ફિલ્મ-રિવ્યુ : શિકારા - ટ્રૅજેડીમાં લવ-સ્ટોરી

08 February, 2020 12:44 PM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુ : શિકારા - ટ્રૅજેડીમાં લવ-સ્ટોરી

શિકારા

વિધુ વિનોદ ચોપડા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને ગઈ કાલે રિલીઝ થયેલી ‘શિકારા’ તેમના માટે ખૂબ જ મહત્ત્વની ફિલ્મ છે. ફિલ્મમેકર કમર્શિયલ હેતુને ધ્યાનમાં રાખે છે તો કેટલીક વાર સોશ્યલ ઇશ્યુને, પરંતુ કેટલીક વાર ફિલ્મમેકર પોતાના માટે પણ ફિલ્મ બનાવે છે. હૉલીવુડના ફિલ્મમેકર ક્વેન્ટિન ટેરેન્ટિનોએ ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન હૉલીવુડ’ દ્વારા હૉલીવુડને લવ લેટર લખ્યો હતો. આ જ રીતે વિધુ વિનોદ ચોપડાએ પણ કાશ્મીરને લવ લેટર લખ્યો છે. ૧૯૯૦માં લાખો કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડીને પોતાના જ દેશમાં રેફ્યુજી તરીકે રહેવું પડ્યું હતું. આ કાશ્મીરી પંડિતમાં વિધુ વિનોદ ચોપડાની મમ્મી શાંતિ દેવી પણ સામેલ હતી. તેથી તેમણે પર્સનલ લાઇફને કેન્દ્રમાં રાખીને ‘શિકારા’ લવ-સ્ટોરી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મને તેમણે તેમની મમ્મી, પત્ની અનુપમા અને તમામ કાશ્મીરી પંડિતોને ડેડિકેટ કરી છે.

ફિલ્મની સ્ટોરી એક કપલની આસપાસ ફરે છે અને એ ૧૯૮૭ના સમયથી સ્ટાર્ટ થાય છે. શિવ કુમાર ધાર (આદિલ ખાન) અને શાંતિ (સાદિયા)ની આ લવ-સ્ટોરી છે. શિવ કવિ હોય છે અને તે ટીચર હોવાની સાથે પીએચડી પણ કરી રહ્યો હોય છે. શાંતિ નર્સિંગનો કોર્સ કરી રહી હોય છે. ફિલ્મમાં પણ ફિલ્મ ‘લવ ઇન કાશ્મીર’નું શૂટિંગ થઈ રહ્યું હોય છે અને એ દરમ્યાન તેમની મુલાકાત થાય છે. તેમની વચ્ચે પ્રેમ થાય છે અને તેઓ લગ્ન કરે છે. લગ્ન કર્યા બાદ શિવના ખાસ મિત્ર લતીફના પિતાનું મૃત્યુ થાય છે અને તે મિલિટન્ટ બની જાય છે. આ દરમ્યાન કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોને કાઢવા માટેની મુહિમ છેડવામાં આવે છે. શિવ અને શાંતિ તેમના નવા ઘર ‘શિકારા’માં (શિકારા એટલે કે હાઉસબોટ.) રહેતા હોય છે. જોકે તેમની આસપાસના લોકો દ્વારા તેમને કહેવામાં આવે છે કે ડરવાની જરૂર નથી અને થોડા દિવસમાં બધું સારું થઈ જશે. જોકે ૧૯૯૦ની ૧૯ જાન્યુઆરીએ ચાર લાખ લોકોએ કાશ્મીર છોડી જમ્મુમાં આવેલા રેફ્યુજી કૅમ્પમાં રોકાવું પડ્યું હતું. આ તમામ ટ્રૅજેડી વચ્ચે પણ આ કપલે આશા નહોતી છોડી અને તેમના મૃત્યુ સુધી તે કાશ્મીરની પરિસ્થિતિ સુધરી જશે એવી આશા રાખી રહ્યું હતું એ દેખાડવામાં આવ્યું છે.

ફિલ્મનો સ્ક્રીનપ્લે વિધુ વિનોદ ચોપડા, અભિજાત જોષી અને રાહુલ પંડિતા દ્વારા લખવામાં આવ્યો છે. આ સ્ક્રીનપ્લેને પડદા પર ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં વિધુ વિનોદ ચોપડા સફળ રહ્યા છે. તેમણે કાશ્મીરની સુંદરતાની સાથે એના કલ્ચરને પણ ખૂબ જ સારી રીતે વણી લીધું છે. તેમ જ જેમ-જેમ સમય બદલતો ગયો તેમ-તેમ કલ્ચર કેવી રીતે બદલાતું ગયું અને કાશ્મીર પણ બદલાઈ ગયું હતું એ પણ ખૂબ જ સારી રીતે રજૂ કર્યું છે. ફિલ્મનો પ્લૉટ ટ્રૅજેડી પર છે, પરંતુ એમ છતાં વિધુ વિનોદ ચોપડાએ એમાં એક લવ-સ્ટોરી શોધી કાઢી છે. તેમનો ફિલ્મ બનાવવાનો મુખ્ય હેતુ એ જ હતો કે પ્રેમ દ્વારા કોઈ પણ જંગ જીતી શકાય છે.

