સચિન... સચિન...

27 May, 2017 07:10 AM IST  | 

સચિન... સચિન...

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

સચિન રમેશ તેન્ડુલકર. ભારતીય ક્રિકેટનો પોસ્ટરબૉય. ભારતનો બિગેસ્ટ સ્પોર્ટ બ્રૅન્ડ- ઍમ્બૅસૅડર. તેની ૨૪ વર્ષની કરીઅર એટલીબધી રોમાંચક રહી છે કે બધાની પોતપોતાની સચિન મોમેન્ટ્સ હશે. માત્ર સચિનની બૅટિંગ જોવા માટે જ કોઈએ કૉલેજ બંક કરી હશે, કોઈએ ઑફિસમાંથી ગુલ્લી મારી હશે, ક્યાંક દોસ્તોએ ઘરે એકઠા થઈને પાર્ટીના માહોલમાં મૅચ જોઈ હશે તો ક્યાંક પાનના ગલ્લે સચિન તરફીઓ અને સચિન વિરોધીઓ વચ્ચે વાક્યુદ્ધો પણ ખેલાયાં હશે. સચિનની સેન્ચુરીઓ પર સેલિબ્રેશન થયાં હશે અને એ સસ્તામાં આઉટ થાય તો મૂડ પણ બગડ્યા હશે. પોતાની સુપરહિટ આત્મકથા (પ્લેઇંગ ઇટ માય વે) લખ્યા પછી તે જ્યારે પોતાની લાઇફ-સ્ટોરી કહેવા બેસે તો એ કેવી હોય? થૅન્ક ગૉડ! એ ટિપિકલ બૉલીવુડિયન બાયોપિક નથી. એમાં આઇટમ-સૉન્ગ્સ નથી, હાઈ-પિચ્ડ મેલોડ્રામા નથી કે તથ્યોને તોડી-મરોડીને પેશ કરાયાં નથી. એને બદલે આ છે ડૉક્યુમેન્ટરી ફિલ્મ. એમાં સચિન જ હીરો છે અને સચિન જ સૂત્રધાર છે. વળી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ જોવા માટે થિયેટરો પૅક થતાં હોય એય કંઈ ઓછા હરખની વાત નથી.

લાઇફ-સ્ટોરી : સચિનની, ઇન્ડિયાની, આપણી એક સરસ ડૉક્યુમેન્ટરી ફિલ્મ કોઈ વ્યક્તિ કે મુદ્દાને અલગ-અલગ ઍન્ગલેથી તપાસીને આપણી સામે રજૂ કરે. ડિરેક્ટર જેમ્સ અãસ્ર્કન પોતાની આ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘સચિન : અ બિલિયન ડ્રીમ્સ’ની શરૂઆત સચિનની દીકરી સારાના જન્મથી કરે છે. તાજી જન્મેલી સારાને સચિન પહેલી વાર પોતાના હાથમાં લે છે. ત્યાર પછી તરત જ સચિન પોતાના પિતાને ટાંકતાં કહે છે કે જો હું એક સારો માણસ નહીં બની શકું તો એક સારો પિતા પણ ક્યારેય નહીં બની શકું. બસ, એ જ ઘડીએ સચિન એક સ્ટાર ક્રિકેટર, આઇકન, રોલમૉડલમાંથી બૉય નેક્સ્ટ ડોર, એક નમ્ર માણસ અને આપણા જેવો જ એક પિતા બની જાય છે. ત્યાર પછીની સવાબે કલાકની ફિલ્મમાં ક્યાંય સચિન કેટલો મહાન બૅટ્સમૅન હતો એ બતાવવાનો પ્રયાસ જ નથી કરાયો. એને બદલે તેના વ્યક્તિત્વની બીજી બાજુઓ પર જ ધ્યાન કેãન્દ્રત કરાયું છે.

