કમાન્ડો 3: ઍક્શનની વચ્ચે દેશભક્તિનો ઓવરડોઝ

29 November, 2019 10:54 AM IST  |  Mumbai | Harsh Desai

કમાન્ડો 3: ઍક્શનની વચ્ચે દેશભક્તિનો ઓવરડોઝ

ફિલ્મ કમાન્ડોનું દ્રશ્ય

૨૦૧૩માં આવેલી વિદ્યુત જામવાલની ઍક્શન ફિલ્મ ‘કમાન્ડો’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘કમાન્ડો 3’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી વિદ્યુતને ઍક્શન હીરો તરીકેની ઓળખ મળી હતી તેમ જ બૉલીવુડને પણ એક નવી ઍક્શન ફ્રૅન્ચાઇઝી મળી હતી. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં વિદ્યુતની સાથે અદા શર્મા, અંગીરા ધાર અને ગુલશન દેવૈયાએ કામ કર્યું છે.
સ્ટોરી-ટાઇમ
કરણવીર સિંહ ડોગરાનું પાત્ર વિદ્યુત જામવાલે ભજવ્યું છે. કમાન્ડો કરણ ઇન્ડિયાને આતંકવાદીઓથી બચાવવા માટે મિશન પર નીકળે છે. આતંકવાદી સંગઠનને ઑપરેટ કરતા બુરાક અન્સારીનું પાત્ર ગુલશન દેવૈયાએ ભજવ્યું છે. તે લંડનમાં બેઠો-બેઠો ઇન્ડિયામાં યુવાનોને મુસ્લિમ બનાવીને તેમ જ અન્ય મુસ્લિમોનું માઇન્ડ-વૉશ કરતો હોય છે એથી કરણ તેને પકડવા લંડન જાય છે. આને માટે તેની સાથે એજન્ટ ભાવના રેડ્ડી (અદા શર્મા)ને મોકલવામાં આવે છે. લંડનની બ્રિટિશ ઇન્ટેલિજન્સમાં કામ કરતી મલ્લિકા સૂદ (અંગીરા ધાર) અને અન્ય એક એજન્ટને ઇન્ડિયન એજન્ટ્સ સાથે કામ કરવા માટે સાઇન કરવામાં આવે છે. અંગીરાના ગ્રૅન્ડ પેરન્ટ ઇન્ડિયન હોવાથી તેને આ કામ માટે સાઇન કરવામાં આવી છે.
સ્ટોરી, ડિરેક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ
ફિલ્મની સ્ટોરી ઘણી બોરિંગ છે. ડેરિયસ યાર્મિલ અને જુનૈદ વાસી દ્વારા લખવામાં આવેલી આ ફિલ્મમાં ઘણી ખામીઓ છે. બે કલાક અને ૧૩ મિનિટની આ ફિલ્મમાં જબરદસ્તી ઍક્શન નાખવામાં આવી હોય એવો અહેસાસ થાય છે. ૧૦ મિનિટ થઈ ગઈ, ચાલો હવે ઍક્શન-ટાઇમ, એ હેતુથી ફિલ્મ લખવામાં આવી હોય એવું લાગે છે. બાબરી મસ્જિદની સાથોસાથ ઇન્ડિયામાં મુસ્લિમો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે એવી માન્યતા સાથે બુરાક ઇન્ડિયામાં આતંકવાદી હુમલો કરવા માગતો હોય છે. તે ભારતના નકશા પર ‘અલ્લાહ’ લખવા માગતો હોય છે. વેઇટ! ‘ધૂમ 2’માં હૃતિક રોશન પણ દુનિયાના નકશા પર આર્યનનો ‘એ’ લખવા માગતો હોય છે. છોડો આ તો થઈ જૂની વાત. આતંકવાદીઓને અટકાવવા માટે વિદ્યુત જામવાલ એક વિડિયો શૅર કરીને લોકોને એકજૂથ થવાની વાત કરે છે. આ પણ આપણે સૂરજ પંચોલીની ‘સૅટેલાઇટ શંકર’માં જોઈ ચૂક્યા છીએ. ફિલ્મની શરૂઆતથી લઈને અંત સુધી પ્રૉબ્લેમ જ પ્રૉબ્લેમ છે.