કપલને યુવાન અને વૃદ્ધ એમ બે લુકમાં દેખાડવામાં આવ્યા છે. યુવાનીમાં સાદિયાની ઍક્ટિંગ ખૂબ જ સારી હતી, પરંતુ વૃદ્ધાની ઍક્ટિંગમાં તે થોડી કાચી સાબિત થઈ હતી. શિવનું પાત્ર આદિલ ખાને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. પ્રેમ, નફરત અને ગુસ્સો દરેક એક્સપ્રેશનને તેણે ખૂબ જ સારી રીતે સ્ક્રીન પર રજૂ કર્યા છે.

વૃદ્ધના અવતારમાં તેની બૉડી-લૅન્ગ્વેજમાં ગજબનો બદલાવ જોવા મળ્યો છે. ફિલ્મમાં તેમના સિવાય જે પણ રેફ્યુજી એટલે કે કાશ્મીરી પંડિતને દેખાડવામાં આવ્યા છે તે તમામ ઓરિજિનલ છે. એમાંની એક પણ વ્યક્તિ ઍક્ટર નથી. તેમ જ ઘણાં ઓરિજિનલ દૃશ્યોને પણ દેખાડવામાં આવ્યાં છે, જેમ કે બેનઝિર ભુટ્ટોનું કાશ્મીરી મુસ્લિમોને ભડકાવનારું ભાષણ.

પૉલિટિક્સ અને કોઈ પણ દેશને તેમ જ કમ્યુનિટીને જવાબદાર ગણાવવાની જગ્યાએ વિધુ વિનોદ ચોપડાએ લવ-સ્ટોરી પર ફોકસ કર્યું છે. આ ફોકસને કારણે તેમની ગાડી પાટા પરથી ક્યારેય નથી ઊતરી. જોકે બીજા પાર્ટમાં ધીમી અને પ્રિડિક્ટેબલ જરૂર થઈ ગઈ હતી. દરેક ડાયલૉગ દ્વારા તેમણે પ્રેમ અને શાંતિ ફેલાવવાની સાથે લોકોને જોડવાની કોશિશ કરી છે. એક દૃશ્ય છે જેમાં રેફ્યુજી કૅમ્પમાં શિવનો વિદ્યાર્થી બાળકોની ટોળી સાથે ક્રિકેટ રમવા જતો હોય છે. આ દરમ્યાન તેઓ ‘મંદિર વહી બનેગા’નું રટણ કરતા હોય છે. શિવ તેમને ઊભા રાખી સમજાવે છે કે લીડર લોકોને અલગ કરવાનું નહીં, પરંતુ સાથે રાખવાનું કામ કરે છે. - આજની પરિસ્થિતિ સાથે આ ડાયલૉગ બંધબેસતો હોય તો એ જોગાનુજોગ કહી શકાય. - આ વિદ્યાર્થી ભવિષ્યમાં ડૉક્ટર બને છે અને તેના ટીચર એટલે કે શિવની પત્નીનું ઑપરેશન કરે છે.

કાશ્મીરીઓની હાલત કેવી થઈ હતી એ દેખાડવાની સાથે તેમણે એક ખૂબ જ સુંદર ફિલ્મ બનાવી છે. વિધુ વિનોદ ચોપડા આ ફિલ્મને લઈને કોઈ પૉલિટિકલ મુદ્દામાં નથી પડ્યા જેથી તેમની ફિલ્મને લઈને વિવાદ ઊભો થાય. ટ્રૅજેડીના બૅકડ્રૉપવાળી આ લવ- સ્ટોરીમાં એ. આર. રહમાન અને સંદેશ શાંડિલ્યના મ્યુઝિક અને ઇર્શાદ કામિલના શબ્દોએ ખૂબ જ પ્રભાવ પાડ્યો છે. ફિલ્મની સિનેમૅટોગ્રાફી પણ એનો પ્લસ પૉઇન્ટ છે અને એ રંગરાજન રમાબદ્રન દ્વારા કરવામાં આવી હતી. તેની સિનેમૅટોગ્રાફી અને વિધુ વિનોદ ચોપડાના ડિરેક્શનમાં કાશ્મીરી પંડિતોનું કાશ્મીર છોડવાનું દૃશ્ય ખૂબ જ સુંદર રીતે લેવામાં આવ્યું છે. પહાડો પરથી ઘણીબધી બસ અને ટ્રક દ્વારા તેઓ કાશ્મીર છોડી રહ્યા છે એ હકીકતમાં તમારી નજર સમક્ષ થઈ રહ્યું હોય એ રીતે દેખાડવામાં આવ્યું છે.

vidhu vinod chopra bollywood news entertaintment harsh desai