સ્વાભાવિક રીતે જ સચિનની સ્ટોરી એટલે મુંબઈની સાહિત્ય સહવાસ સોસાયટીમાં મરાઠી કવિ રમેશ તેન્ડુલકરના ઘરે જન્મથી લઈને ભારત રત્ન બનવા સુધીની તેની સફર. સચિનની આ સફર માત્ર તેના એકલાની નથી બલકે તેની સાથે ભારત પણ બદલાતું જોઈ શકાય છે. કપિલ દેવે લૉડ્ર્સની ગૅલરીમાં વર્લ્ડ કપ હાથમાં ઝાલ્યો ત્યારથી થયેલો એક સપનાનો જન્મ, ભારતનો મિસાઇલ-લૉન્ચ કાર્યક્રમ, રાજીવ ગાંધીની હત્યા, ૧૯૯૧માં આપણે અપનાવેલું લિબરલાઇઝેશન અને એને પગલે કમર્શિયલ બ્રૉડકાસ્ટિંગની શરૂઆત, ૨૬/૧૧નો હુમલો, IPLની સાથે ક્રિકેટનું ગ્લૅમરાઇઝેશન વગેરે ઘટનાઓ પણ સચિનની સ્ટોરીની સાથે જ ચાલતી રહે છે. ડૉક્યુડ્રામા સ્ટાઇલમાં પેશ થયેલા સચિનના બાળપણના કિસ્સા પણ સરસ ડીટેલિંગ સાથે પેશ થયા છે. એમાં સચિનને મોટી બહેન તરફથી મળેલું કશ્મીર વિલોનું બૅટ હોય, સચિન દેવ બર્મનના નામ પરથી પડેલું તેનું નામ હોય, સચિનનાં તોફાન હોય, તેની એનર્જીને ચૅનલાઇઝ કરવા માટે સચિનના ભાઈ અજિતનું કોચ રમાકાંત આચરેકર પાસે લઈ જવાનો પ્રસંગ હોય, આચરેકર સર દ્વારા સચિનને આઉટ કરવા માટે સ્ટમ્પ પર મુકાતો સિક્કો હોય, સમયગાળો બતાવવા માટે દીવાલ પર લાગેલાં ‘સાહેબ’ અને ‘ઉત્સવ’નાં પોસ્ટરો હોય કે એક વડાપાંઉના પચાસ પૈસા હોય; દરેક ઠેકાણે મસ્ત ડીટેલિંગ દેખાય છે. હા, એ વાત અલગ છે કે ૧૯૮૩ની ફાઇનલ વખતે અહીં બતાવાયું છે એમ લાઇવ ટેલિકાસ્ટ નહોતું થયું અને નેવુંના દાયકામાં લોકોની અગાશીઓ પર DTHની ડિશો ન હોય.

આ ફિલ્મ થકી કેટકેટલા ચહેરા લાંબા સમય પછી આપણી સામે આવ્યા છે : ડૉન બ્રેડમૅન, બ્રાયન લારા, ઇયાન બૉથમ, જ્યૉફ્રી બૉયકૉટ, શેન વૉર્ન, વિવિયન રિચડ્ર્સ, ગેરી કસ્ર્ટન, રાજસિંહ ડુંગરપુર, અજિત વાડેકર, જગમોહન દાલમિયા, હેન્સી ક્રોન્યે, સચિનને બ્રૅન્ડ બનાવનારા સ્વર્ગસ્થ માર્ક મૅસ્કરન્હૅસ અને યુવાન પ્રણય રૉય-રાજદીપ સરદેસાઈ. સચિનની લાઇફના પ્રસંગો, એક પછી એક આવતી મૅચો અને આ બધા ચહેરાઓને જોઈને આપણને પણ એક આખા વીતેલા યુગનો રીકૅપ મળી જાય છે.

સચિન, ધ હ્યુમન બીઇંગ

સચિને આ ફિલ્મમાં પોતાની નિષ્ફળતાઓ, ડર, ડિપ્રેશન વગેરે વિશે પણ ખૂલીને વાતો કરી છે. તેની મરજી વિરુદ્ધ કઈ રીતે તેને કૅપ્ટન બનાવી દેવાયેલો અને જાણ સુધ્ધાં કર્યા વિના તેને હટાવી દેવાયેલો, નિષ્ફળતાના દોરમાં તેની રિટાયરમેન્ટની માગ થયેલી, મૅચ- ફિક્સિંગનું એ કાળું પ્રકરણ, સચિન પર બોલવા માટેનું પ્રેશર, દર વખતે હાથમાંથી સરી જતા વર્લ્ડ કપનાં સપનાં, અઝહરુદ્દીન વખતે ટીમમાં ઊભાં થયેલાં બે પાવર સેન્ટર, ગ્રેગ ચૅપલ કાળ, તેની ઇન્જરીઓ અને એના થકી આવતું સ્ટ્રેસ... સચિન અહીં બધું જ એકસરખી નિ:સ્પૃહતાથી કહી દે છે.

આપણે જે સચિન જોઈએ છીએ એની પાછળનાં બે મુખ્ય પિલર એટલે અજિત અને અંજલિ. સચિન કહે છે એમ, મેં અને અજિતે એક જ સપનું આખી જિંદગી જોયું છે અને જીવ્યા છીએ. જ્યારે અજિત કહે છે, આટલાં વર્ષોમાં એક પણ દિવસ એવો ગયો નથી કે અમે ક્રિકેટની વાત ન કરી હોય કે ક્રિકેટ સિવાય કોઈ વાત કરી હોય. કદાચ અંજલિ જેવી વાઇફ ન મળી હોત તો સચિનને કાંબલીમાં પલટાતાં વાર પણ ન લાગી હોત. સચિન-બાળકો માટે તેણે પોતાની મેડિકલ કરીઅર છોડી એટલું જ નહીં, સચિનના સ્ટ્રેસને પણ બરાબર સાચવ્યું. ફિલ્મમાં બહુ નિખાલસતાથી અંજલિ કહી દે છે, અજુર્નં તેના પિતા જેવો સફળ ન થાય તો તેની નિષ્ફળતાનો ભાર પણ તેણે એકલાએ જ ઉપાડવો પડશે. હું એ આખું સ્ટ્રેસ નવેસરથી નહીં વેઠી શકું. અત્યંત અંગત ફૅમિલી વિડિયો ફુટેજમાં આપણને સચિનનો એક પ્રેમાળ પિતા અને ઝિંદાદિલ દોસ્ત તરીકેનો ચહેરો પણ દેખાય છે. તેનો ટિપિકલ સ્ટાઇલનો મૅરેજ-વિડિયો અને એમાં આવેલી હસ્તીઓ, દોસ્તો માટે ક્યારેય ન બદલાયેલો સચિન પણ જોઈ શકાય છે.

