ટ્યુબલાઇટ - લો વૉલ્ટેજ

24 June, 2017 07:04 AM IST  | 

ટ્યુબલાઇટ - લો વૉલ્ટેજ

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

આપણે ત્યાં બાળકોની ફિલ્મો શા માટે બનતી નથી? જવાબ છે, એને બદલે સલમાનભાઈની તેમને મૅન-ચાઇલ્ડ તરીકે પેશ કરતી ફિલ્મો બને છે એટલે. દુનિયાની કોઈ પણ ફિલ્મનું સલમાનીફિકેશન કરો એટલે એનો હીરો આપોઆપ પ્યૉર મૅન વિથ ગોલ્ડન હાર્ટમાં કન્વર્ટ થઈ જાય. એ જ ક્રમમાં ‘બજરંગી ભાઈજાન’ના સલમાનને હજી વધુ બાળસહજ બનાવો એટલે ‘ટ્યુબલાઇટ’નો સલમાન મળી આવે. પરંતુ યોગ્ય રીતે લખાઈ ન હોય તો સલમાનની ક્યુટનેસ પણ ફિલ્મની ટ્યુબલાઇટને ફ્યુઝ થતાં બચાવી શકે નહીં.

વૉર, પીસ ઍન્ડ યકીન

‘ટ્યુબલાઇટ’ વાર્તા છે કુમાઉંના એક નાનકડા ગામ જગતપુરમાં રહેતા બે ભાઈ લક્ષ્મણ (સલમાન ખાન) અને ભરત (સોહૈલ ખાન)ની. લક્ષ્મણ દિલ સે કમ્પ્લીટ્લી બચ્ચા હૈ જી, એટલે જ ગામમાં સૌ તેને ટ્યુબલાઇટ કહીને ઉતારી પાડે છે. ધિંગામસ્તી કરતાં બન્ને ભાઈ મોટા થાય છે ત્યાં જ ૧૯૬૨માં ભારત-ચીનનું યુદ્ધ છેડાય છે. ભારતમાતાની હાકલ પડે છે એટલે અહીં ભરતને વનવાસ થાય છે. એટલે કે તે યુદ્ધમાં લડવા જાય છે અને ત્યાં જ ફસાઈ જાય છે. આ બાજુ ભાઈની પાદુકા એટલે કે તેનાં શૂઝ લઈને ફરતો લક્ષ્મણ ગામના વડીલ બન્નેચાચા (ઓમ પુરી) પાસેથી યકીન કી તાકત વિશે જાણે છે. પોતાના ભાઈને પાછો લાવવાના યકીનની તાકત કેળવવામાં તે ત્યાં રહેતાં ચાઇનીઝ મૂળનાં મા-દીકરા સાથે દોસ્તી કરે છે અને મુન્નાભાઈની જેમ ગાંધીજીના સિદ્ધાંતો પણ જાણે છે. લેકિન આ બધાથી તેનો ભાઈ પાછો આવશે?

(બહોત સારે) સંદેસે આતે હૈં

આપણી હિન્દી ફિલ્મો ક્યાંકથી ઉઠાંતરી કરે અને મૂળ સ્રોતને ક્રેડિટ પણ આપે એ આકાશમાં કોઈ ધૂમકેતુ દેખાય એના જેવી દુર્લભ વાત છે. કબીર ખાનની ‘ટ્યુબલાઇટ’ બે વર્ષ પહેલાં આવેલી ઇંગ્લિશ ફિલ્મ ‘લિટલ બૉય’ની ઑફિશ્યલ રીમેક છે. એટલે એને યોગ્ય ક્રેડિટ પણ અપાઈ છે. મૂળ ફિલ્મમાં એના નામ પ્રમાણે નાનો ટાબરિયો કેન્દ્રમાં હતો જે માત્ર મનથી જ નહીં, તનથી પણ ટેણિયું હતો. ઇંગ્લિશમાંથી હિન્દીમાં આવતાં ફિલ્મની મૂળ એસેન્સ કેવી રીતે ઊડી જાય એનું આ ‘ટ્યુબલાઇટ’ પર્ફેક્ટ એક્ઝામ્પલ છે. ‘લિટલ બૉય’માં બીજા વિશ્વયુદ્ધમાં જપાનીઓ સામે લડવા માટે મોરચે ગયેલા પિતાને પાછા લાવવા માટે પેપર નામનો ટેણિયો રીતસર પહાડ હલાવી નાખે છે, પરંતુ એ પહેલાં દીકરામાં આત્મવિશ્વાસ પૂરવા માટે તેના પપ્પા તેને એક કૉમિકબુક હીરોના માધ્યમથી શ્રદ્ધાનું માહાત્મ્ય સમજાવે છે. ‘ટ્યુબલાઇટ’માં એ વાત સલમાન અને સોહૈલ વચ્ચેના ક્યા તુમ્હેં યકીન હૈ? ટાઇપનાં વાક્યોમાં જ રહી જાય છે (જ્યારે યકીનની જામગરી ચાંપવા માટે બીજા એક સુપરસ્ટારે અવતરવું પડે છે). મૂળ ફિલ્મમાં ચર્ચના પાદરી નાના બાળકને બાઇબલના સિદ્ધાંતોની મદદથી ફરીથી શ્રદ્ધાનું બળ સમજાવે છે. અહીં બડી સ્માર્ટનેસથી ત્યાં ગાંધીજીના સિદ્ધાંતો મૂકી દેવાયા છે, પરંતુ ફિલ્મનું જ એક પાત્ર કહે છે તેમ આ સિદ્ધાંતો માત્ર ટાઇમપાસ માટે જ છે. ફિલ્મની વાર્તાને આગળ વધારવામાં કે સલમાન ટ્યુબલાઇટ ખાનમાં યકીનનું બળ પૂરવામાં કોઈ જ ભાગ ભજવતું નથી. રાધર, સલમાનની પોતાના ભાઈને પાછો લાવવાની કવાયત અને આ તરફ તેની દોડધામ બન્ને વચ્ચે કોઈ જ કનેક્શન દેખાતું નથી. બાય ધ વે, ગાંધીજીનો એક મુખ્ય સિદ્ધાંત અહિંસા પણ હતો, પરંતુ સલમાનભાઈને અહીં એની જરૂર નથી અને એટલે જ તે લાફાવાળી પણ કરી શકે છે.

