ફિલ્મ-રિવ્યુ મરજાવાં: બોરિંગપન કી હાઇટ ક્યા હૈ?

16 November, 2019 10:57 AM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુ મરજાવાં: બોરિંગપન કી હાઇટ ક્યા હૈ?

મરજાવાં ફિલ્મનું એક દ્રશ્ય

‘એક વિલન’ની જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ ફરી એકસાથે આવ્યા છે, પરંતુ આ વખતે તેમની જોડી કમાલ કરી દેખાડે કે કેમ એ એક સવાલ છે. તેમની ‘મરજાવાં’ ગઈ કાલે રિલીઝ થઈ છે. મિલાપ મિલન ઝવેરી દ્વારા લિખિત અને દિગ્દર્શ‌િત આ ફિલ્મમાં તેમની સાથે તારા સુતરિયા અને રકુલ પ્રીત સિંહ પણ છે.
૯૦ના દાયકાની સ્ટોરી
પહેલાંની ફિલ્મોમાં જે રીતે હીરોને ગુંડો દેખાડવામાં આવ્યો હોવા છતાં તે પોતાના સિદ્ધાંતોનો પાકો હોય એ જ રીતે અહીં રઘુ એટલે સિદ્ધાર્થને દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ વિલનનું પાત્ર વિષ્ણુ એટલે કે રિતેશે ભજવ્યું છે. પહેલાંની ફિલ્મોમાં જે રીતે વિલન બાળપણથી અદેખાઈને કારણે પોતાનામાં ઝેર ભરે છે એ જ રીતે આમાં વિષ્ણુના હાલ પણ એવા છે. તેમના પિતાનું પાત્ર અન્ના એટલે કે નસ્સરે ભજવ્યું છે. રઘુ અન્નાને રસ્તા પર મળ્યો હોય છે અને તેનો દીકરાની જેમ ઉછેર કરે છે. આ જ કારણસર તેમના રિયલ દીકરા એટલે કે વિષ્ણુને તેની અદેખાઈ હોય છે અને બન્ને જાની દુશ્મન બને છે. અહીં ‘પ્રસથાનમ’ની વાત નહીં, પરંતુ ‘મરજાવાં’ની થઈ રહી છે. રકુલ એટલે કે આરઝૂ એક બારમાં ડાન્સર અને સેક્સવર્કરનું કામ કરતી હોય છે જે રઘુને એકતરફી પ્રેમ કરે છે. રઘુ તેના એરિયામાં આવેલી બોલી નહીં શકતી એવી ઝોયા એટલે કે તારા સુતરિયાના પ્રેમમાં પડે છે. રઘુને મારવા માટે બૉલીવુડની ફિલ્મોના ઇતિહાસને ધ્યાનમાં રાખીને મિલનભાઈએ હિરોઇનનો મહોરું બનાવવાનું નક્કી કર્યું હતું અને એ પાછળ બે કલાક અને ૧૭ મિનિટ ખર્ચી કાઢવામાં આવી છે.
ડિરેક્શન અને રાઇટિંગ
ભરપૂર સેક્સ-કૉમેડી બનાવનાર મિલનભાઈએ આ ફિલ્મને ઍક્શન અને લવ સ્ટોરીની સાથે એમાં કૉમેડીનો તડકો લગાવવાની પણ કોશિશ કરી છે. ‘મૈં તેરા હીરો’ અને ‘દેશી બૉય્‌ઝ’ને બાદ કરતાં તેની મોટા ભાગની ફિલ્મો ઍવરેજ હતી. તેની ‘સત્યમેવ જયતે’એ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કર્યો હતો. જોકે આ ફિલ્મને પણ ક્રિટ‌િક્સ દ્વારા વખોડી કાઢવામાં આવી હતી. આ ફિલ્મને અલગ પાડવા માટે એમાં લવ એન્ગલ ઘુસાડવામાં આવ્યો છે, પરંતુ એમાં એટલી મજા નથી. ડાયલૉગ પણ અસરકારકની જગ્યાએ ત્રાસદાયક છે. સિદ્ધાર્થનો ડાયલૉગ ‘મૈં મારુંગા મરજાયેંગા, દોબારા જનમ લેને સે ડર જાયેંગા’ પણ વિવેક ઑબેરૉયની ‘દમ’માંથી ઉપાડવામાં આવ્યો છે. જોકે સિદ્ધાર્થની ડાયલૉગ ડિલિવરીમાં એ લાઇન એટલી અસરકારક નથી લાગતી. તેમ જ તે શરૂઆતના એક દૃશ્યમાં સિદ્ધાર્થ તેની સાથે ફર્સ્ટ-એઇડ બૉક્સ લઈને ફાઇટ કરતો દેખાડવામાં આવ્યો છે. અહીં તેનો ડાયલૉગ છે કે ‘મૈં તોડુંગા ભી ઔર તોડ કે જોડુંગા ભી.’ આ દૃશ્યને પણ અમિતાભ બચ્ચનની ૧૯૭૮માં આવેલી ‘ત્રિશૂલ’ પરથી લેવામાં આવ્યો છે જેમાં તેઓ ફાઇટ દરમ્યાન ઍમ્બ્યુલન્સ લઈને જતા હોય છે. ફિલ્મમાં રિતેશ સતત ‘કમીનેપન કી હાઇટ ક્યા હૈ?’, ‘પ્યાર કી હાઇટ ક્યા હૈ?’, ‘ઉસકી હાઇટ ક્યા હૈ?’ ‘ફલાણાની હાઇટ શું છે?’ જેવા વાહિયાત ડાયલૉગ - સોરી પકાઉ જોક્સ - મારતો જોવા મળે છે.