કેવી રીતે સચિન સસ્તામાં આઉટ થાય તો કલાકો સુધી કોઈનીયે સાથે વાત ન કરે, નિષ્ફળતાના દોરમાં અઠવાડિયા સુધી ઘરમાં પુરાઈ રહે, મોટી મૅચના પંદર કલાક અગાઉથી તૈયારી શરૂ કરી દે, તેની ક્રિકેટ કિટમાં શું-શું હોય, તેનું જાદુઈ બૅટ, તેને કોઈ ગુડ લક વિશ કરે તો તેને ન ગમે, સાહેબ ગ્રીન ટી જ પીવે, એકનું એક ગીત આખો દિવસ સાંભળ્યા કરે, ૨૦૧૧ના વર્લ્ડ કપની ફાઇનલમાં શું થયેલું... આવા ઝીણા-ઝીણા સંખ્યાબંધ ઍનેક્ડોટ્સ આ ફિલ્મમાં વેરાયેલા છે. સાથે બૅકગ્રાઉન્ડમાં વાગતું એ. આર. રહમાનનું મ્યુઝિક, મસ્ત.

ઓન્લી સચિન

દેખીતી રીતે જ આ ઇન્સ્પિરેશનલ ફિલ્મ સચિન ધ ફિનોમેનનનું સેલિબ્રેશન છે. એટલે જ એમાં એક ટિપિકલ ડૉક્યુમેન્ટરી જેવી આકરી બાબતોનો સમાવેશ નથી કરાયો. સચિનની કરીઅરનાં મેજર અપ-ડાઉન જાણે આપણે તેના વિકીપીડિયા પેજનું વિડિયો-વર્ઝન જોતા હોઈએ એવાં લાગે છે. આ ડૉક્યુમેન્ટરીમાં સચિનનો એક સમયનો જિગરજાન દોસ્ત વિનોદ કાંબલી નથી, તેના કોચ રમાકાંત આચરેકર (કદાચ ઉંમરને લીધે) પણ નથી. સચિનની બૅટિંગમાં એવી તે કઈ ખાસિયતો હતી, તેની પર્સનાલિટીનું-સચિન ઍઝ અ બ્રૅન્ડનું ઍનૅલિસિસ વગેરે બાબતો સમાવાઈ નથી. જૂના વિડિયોની નબળી ક્વૉલિટી પણ જેમની તેમ જ રખાઈ છે.

માસ્ટર બ્લાસ્ટર

આ ફિલ્મ રૂંવાડાં ખડાં કરી દે એવી સંખ્યાબંધ મોમેન્ટ્સ આપે છે. છેક પહેલી સિરીઝમાં સચિનનું નાક તૂટ્યું ત્યારથી લઈને ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની મૅચો, ઑસ્ટ્રેલિયા સામેની અભૂતપૂર્વ સિરીઝ, લૉડ્ર્સમાં ગાંગુલીનું ટૉપલેસ એક્સાઇટમેન્ટ, વૉર્ન વર્સસ સચિન, ૨૦૧૧ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ચટાડેલી ધૂળ, એ પછી ગેરી કસ્ર્ટનની ચક દે ઇન્ડિયાના શાહરુખને પણ ઝાંખો પાડી દે એવી મોટિવેશનલ સ્પીચ, ધોનીની વિનિંગ સિક્સ, સચિનની ફેરવેલ સ્પીચ... આ બધું ફરી-ફરીને અનુભવવા માટે સચિનના અને ભારતીય ક્રિકેટના ચાહક તરીકે આ ફિલ્મ થિયેટરમાં જ જોવી પડે એટલું જ નહીં, સચિન : અ બિલ્યન ડ્રીમ્સની DVD પર્સનલ કલેક્શનમાં પણ રાખવી પડે; કેમ કે આ માત્ર સચિનની જ નહીં બલકે તેની સાથે જોડાયેલી આપણી ભાવનાઓની પણ સ્ટોરી છે. અને ભવિષ્યમાં આપણાં બાળકો અને તેમનાં બાળકોને પણ બતાવવા માટે કે આ એ ખેલાડી છે જેને અમે રમતો જોયો છે.