑફિસર હોય છે અને આ શિપનું કામ તેને મળે છે. તેને જાણ થાય છે કે શિપ હૉન્ટેડ છે અને ત્યાંથી ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે.

ડિરેક્શન અને સ્ક્રીનપ્લે

ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન ભાનુ પ્રતાપ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરીમાં દમ નથી. ભૂતની એન્ટ્રી અને એ કોણ છે અને કેમ છે એ કહેવા પાછળ ખૂબ જ સમય બગાડવામાં આવ્યો છે. ઇન્ટરવલ પહેલાં સ્ટોરી એસ્ટાબ્લિશ કરવામાં ખૂબ જ સમય ફાળવ્યો છે અને ત્યાર બાદ શિપ કેમ હૉન્ટેડ હોય છે એની પાછળનું કારણ શોધવામાં પણ નકામો સમય વેડફાયો છે. સ્ક્રીનપ્લે ખૂબ જ નબળો છે અને પાત્રને પણ વધુ સારી રીતે લખવામાં નથી આવ્યાં. સેકન્ડ હાફ ખેંચવામાં આવ્યો હોવાથી સ્ટોરીનો ચાર્મ જે છે એ પણ મરી જાય છે.

ફિલ્મમાં જાન રેડવાની વિકીની ભરપૂર કોશિશ

વિકી કૌશલ તેની મહેનતથી ઉપર આવ્યો છે અને તેની ઍક્ટિંગનો પરચો તેણે દેખાડ્યો છે. આ ફિલ્મમાં પણ તેની ઍક્ટિંગ જોરદાર છે. સ્ટોરી અને ડિરેક્શનમાં દમ ન હોવા છતાં વિકીએ તેની ઍક્ટિંગની ફિલ્મની સ્ટોરીને પાટા પર રાખવાની જોરદાર કોશિશ કરી છે. તેણે તેનાં એક્સપ્રેશન દ્વારા દૃશ્યોને વધુ સિરિયસ અને ડરામણાં બનાવવાની કોશિશ કરી છે. ફિલ્મમાં વધુ પાત્ર નથી, પરંતુ આશુતોષ રાણાએ નાનકડું પણ મહત્વનું પાત્ર ભજવ્યું છે. વિકીના કો-સ્ટારે પણ સારું કામ કર્યું છે અને થોડો માહોલ હલકો કરવાની કોશિશ કરી છે, પરંતુ પહેલાં ફિલ્મને હૉરર બનાવવાની જરૂર હતી.

મ્યુઝિક અને બૅકગ્રાઉન્ડ સ્કોર

ફિલ્મમાં એકમાત્ર ગીત ‘ચન્ના વે’ છે જે અખિલ સચદેવાએ કમ્પોઝ કર્યું છે. તેણે આ ગીતમાં અવાજ આપવાની સાથે બોલ પણ લખ્યા હતા. બૅકગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ સારો છે અને એને કારણે ફિલ્મ પર ઘણી ઇફેક્ટ જોવા મળી છે.

નબળાં પાસાં

ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને કૅમેરા વર્ક જોરદાર હોવા છતાં ફિલ્મ એટલી ડરામણી નથી લાગતી. આ પાછળનું કારણ છે સ્ટોરી. શિપ કેમ હૉન્ટેડ છે અને ભૂત કેમ આ શિપ પર રહે છે અને લોકોને કેવી રીતે ડરાવે છે એ યોગ્ય રીતે રજૂ નથી કરી શકાયું. મોટા ભાગની હૉરર ફિલ્મમાં ભૂતને બોલતું દેખાડવામાં આવે છે, પરંતુ આ ફિલ્મમાં એ એક પણ શબ્દ નથી બોલતું. તેમ જ કોઈ વ્યક્તિના મૃત્યુ પહેલાં કોઈ કામ અધૂરું રહી ગયું હોય તો તેનો આત્મા ભટકતો રહે છે. આ ફિલ્મમાં પણ એવું જ છે, પરંતુ એ કામ પૂરું થયા પછી પણ આત્મામાં ગુસ્સે કેમ રહે છે એ સમજમાં નથી આવતું. તેમ જ એક દૃશ્યમાં વિકી કાચની સામે ઊભો હોય છે અને તેને અહેસાસ થાય છે કે ભૂત આવી રહ્યું છે. આ દૃશ્યને જોઈને કરણની ‘કભી ખુશી કભી ગમ’ની જયા બચ્ચન અને શાહરુખ ખાનની કેમિસ્ટ્રી યાદ આવે છે. તેમ જ એક દૃશ્યમાં વિકી શિપની અંદર ફસાયો હોય છે અને એની અંદર પાણી હોય છે. આ પાણી દરિયામાંથી આવ્યું હોય છે અને એ શિપમાં હોય છે. શિપમાં જો કાણું હોય તો થોડા સમયમાં આખી શિપ પાણીમાં બેસી જાય, પરંતુ અહીં એવું કેમ ન થયું એ સવાલ છે. આ સાથે જ ફિલ્મમાં આશુતોષ રાણાને પ્રોફેસર દેખાડવામાં આવ્યો છે. તેની પાસે એક યંત્ર હોય છે જેનાથી આત્મા આસપાસ હોય અથવા તો એની કોઈના પર અસર પડી હોય તો ખબર પડી જાય છે. આ દૃશ્યથી એવું લાગે છે કે આશુતોષ રાણાએ આ વિશે કોઈ ઊંડાણથી અભ્યાસ કર્યો હશે. જોકે અંતમાં તેઓ આ ભૂતથી બચવા માટે શ્લોકનું ઉચ્ચારણ કરે છે. લાઇક સિરિયસલી.

આખરી સલામ

ધર્મા પ્રોડક્શન અને વિકી કૌશલની પહેલી હૉરર ફિલ્મને કારણે જોવા જઈ શકાય છે. તેમ જ બૉલીવુડની ટિપિકલ હૉરર - હૉર્ની - ફિલ્મોથી આ અલગ છે.

vicky kaushal bollywood movie review film review movie review bollywood news entertaintment harsh desai