ઇમરાન હાશ્મીને સ્ટાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આદિત્ય દત્તે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ‘આશિક બનાયા આપને’ને ડિરેક્ટ કરનાર આદિત્યએ સની લીઓનીની ‘કરણજિત કૌર : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સની લીઓની’ને પણ ડિરેક્ટ કરી છે. જોકે આ વેબ-શો બાદ આદિત્ય ફિલ્મની જગ્યાએ વેબ-શોના ફૉર્મેટને ફૉલો કરી રહ્યો હોય એવું વધુ જોવા મળે છે. ડિરેક્શનમાં પ્રૉબ્લેમ હોવાની સાથે એની સિનેમૅટોગ્રાફી પણ કંગાળ છે. ફિલ્મને જલદી-જલદી બનાવવામાં આવી હોય એના કરતાં ઓછા બજેટમાં બનાવવામાં આવી હોય એવા ચાન્સ વધુ દેખાય છે.
ઓછા બજેટથી યાદ આવ્યું કે ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ખૂબ જ કંગાળ છે. સુશાંત સિંહ રાજપૂત અને જૅકલિન ફર્નાન્ડિસની ‘ડ્રાઇવ’માં જોવા મળેલી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને આ ફિલ્મમાં ઘણી સમાનતા છે. વિદ્યુતને જ્યારે હેલિકૉપ્ટર દ્વારા ઍરલિફ્ટ કરવામાં આવે છે એ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યું એની ખબર પડી જાય છે તેમ જ કાર્ગોશિપ પરનું દૃશ્ય પણ વિસ્ફોટ સમયે કમ્પ્યુટર ગ્રાફિક્સ છે એની ખબર પડી જાય છે.
ઍક્શન કી બહાર
વિદ્યુત માર્શલ-આર્ટ્સમાં પ્રોફેશનલ ટ્રેઇન્ડ છે. તે પોતાના તમામ સ્ટન્ટ જાતે કરે છે. જોકે તેની મોટા ભાગની ઍક્શન સ્ટાઇલ ફિક્સ હોય છે. ઉદાહરણ તરીકે કારની બારીમાંથી જમ્પ મારવો અથવા કારમાં એન્ટર થવું. આ દૃશ્ય ‘કમાન્ડો’નો સિગ્નેચર સ્ટન્ટ કહી શકાય. ફિલ્મની શરૂઆતમાં તે અખાડામાં પહેલવાન સાથે ફાઇટ કરતો જોવા મળે છે. તેની ઍક્શન જોરદાર છે, પરંતુ પહેલવાન એક ટકો પણ પ્રોફેશનલ નથી લાગતા અને એથી ફાઇટમાં એટલો દમ પણ નથી. લંડનમાં તે જ્યારે ચપ્પુની મદદથી બે ફાઇટર સામે એકલો લડે છે એ ઍક્શન ઇફેક્ટિવ છે. હૉલીવુડમાં સૌથી વધુ માર ખાવા માટે જૅકી ચેન જાણીતો છે. તે ફાઇટ દરમ્યાન હંમેશાં દુશ્મનના હાથે માર ખાતો જોવા મળે છે જેથી ફાઇટને ઑથેન્ટિક બનાવી શકાય. અહીં પણ ઍક્શનની કોરિયોગ્રાફી કરતી વખતે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઍક્શનને કારણે ફિલ્મમાં થોડો ઘણો રસ રહે છે.
ઍક્ટિંગ કહો કે ઍક્શન