ફિલ્મના એક સબપ્લૉટ તરીકે ત્રણ પેઢીથી ભારતમાં રહેતાં ચાઇનીઝ મૂળનાં એક મા-દીકરાની સ્ટોરી પણ છે (અંગ્રેજી ફિલ્મમાં ત્યાં જૅપનીઝ વ્યક્તિ હતી). માત્ર તેમનાં મૂળિયાંને કારણે તેમને ધિક્કારાય નહીં અને અલ્ટ્રા નૅશનલિઝમથી કેવી રીતે બચી શકાય એ મેસેજ આ સબપ્લૉટમાંથી બરાબર બહાર આવે છે, પરંતુ એને મૂળ સ્ટોરી સાથે કશી જ લેવાદેવા નથી. વળી તેમનું ચાઇનીઝ વંશજ હોવું એ ગામલોકોના ધિક્કારનું કારણ બને છે એ વાત પણ બહાર આવતી નથી, કેમ કે એક વ્યક્તિ સિવાય કોઈ તેમને ધિક્કારતું નથી. હકીકતમાં આ આખો ટ્રૅક પરાણે ઘુસાડેલો અને થીગડું મારેલો છે. એમાં ચાઇનીઝ અભિનેત્રી ઝુ ઝુ અને એક ક્યુટ ટેણિણા નામે મતિન રે તાંગુએ મુખ્ય ભૂમિકા ભજવી છે. વક્રતા એ છે કે હિન્દી ચીની ભાઈ-ભાઈનો મેસેજ આપવા જતાં ફિલ્મ પોતે ચાઇનીઝ નામોની મજાક ઉડાવે છે. બીજું, આપણે ત્યાં ઑલરેડી નૉર્થ-ઈસ્ટના લોકોને ચાઇનીઝ કહીને હડધૂત કરવાનું કુત્સિત રેસિઝમ ચાલે છે ત્યારે અરુણાચલના એક બાળકને ચાઇનીઝ તરીકે કાસ્ટ કરવો એ આડકતરું રેસિઝમ નથી તો બીજું શું છે?

સલમાનના બાળકબુદ્ધિ પાત્રના પૉઇન્ટ ઑફ વ્યુથી કહેવાઈ હોવાના કારણે હોય કે ગમે તે, પણ ‘ટ્યુબલાઇટ’ અતિશય સિમ્પ્લિસ્ટિક છે. જાણે એક ગામ હતું ટાઇપની બાળવાર્તા જ જોઈ લો. બધાં પાત્રો પણ નનિર્દોષ બાળક, આદર્શ ભાઈ, વાહિયાત યુવાન (જેનો ફુલટાઇમ બિઝનેસ લોકોને હેરાન કરવાનો હોય), યુદ્ધનો ભોગ બનેલા નિરાશ્રિત, મૂડ-સ્વિંગ કરતો આર્મી ઑફિસર, ફિલોસૉફર કાકા, પ્રેમાળ દુકાનદાર એવા સિંગલ રંગે જ રંગાયેલાં છે. કોઈના મનમાં શું ચાલતું હશે કે અમુક અનુભવો પરથી કોઈનામાં કંઈક પરિવર્તન આવે એવું કશું જ ઊંડાણ નહીં. ઈવન આપણને સલમાનના પાત્ર પ્રત્યે સહાનુભૂતિ થાય એ માટે જ કોઈ કારણ વિના અન્ય લોકો સલમાનને હડધૂત કરે છે એવું લાગ્યા કરે. વાર્તા એક નાનકડા ગામમાં આકાર લેતી હોવાને કારણે એકનાં એક લોકેશન્સ પણ વારંવાર અથડાયા કરે. જેમ કે પહાડ, ટાવર, દુકાન, બાંકડો, ક્લિફ અને નદી, ગામનો ચોક ધૅટ્સ ઇટ.

