બાટલા હાઉસ રીવ્યૂઃ નિશાના પર નિશાન

16 August, 2019 09:33 AM IST  |  મુંબઈ

બાટલા હાઉસ રીવ્યૂઃ નિશાના પર નિશાન

બાટલા હાઉસ

દેશભક્તિની વાત આવે એટલે સૌથી પહેલાં જૉન એબ્રાહમ અને અક્ષયકુમારનું નામ સામે આવે. ૧૫ ઑગસ્ટે અક્ષયકુમાર ‘મિશન મંગલ’ અને જૉન ‘બાટલા હાઉસ’ લઈને આવ્યા છે. જૉને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. તે જ્યારથી પ્રોડ્યુસર બન્યો છે ત્યારથી અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરી રહ્યો છે. જોકે આ તમામમાં દેશભક્તિ અવશ્ય હોય છે. તેની છેલ્લી ફિલ્મો ‘સત્યમેવ જયતે’, ‘પરમાણુ’ અને ‘રોમિયો અકબર વૉલ્ટર’નો સમાવેશ થાય છે અને હવે ‘બાટલા હાઉસ’. જૉન તેની દેશભક્તિની ફિલ્મોથી લોકોનાં દિલ પર રાજ કરી રહ્યો છે. ૨૦૦૮ની ૧૯ સપ્ટેમ્બરે દિલ્હીના જામિયા નગરમાં આવેલા બાટલા હાઉસમાં એક એન્કાઉન્ટર થયું હતું. આ ઘટના પરથી નિખિલ અડવાણીએ એ જ નામની ફિલ્મ બનાવી છે.
ફિલ્મમાં જૉને સંજીવકુમારનું પાત્ર ભજવ્યું છે જેને ઘણા મેડલ પણ મળ્યા હોય છે. સંજીવકુમાર માટે સૌથી પહેલાં તેની દેશભક્તિ અને પોલીસની નોકરી હોય છે. તેના લગ્નજીવનનો અંત આવવાની અણી પર હોય છે. તેની પત્ની નંદિતા યાદવની ભૂમિકા મૃણાલ ઠાકુરે ભજવી છે. તે એક જર્નલિસ્ટ છે. ફિલ્મની શરૂઆતમાં જ તેઓ અલગ થઈ રહ્યાં હોવાની જાણ કરવામાં આવે છે. ત્યાર બાદ એન્કાઉન્ટર થાય છે. આ એન્કાઉન્ટરમાં કેકે એટલે કે રવિ કિશનનું મૃત્યુ થાય છે. આ એન્કાઉન્ટર વિદ્યાર્થીઓનું થયું હોય છે. પોલીસનું કહેવું છે કે તેઓ ઇન્ડિયન મુજાહિદ્દીનના માણસો હતા. જોકે ત્યાં રહેતા અમુક ધર્મના લોકે આ સ્ટુડન્ટ્સને નિર્દોષ ગણે છે તેમ જ આ સમુદાયનું પ્રેશર, ઍક્ટિવિસ્ટનું પ્રેશર અને ત્યાર બાદ પૉલિટિકલ પ્રેશર આવે છે અને સંજીવકુમાર પર સવાલ ઊભા થાય છે. આ એન્કાઉન્ટરને ફેક હોવાનું કહેવામાં આવે છે. પોલીસે હવે તેમનાં એન્કાઉન્ટર સાચાં હતાં એ પુરવાર કરવાનો વારો આવે છે.
જોકે આ તમામ ઘટના વચ્ચે તેઓ કેવી રીતે ટેરરિસ્ટને પકડે છે એનો ઘટનાક્રમ લાજવાબ છે. નિખિલ અડવાણીએ આ સ્ક્રીનપ્લેને પડદા પર ખૂબ સારી રીતે રજૂ કર્યું છે. ફિલ્મમાં વગરકામનો કોઈ ડ્રામાનો સમાવેશ કરવામાં નથી આવ્યો. ઇન્ટરવલ પહેલાંની ફિલ્મ થોડી લાંબી અને ધીમી લાગે, પરંતુ સ્ટોરીને યોગ્ય રીતે રજૂ કરવા માટે એ જરૂરી છે. દરેક પહેલુને ખૂબ સારી રીતે સમય લઈને દેખાડવામાં આવ્યા છે. બૅકગ્રાઉન્ડ અને સાઉન્ડ-ઇફેક્ટને કારણે ફિલ્મના ડાયલૉગ ઘણી વાર માર ખાઈ જાય છે. આ ફિલ્મ કોઈ પણ કમ્યુનિટી પર કોઈ પણ પ્રકારની કમેન્ટ નથી કરતી એની નિખિલે ખૂબ કાળજી રાખી છે. ફિલ્મમાં એક પણ દૃશ્ય એવું નથી જે તમને હકીકતથી દૂર લઈ જતું હોય.