વિવેક અને અમિતાભ બચ્ચન ઓછા હોય ત્યાં સની દેઓલની ‘ગદર : એક પ્રેમ કથા’ના આઇકૉનિક દૃશ્યની પણ કૉપી કરવામાં આવી છે. સની દેઓલે પાકિસ્તાનમાં જે રીતે હૅન્ડપમ્પ ઉખાડ્યો હતો એ જ રીતે અહીં સિદ્ધાર્થ મહાશય જેલમાં એક પાઇપ ઉખાડે છે. જોકે અહીં મિલાપ ઝવેરી એક વાત ભૂલી ગયો હતો કે ફાઇટ દરમ્યાન સિદ્ધાર્થના હાથ કાદવવાળા હતા અને તે કેટલો પણ પાવરફુલ કેમ ન હોય આ પાઇપ ઉખાડતી વખતે તેના હાથ લપસે એ નક્કી છે. સ્ટોરી અને ડાયલૉગની સાથે ડિરેક્શનમાં પણ ખૂબ જ તકલીફ છે. ઘણાં દૃશ્યો કૉપી લાગશે, પરંતુ સૌથી મોટો પ્રૉબ્લેમ છે એનો ક્યારે સમાવેશ કરવો. કોઈ પણ દૃશ્ય ગમે ત્યારે આવી જશે. તારા સુતરિયા શું કામ કરતી હોય છે અને તેની પાસે ગરીબ બાળકોને મ્યુઝિક શીખવાડવા માટેનો સમય ક્યાંથી આવે છે એ વિશે કોઈ માહિતી નથી.
ઍક્ટિંગ
સિદ્ધાર્થને ‘એક વિલન’માં જોવાની મજા આવી હતી. તેમ જ ‘બ્રધર્સ’માં તેની ફાઇટ પણ થોડી ઇન્ટરેસ્ટિંગ હતી. આથી તેને ફરી રૉ લુકમાં જોઈને ફિલ્મ પાસે ઘણી આશા રાખવામાં આવી હતી. જોકે ડાયલૉગ સિદ્ધાર્થને સૂટ નથી કરતા અને એને વધુપડતા બઢાવી-ચઢાવીને કહેવામાં આવી રહ્યા હોય એવું લાગે છે. તેમ જ તેની ઍક્ટિંગ કરતાં વધુ ઓવરઍક્ટિંગ હોય એવું લાગે છે. તારા સુતરિયાની આ બીજી ફિલ્મ છે અને તેણે બોલી નહીં શકતી વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે. તેણે ફક્ત ચહેરાના એક્સપ્રેશનથી કામ ચલાવવાનું હતું, પરંતુ એમાં તે નિષ્ફળ રહી છે. તે ફિલ્મ પર જરા પણ અસર નથી છોડી શકી. રકુલને ક્રેડિટમાં મહેમાન ભૂમિકામાં છે એ રીતે દેખાડવામાં આવી છે. તેના નાનકડા પાત્રમાં તેણે સારી ઍક્ટિંગ કરી છે, પરંતુ તેના લુક અને સિનેમૅટોગ્રાફીને કારણે તે પણ અસરકારક નથી લાગતી. તે બારમાં ડાન્સ કરતી અને કૂંટણખાનામાં રહેતી હોય એવું દેખાડવામાં આવે છે, પરંતુ એ દૃશ્યને એટલું વાસ્તવિકતાથી નથી દેખાડવામાં આવ્યું. નસ્સરે પણ તેની નાનકડી ભૂમિકા સારી રીતે ભજવી છે. સૌથી સારું કામ રિતેશનું હતું. જોકે તેને ‌ઠિંગુજી કેમ દેખાડવામાં આવ્યો છે એ એક સવાલ છે. તેણે કમીનાપનની કોઈ હદ બાકી નહોતી રાખી, પરંતુ તેની હાઇટમાં ટ્વિસ્ટ આપી દર્શકોને આકર્ષવામાં ફિલ્મમેકર નિષ્ફળ ગયા છે.
મ્યુઝિક
સિદ્ધાર્થ અને તારા સાથે હોય તો ફિલ્મમાં જરા પ્રેમ દેખાડવામાં આવશે અને તેઓ અલગ પડ્યાં તો ફાઇટ અને એમ છતાં ડિરેક્ટરને થોડો સમય મળ્યો તો સૉન્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. અડધાં ગીત રીક્રિએટ કરવામાં આવ્યાં છે. એમાં પણ ટાઇમિંગ એટલો ગંદો છે કે નોરા ફતેહીના ગ્લૅમરનો જાદુ પણ નથી ચાલી શકતો. રકુલ પાસે પણ એક ગીત કરાવવામાં આવ્યું છે, પરંતુ એની સાથે પણ આ જ પ્રૉબ્લેમ થયો છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઘણી વાર ઇમોશન્સ પર હાવી થઈ જાય છે.
આખરી સલામ
મિલાપે જે રીતે ડાયલૉગ અને દૃશ્યો કૉપી કર્યાં છે એ રીતે ફિલ્મ જોયા બાદ તમને પણ સલમાન ખાનના ડાયલૉગની કૉપી કરી ‘યે ફિલ્મ મૈંને ક્યૂં દેખી?’ બોલવાનું મન થાય તો નવાઈ નહીં.
સ્ટારઃ 1.5

sidharth malhotra Tara Sutaria