ફિલ્મ-રિવ્યુઃમોતીચૂર ચકનાચૂર- કભી કભી ભગવાન કો ભી નહીં પતા હોતા.....

16 November, 2019 11:00 AM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુઃમોતીચૂર ચકનાચૂર- કભી કભી ભગવાન કો ભી નહીં પતા હોતા.....

કેવી છે ફિલ્મ મોતીચૂક ચકનાચૂર

નવાઝુદ્દીન સિદ્દીકીને લોકોએ અલગ જ અવતારમાં જોયો છે, પરંતુ તે પહેલી વાર ‘મોતીચૂર ચકનાચૂર’માં રોમૅન્ટિક પાત્રમાં જોવા મળી રહ્યો છે. અથિયા શેટ્ટી સાથેની આ ફિલ્મ ગઈ કાલે રિલીઝ થઈ છે. ‘હીરો’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અથિયાની ‘મુબારકાં’ બાદ આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મને વાયકૉમ૧૮ મોશન સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ અને દેબમિત્ર બિસવાલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ પુષ્પિંદર ત્યાગીનું પાત્ર ભજવ્યું છે જે દુબઈમાં નોકરી કરતો હોય છે અને લગ્ન કરવા માટે તેના ઘરે આવે છે. તે ૩૬ વર્ષનો થઈ ગયો હોવાથી લગ્ન માટે ખૂબ જ ઉતાવળો હોય છે. બીજી તરફ અંદાજે તેનાથી દસ વર્ષ નાની અથિયા એટલે કે ઍની પણ લગ્ન માટે છોકરો શોધી રહી હોય છે. ઍનીએ અત્યાર સુધીમાં દસ છોકરાને ના પાડી દીધી હોય છે. તે ફક્ત એવો છોકરો શોધે છે જે વિદેશમાં રહેતો હોય. તેની ફ્રેન્ડે વિદેશમાં લગ્ન કર્યાં હોવાથી તેને ઈર્ષ્યા થતી હોય છે અને એથી જ તે એવો છોકરો શોધે છે. જોકે તેને છોકરો ન મળતો હોવાથી તેની માસી દ્વારા તેને પાડોશી પુષ્પિંદરને પટાવવા માટે કહેવામાં આવે છે. ઍની તેને પ્રેમની માયાજાળમાં ફસાવે છે, પરંતુ પુષ્પિંદરને ખબર નથી હોતી કે તે ફક્ત દુબઈ જવા માટે લગ્ન કરી રહી છે. તેમનાં લગ્ન થઈ જાય છે અને પુષ્પિંદરને દુબઈની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આ બાદ શું થાય છે એ માટે ફિલ્મ જોઈ લેવી.
ફિલ્મને રોમૅન્ટિક-કૉમેડી બનાવવાની કોશિશ કરવામાં આવી છે. જોકે ડાયલૉગમાં બિલકુલ દમ નથી. બે કલાક અને પંદર મિનિટની ફિલ્મમાં ત્રણ-ચાર ડાયલૉગ તમને હસાવશે અને બાકીના ડાયલૉગ કરતાં સોશ્યલ મીડિયા પર બનાવવામાં આવતા મીમ વધુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. ભોપાલમાં બે ઘરમાં આ સ્ટોરી પૂરી કરવામાં આવી છે. તેમ જ ત્યાંની લોકલ લૅન્ગ્વેજને કારણે પણ ફિલ્મ સાથે એટલું કનેક્ટ નથી કરી શકાતું. તેમ જ કેટલાંક દૃશ્યો વગર કામનાં અને ખેંચવામાં આવ્યાં છે. ઘણી જગ્યા પર જબરદસ્તીથી હસાવવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મમાં દહેજને લઈને એક મેસેજ પણ આપવામાં આવ્યો છે, પરંતુ હવે એ એટલો ઇફેક્ટિવ નથી રહ્યો. સ્ટોરી ટેલિંગ અને સ્ક્રિપ્ટને કારણે નવાઝુદ્દીન જેવો ઍક્ટર પણ આ ફિલ્મ બચાવી નથી શક્યો.
ઍક્ટિંગની વાત કરીએ તો ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની સૌથી બેસ્ટ ઍક્ટિંગ છે. જોકે તેના અને અથિયા સિવાય ફિલ્મમાં કોઈ મોટું નામ પણ નથી. લગ્ન માટે ફ્રસ્ટ્રેટ થઈ ગયેલો હોય એવું નવાઝુદ્દીનને જોઈને કહી શકાય છે. તે જાડી-પાતળી, ઊજળી-ઘઉંવર્ણી, ઊંચી-ઓછી હાઇટની કોઈ પણ છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય છે અને એ જોઈ શકાય છે. તેની ઍક્ટિંગને કારણે કેટલાંક દૃશ્યમાં કોઈ ડાયલૉગ ન હોય છતાં હસવું આવે છે. જોકે આવાં ગણીને ત્રણ-ચાર દૃશ્ય જ છે. અથિયા શેટ્ટી પાસે પોતાની ઍક્ટિંગની કળા દેખાડવાનો સારો સ્કોપ હતો. જોકે તે એમાં નિષ્ફળ રહી છે. ફક્ત અથિયા જ નહીં, નવાઝુદ્દીન સિવાયના મોટા ભાગના ઍક્ટર ઍક્ટિંગ કરતાં ઓવરઍક્ટિંગ કરતા હોય એવું વધુ લાગે છે.
સ્ટોરીની સાથે ‘મોતીચૂર ચકનાચૂર’ના મ્યુઝિકમાં પણ ખાસ લેવાનું નથી. આ ફિલ્મનું ગીત ભાગ્યે જ કોઈ જગ્યાએ સાંભળવા મળ્યું હશે. કોઈ આશા સાથે ફિલ્મ જોવા ગયા હો તો એ ‘ચકનાચૂર’ થવાની સંભાવના ડબલ છે. કભી-કભી ભગવાન કો ભી પતા નહીં હોતા કે ફિલ્મ કૈસી રહેગી!

nawazuddin siddiqui athiya shetty