વિદ્યુત જામવાલની એન્ટ્રીથી ફાઇટ શરૂ થાય છે ને એન્ડ સુધી ફાઇટ આવે છે. વિદ્યુતના ચહેરા પર એકસરખું એક્સપ્રેશન જોવા મળે છે. કોઈ પણ પરિસ્થિતિમાં તેના ચહેરાના હાવભાવમાં કોઈ બદલાવ નથી આવતો. અદા શર્માએ સારી ઍક્ટિંગ કરી છે. એકસરખા એક્સપ્રેશનવાળો ચહેરો જોઈને કંટાળી ગયા હો ત્યારે અદા શાર્મા તેના વનલાઇનર્સ દ્વારા માહોલ હળવો કરીને ચહેરા પર સ્માઇલ લાવે છે તેમ જ તેણે ઍક્શન પણ સારી કરી છે. અદા સાથે અંગીરાએ પણ ખૂબ સારી ઍક્શન કરી છે. ‘લવ પર સ્ક્વેર ફુટ’માં જોવા મળેલી અંગીરા અહીં ખૂબ અલગ અંદાજમાં જોવા મળી હતી અને તે એક કમ્પ્લીટ એજન્ટ પણ દેખાતી હતી.
વિલન તરીકે ગુલશન દેવૈયા છે. તે એક ઉમદા ઍક્ટર છે, પરંતુ અહીં તેની ઓવરઍક્ટિંગ વધુ હતી. વેબ-શોમાં વિલનનું પાત્ર ભજવી-ભજવીને તેના પર વિલનનો ટૅગ લાગી ગયો છે. જોકે અહીં તે વિલન પ્રમાણે ખૂબ લાઉડ છે. તેની ઍક્ટિંગ થોડી નૉર્મલ અને તેની ચાલવાની સ્ટાઇલ કે તેનાં રીઍક્શનમાં થોડું ઓછી લાઉડ હોત તો તે પાત્રને સારી રીતે ન્યાય આપી શક્યો હોત.
માઇનસ પૉઇન્ટ
ફિલ્મનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ છે એનો એન્ડ. આતંકવાદને અટકાવવા માટે એક વિડિયો વાઇરલ કરીને એને અટકાવી શકાય. સિરિયસલી? એકતા ફેલાવવાનું કામ મોટા-મોટા નેતા અને કહેવાતા ધર્મગુરુઓ ન કરી શક્યા એ એક વિડિયોથી થઈ શકે ખરું? વિદ્યુત જ્યારે પણ લંડનમાં કોઈ તપાસ માટે જતો હોય ત્યારે તે એકલો અથવા તો બે હિરોઇન સાથે હોય છે. શું બ્રિટિશ ઇન્ટેલિજન્સે તેમને એક પણ પોલીસની મદદ નહીં કરી હોય? લંડનમાં જ્યાં પણ ક્રાઇમ થાય કે પોલીસ તરત હાજર થતી હોય છે. અહીં ઇન્ડિયન પોલીસની વાત નથી થઈ રહી, પરંતુ તેઓ જાહેરમાં બંદૂક ચલાવતા હોય અને એક પણ પોલીસ ન આવે એવું કેવી રીતે બની શકે? ગુલશન દેવૈયા તેના દીકરાની નજર સામે ખૂન કરતો હોય છે અને એને અલ્લાહનું કામ કહે છે. તે આટલો બધો નિર્દયી કેમ છે એ વિશે કોઈ બૅક સ્ટોરી નથી. ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે મુસ્લિમો સાથે થતા અન્યાય માટે તે આવું કામ કરી રહ્યો છે. ફિલ્મના ઍક્શનની મારધાડ સાથે દેશભક્તિનો ઓવરડોઝ આપ્યો છે. દેશભક્તિ દેખાડીને બૉક્સ-ઑફિસ પર નંબર છાપવાનો એક ટ્રેન્ડ બની ગયો છે. જોકે અહીં વધુપડતી દેશભક્તિ ભારે પડી છે. આ લિસ્ટ ઘણું લાંબું છે અને એથી અહીં જ પૂર્ણવિરામ મૂકવું વધુ હિતાવહ છે.
આખરી સલામ
ઍક્શન અને વિદ્યુત જામવાલના ફૅનને આ ફિલ્મ ગમી શકે છે. જોકે સમય અને પૈસાની કમી ન હોય તો દર્શકોને થિયેટરમાં જતાં કોણ અટકાવી શકે?

bollywood movie review vidyut jamwal