ઉત્તર પ્રદેશની એક કાલ્પનિક જગ્યા નિઝામપુરમાં જૉન ટેરરિસ્ટને શોધવા જાય છે. ટિપિકલ બૉલીવુડની ફિલ્મમાં હીરો હંમેશાં ગુંડાને પકડી લાવે છે, પરંતુ અહીં સંજીવકુમારે નિરાશા સાથે આવવું પડે છે. ત્યાંની કમ્યુનિટી, પૉલિટિકલ પાર્ટી અને પોલીસ પણ ટેરરિસ્ટને સાથ આપે છે. એક-એક દૃશ્યને ડિટેલમાં રજૂ કરવામાં આવ્યું છે. ૧૪૪ મિનિટની આ લાંબી ફિલ્મ છે એને થોડી શૉર્ટ કરી શકાઈ હોત. જો એ ન કરવું હોય તો કેકે અને સંજીવકુમાર વચ્ચેની જે ઇન્ટર્નલ હરીફાઈ હતી એને પણ સારી રીતે રજૂ કરી શકાઈ હોત.
સંજીવકુમારના પાત્રમાં જૉને ખૂબ સારી ઍક્ટિંગ કરી છે. ‘મદ્રાસ કૅફે’ બાદ તેની આ ફિલ્મની ઍક્ટિંગ જોરદાર છે. તેની ઍક્ટિંગમાં પણ ઇમ્પ્રૂવમેન્ટ આવ્યું છે એ તમે જોઈ શકો છો. તેની આંખમાં ગુસ્સો, ચહેરા પર ડર અને પત્નીથી અલગ થવાનું દુઃખ બધું દેખાઈ આવે છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ સંજીવકુમારને જે રીતે ખૂની દરિંદો કહેવામાં આવી રહ્યો હોય એની તેના જીવન પર ખૂબ ખરાબ અસર પડે છે. તેને હંમેશાં એવો ભાસ થતો રહે છે કે તેને છાતી પર કોઈએ ગોળી મારી છે. એક સમય એવો આવે છે કે તે નશામાં સુસાઇડ કરવાનું વિચારે છે. જોકે બીજા દિવસે તે તેની પત્નીને કહે છે કે આ બંદૂકના દરેક સ્પેરપાર્ટને અલગ-અલગ જગ્યાએ સંતાડી દે નહીંતર મારું મૃત્યુ નજીક છે.
મૃણાલે પણ સારી ઍક્ટિંગ કરી છે. ‘સુપર ૩૦’માં તેનું પાત્ર નાનું હતું અને આ ફિલ્મમાં પણ તેનું પાત્ર નાનું છે. જોકે તેને જેટલો પણ સમય આપવામાં આવ્યો છે એમાં તેણે સારું કામ કર્યું છે. એક જર્નલિસ્ટ હોવાથી લોકો તેના પતિ પર જે આરોપ લગાવી રહ્યા છે એને માનવાનો તે પ્રયાસ પણ કરી રહી છે, પરંતુ બીજી તરફ તેની અંદર રહેલી માનવતા મરી નથી પરવારતી. તે દરેક પહેલુને જાણવા માગે છે, જે આજકાલ મીડિયામાં દુર્લભ છે.
આ ફિલ્મમાં ગીતની કોઈ જરૂર નથી, પરંતુ એમ છતાં સાકી-સાકી એન્ટરટેઇનમેન્ટ માટે પૂરતું છે. નોરા ફતેહીના ઠૂમકા અને ઍક્ટિંગ પણ સારી છે. ફિલ્મનો મેઇન પાર્ટ છે કોર્ટરૂમ ડ્રામા. અત્યાર સુધીના કોઈ પણ કોર્ટરૂમ ડ્રામા કરતાં આ લૉજિકલ છે. સામા પક્ષનો વકીલ એટલે કે રાજેશ શર્માની ઍક્ટિંગ પણ દાદુ છે. તેમના તમામ ઊલટા-સીધા સવાલના જવાબ જૉન ધીરજથી અને સમજદારીપૂવર્ક આપે છે. આ રાઇટરની કમાલ છે, જેણે ખૂબ ઉમદા રિસર્ચ કર્યું છે.

john abraham