જાતભાતના સંદેશા આપતી ‘ટ્યુબલાઇટ’નો વધુ એક પ્રૉબ્લેમ છે એનો સ્લો પેસ અને હાઈ મેલોડ્રામેટિક રડારોળ. સાઇકલ લઈને અહીંથી તહીં ફરતા રહેતા સલમાન પાસે એટલુંબધું રડાવ્યું છે કે એકાદ વખત આપણનેય (કંટાળીને) રડવાની ઇચ્છા થઈ આવે, પરંતુ એક તબક્કે આપણો સલમાનના પાત્ર સાથેનો ઇમોશનલ બંધ તૂટી જાય એટલે પછીની તમામ રડારોળ ફિઝૂલ લાગવા માંડે. તેમના ફૅન્સને દુ:ખ થશે, પણ અહીં સલમાનભાઈ ક્યાંય શર્ટ ઉતારતા નથી કે વિલનલોગની ધોલાઈ કરતા નથી. ચ્યુઇંગ ગમની પેઠે ચીપકી જાય એવું એકેય ગીત પણ ફિલ્મમાં નથી.

છતાં ફિલ્મની કેટલીક પૉઝિટિવ બાબતોને પણ નોંધવી જ પડે. જેમ કે સલમાન અને નાનકડા ટાબરિયા (મતિન રે તાંગુ) સાથેના મોટા ભાગના સીન મસ્ત છે. ખાસ કરીને કૉમેડી સીન. સલમાનને મૅન ચાઇલ્ડ બનવામાં અને આપણને હસાવવા-રડાવવામાં મહેનત કરવી પડે છે, આઠેક વર્ષનો ટેણિયો બધું એકદમ સહજતાથી કરી બતાવે છે. સલમાનનો સોહૈલ સાથેનો વિદાયનો સદમાની યાદ અપાવે એવો સીન પણ સરસ બન્યો છે. લદ્દાખમાં શૂટ થયેલાં યુદ્ધનાં દૃશ્યોમાં યુદ્ધની ભયાનકતા કરતાં લદ્દાખનું સૌંદર્ય વધુ ધ્યાન ખેંચે છે.

આ ફિલ્મનો સૌથી મોટો ગુનેગાર એનું ભંગાર રાઇટિંગ જ છે. તેમ છતાં પિતાજી કો શરાબને માર ડાલા, માં કો ગમ ને ઔર ગાંધીજી કો હમને જેવાં ગણ્યાંગાંઠ્યાં વનલાઇનર્સમાં સ્માર્ટનેસનો ચમકારો દેખાય છે ખરો. એ જ રીતે મોટા અવાજે ભારત માતા કી જય બોલવું એ જ દેશભક્ત હોવાની સાબિતી નથી કે પછી બે-ત્રણ પેઢી પહેલાંનું કનેક્શન કે દેખાવ તમને ઓછા ભારતીય નથી બનાવી દેતો એ મેસેજ પણ ક્યુટ રીતે બહાર આવે છે.

સોહૈલ ખાન, મોહમ્મદ ઝીશન ઐયુબ, યશપાલ શર્મા કે ચાઇનીઝ ઝુ ઝુ જેવા અદાકારો માત્ર પોતાને ફાળે આવેલું પાત્ર ભજવી ગયાં છે, પરંતુ સલમાનની ઍક્ટિંગ કરતાં આપણે વધુ ઇમોશનલ ઓમ પુરી સાહેબને પડદા પર જોઈને થઈ જઈએ કે હવે તેઓ ફરી ક્યારેય આ રીતે જોવા નહીં મળે.

ફિલ્મના સ્લો પેસને કારણે આપણને એવા સવાલોય થાય કે ચાલીસીમાં પહોંચ્યા પછીયે સોહૈલે પણ લગ્ન કેમ નથી કર્યાં? એક શહીદની શબપેટી પર મુરલી પ્રસાદ દત્ત લખીને મુન્નાભાઈના સંજય દત્તના પાત્રને સળી શા માટે કરાઈ છે? ૧૯૯૩માં બહાર પડેલો ઇન્ડિયન પોસ્ટનો લોગો ૧૯૬૨માં શા માટે દેખાય છે? બૉટલથી લઈને પહાડ હલાવવા માટે સલમાન કબજિયાતના દરદી જેવો અવાજ શા માટે કાઢે છે? કોઈ માણસ અડધી મિનિટની અંદર કોમામાંથી બહાર શી રીતે આવી જાય છે?

ક્યા આપકો યકીન હૈ?

‘ટ્યુબલાઇટ’ની શરૂઆતમાં જ આપણને ખબર પડે છે કે આ ફિલ્મ આગામી દિવસોમાં સ્ટાર ગોલ્ડ પર અને ઇન્ટરનેટમાં ઍમેઝૉન પ્રાઇમ પર આવવાની છે. સલમાનના નામે અત્યારે ટિકિટના ભાવો વધારી દેવાયા છે. એટલે જો તમે ભાઈ કા ફૅન નામની બિનસત્તાવાર ઉપાધિ ન ધરાવતા હો તો આ રિવ્યુનો મેસેજ શું છે એ બરાબર સમજાઈ ગયું હશે.